<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 24th September 2026

ગાંધીનગર સ્થિત પોલીસ ભવન ખાતે રાજ્ય પોલીસ વડા જ્ઞાનેન્દ્રસિંહ મલિકની અધ્યક્ષતામાં યોજાયો ‘સેલ્યુટ અવર મેન્ટર્સ’ સન્માન સમારોહ : ૩૦થી વધુ નિવૃત્ત ડીજીપી અને એડીજીપી રેન્કના વરિષ્ઠ પોલીસ અધિકારીઓનું પુસ્તક આપી ગૌરવભેર સન્માન કરાયું : જુઓ વિડીયો

પૂર્વ રાજ્ય પોલીસ વડા વિકાસ સહાય દ્વારા શરૂ કરાયેલી અનોખી પહેલ અંતર્ગત ગુજરાત પોલીસના સુવર્ણ ઇતિહાસના શિલ્પીઓનું ઋણ સ્વીકારાયું : પ્રોબેશન સમયના અનુભવો અને માર્ગદર્શનને સફળતાનો આધાર ગણાવતા રાજ્ય પોલીસ વડા જ્ઞાનેન્દ્રસિંહ મલિક અને અમદાવાદ પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોત

રાજકોટ : ગુજરાત પોલીસે પોતાની પરંપરાને જાળવી રાખતા ગાંધીનગર સ્થિત પોલીસ ભવન ખાતે 'સેલ્યુટ અવર મેન્ટર્સ' કાર્યક્રમનું ભવ્ય આયોજન કર્યું હતું. રાજ્યના પૂર્વ પોલીસ વડા વિકાસ સહાય દ્વારા બે વર્ષ પહેલા શરૂ કરવામાં આવેલી આ અનોખી પહેલ અંતર્ગત પોતાના કર્મયોગથી ગુજરાત પોલીસના સુવર્ણ ઇતિહાસની પાયાની ઈંટો મૂકનાર અને ખાખી ની ગરિમાને વૈશ્વિક સ્તરે ઉજ્જ્વળ બનાવનાર નિવૃત્ત DGP અને ADGP રેન્કના અધિકારીઓનું ગૌરવભેર સન્માન કરવામાં આવ્યું હતું.

આ સન્માન સમારોહમાં ડીજીપી અને એડીજીપી જેવા ઉચ્ચ પદ પરથી નિવૃત્ત થયેલા ૩૦થી વધુ અધિકારીઓ અને તેમના પરિવારો ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત તમામ વરિષ્ઠ નિવૃત્ત અધિકારીઓને પુસ્તક આપીને આદરપૂર્વક સન્માનિત કરવામાં આવ્યા હતા.

પ્રોબેશન તાલીમ જ સફળતાનું ચાલકબળ - રાજ્ય પોલીસ વડા જ્ઞાનેન્દ્રસિંહ મલિક:
‘વી સેલ્યુટ અવર મેન્ટોર્સ’ (We Salute Our Mentors) કાર્યક્રમમાં વરિષ્ઠ અધિકારીઓને સંબોધતા રાજ્યના પોલીસ વડા જ્ઞાનેન્દ્રસિંહ મલિકે જણાવ્યું કે, કોઈપણ પોલીસ અધિકારીની કારકિર્દીમાં પ્રોબેશન અને તાલીમનો ગાળો પાયારૂપ હોય છે. પ્રોબેશન દરમિયાન મેન્ટર્સ પાસેથી મળેલી શીખ અને સંસ્કારો જ અધિકારીની આગળની તમામ સફળતાનું ચાલકબળ બને છે.
પોતાના સંબોધનમાં તેમણે સાબરકાંઠાના હિંમતનગર ખાતેના પ્રોબેશન સમયગાળાને યાદ કરી વરિષ્ઠ અધિકારી આર. પી. પ્રિયદર્શી અને પી. બી. ગોંડિયાના યોગદાનને બિરદાવ્યું હતું. તેમણે ફિલ્ડ તાલીમ દરમિયાન નિયમિત વીકલી ડાયરી લખવી, રાત્રિ રાઉન્ડ, ગેરહાજર કર્મચારીઓના નિવેદનો લેવા અને લોકફરિયાદોનું સંવેદનશીલ નિવારણ કરવા જેવી પદ્ધતિઓ શીખવા મળી હોવાનું જણાવ્યું હતું. આ ઉપરાંત જૂનાગઢ ખાતે તત્કાલીન આઈજી ગુરદયાલ સિંહની ઇન્સ્પેક્શન પરેડથી શિસ્ત અને લાઇન તપાસનું મહત્વ સમજાયું હોવાનું તેમજ પ્રાંતિજ અને પોરબંદરના અનુભવો પણ તાજા કર્યા હતા. તેમણે પૂર્વ પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ સહિત ઉપસ્થિત તમામ વરિષ્ઠ અધિકારીઓ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી.

પોલીસ પરિવારજનોના ત્યાગની પ્રશંસા કરાઈ:
અમદાવાદ શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોતે જણાવ્યું કે, પોલીસના સર્વિસ રેકોર્ડમાં પોસ્ટીંગ અને પ્રમોશન નોંધાય છે, પરંતુ રાત્રે મોડા ઘરે પહોંચવું, બાળકો જાગે તે પહેલાં ફરી ફરજ પર જવું, તહેવારોમાં રસ્તા પર ઊભા રહેવું કે સામાજિક પ્રસંગો છોડવા—આ ત્યાગ ક્યારેય રેકોર્ડમાં નથી લખાતો. સતત બદલીઓ વચ્ચે અધિકારીઓના પરિવારજનો અને પત્નીઓએ ઘર સંભાળીને જે સાથ આપ્યો છે તેની તેમણે ખાસ પ્રશંસા કરી હતી. તેમણે ઉમેર્યું કે પોલીસ વ્યવસ્થા કાયદાની સાથે વરિષ્ઠ અધિકારીઓના અનુભવો અને પરંપરાથી ચાલે છે.

નિવૃત્ત અધિકારીઓએ આયોજનને બિરદાવ્યું:
આ પ્રસંગે નિવૃત્ત ડીજીપી પી. સી. પાંડે, એસ. એસ. ખાંડવાવાલા, સતિષ શર્મા, મીરા રામનિવાસ તેમજ નિવૃત્ત એડીજીપી આર. પી. પ્રિયદર્શી, વિજયસિંહ ગુમાન અને જે. એસ. બિન્દ્રા સહિતના અધિકારીઓએ પોતાના અનુભવો વ્યક્ત કરીને આ પ્રકારના આયોજનની પ્રશંસા કરી હતી.

આ કાર્યક્રમમાં નિવૃત્ત ઉચ્ચ પોલીસ અધિકારીઓ પી. સી. પાંડે, એસ. એસ. ખંડાવાલા, પ્રમોદ કુમાર, આશિષ ભાટિયા, શિવાનંદ ઝા અને વિકાસ સહાય સહિત અનેક નિવૃત્ત અને વર્તમાન ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

(11:09 AM IST)