<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 20th November 2026

ઈમરાન ખાનને જેલ મુક્‍ત કરાવવા યુએન માનવાધિકાર મેદાને!

પાકિસ્‍તાનમાં રાજકીય તણાવ ઘટાડવા માટે સરકાર અને વિપક્ષ વચ્‍ચે વિશ્વાસ સ્‍થાપિત કરવો જરૂરી છે

ઇસ્‍લામાબાદ,તા.૨૦: પાકિસ્‍તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનની જેલમાં બગડતી તબિયતને લઈને આંતરરાષ્ટ્રીય સ્‍તરે ચિતા વધી રહી છે. આ મામલે સંયુક્‍ત રાષ્ટ્ર (UN) ના માનવાધિકાર પ્રમુખ વોલ્‍કર તુર્કએ ઈમરાન ખાનની તાત્‍કાલિક મુક્‍તિ અને તેમની સાથે યોગ્‍ય વ્‍યવહાર કરવાની માંગ ઉઠાવી છે. તુર્કે જણાવ્‍યું કે, પાકિસ્‍તાનમાં રાજકીય તણાવ ઘટાડવા માટે સરકાર અને વિપક્ષ વચ્‍ચે વિશ્વાસ સ્‍થાપિત કરવો જરૂરી છે, અને ઈમરાન ખાનની તાત્‍કાલિક મુક્‍તિ આ દિશામાં એક મહત્‍વપૂર્ણ પગલું બની શકે છે.

આંતરરાષ્ટ્રીય માનવાધિકાર સંગઠન Amnesty Internationalએ પણ ૭૪ વર્ષીય પૂર્વ વડાપ્રધાનની જેલની સ્‍થિતિ પર ગંભીર સવાલો ઉઠાવ્‍યા છે. સંગઠને કહ્યું કે, ડિસેમ્‍બર ૨૦૨૫ થી ઈમરાન ખાનને તેમના પરિવાર સાથે મળવાની મંજૂરી આપવામાં આવી નથી. માત્ર ઓગસ્‍ટ ૨૦૨૬ માં તેમની બહેન સાથે બે વખત મળવા માટે મંજૂરી આપવામાં આવી હતી. તે પછી ઇમરાન ખાનને તેમના પરિવાર સાથે ભેટ કરવામાં માટે મંજૂરી આપવામાં આવી નથે. એઠલું જ નહીં પરંતુ માર્ચ ૨૦૨૬ થી તેમને તેમના પુત્રો સાથે ટેલિફોન પર વાત કરવા દેવામાં આવી નથી.

સંગઠને ચેતવણી આપી કે કથિત એકાંત કારાવાસ અને માનવીય સંપર્કના અભાવથી તેમના શારીરિક અને માનસિક સ્‍વાસ્‍થ્‍ય પર ગંભીર અસર પડી રહી છે. સાથે બ્‍લડ પ્રેશરની ગંભીર સમસ્‍યાઓનો ઉલ્‍લેખ કરતા આક્ષેપ કરાયો છે કે, ઓગસ્‍ટમાં સુપ્રીમ કોર્ટે ખાનગી હોસ્‍પિટલમાં લઈ જવાનો આદેશ આપ્‍યો હોવા છતાં, અધિકારીઓએ તેમને સ્‍વતંત્ર ડોક્‍ટરોની સારવારથી વંચિત રાખ્‍યા છે. ગત ૧૬ નવેમ્‍બરના રોજ ઈમરાન ખાને રાવલપિંડીની અડિયાલા જેલમાંથી દેશના સર્વોચ્‍ચ ન્‍યાયાધીશોને ખુલ્‍લો પત્ર લખીને તબીબી સારવાર અને અદાલતના બાકી આદેશોનો અમલ કરવા વિનંતી કરી હતી.

આ અગાઉ ઈમરાન ખાનના પુત્ર કાસિમ ખાને સોશિયલ મીડિયા પ્‍લેટફોર્મ 'X' પર પોસ્‍ટ કરીને પોતાના પિતાની સુરક્ષા અંગે ઊંડી ચિતા વ્‍યક્‍ત કરી હતી. તેમણે પાકિસ્‍તાનના સૈન્‍ય નેતૃત્‍વ અને આર્મી ચીફ આસિમ મુનીર પર યાતનાઓ આપવાના આક્ષેપો લગાવતા આંતરરાષ્ટ્રીય સમુદાયને અપીલ કરી હતી. આ સાથે પોતાના પિતાને કોઈ નુકસાન પહોંચે તે પહેલાં વિશ્વએ આ મામલે હસ્‍તક્ષેપ કરવા માટે અપીલ પણ કરી હતી.

(3:41 PM IST)