News of Saturday, 11th July 2026
કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઈ શાહ આવતીકાલે રવિવારે ગુજરાતની મુલાકાતે : અમદાવાદમાં સાયન્સ સીટી ખાતેથી સામૂહિક વૃક્ષારોપણ અભિયાનનો કરાવશે પ્રારંભ
ગાંધીનગર લોકસભા વિસ્તારના વિવિધ જાહેર અને વિધાનસભાદીઠ કાર્યક્રમોમાં ઉપસ્થિત રહી કરોડોના વિકાસલક્ષી કામોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરશે : ચાર મોટા વૃક્ષારોપણ કાર્યક્રમોનું આયોજન

અમદાવાદ: ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા, ગાંધીનગર લોકસભાના લોકપ્રિય સાંસદ તેમજ કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઈ શાહ તારીખ 12 જુલાઈ 2026, રવિવારના રોજ ગુજરાતની એકદિવસીય મુલાકાતે આવી રહ્યા છે. આ મુલાકાત દરમિયાન તેઓ અમદાવાદ અને ગાંધીનગર સંસદીય મતવિસ્તારમાં પર્યાવરણની જાળવણી માટેના સામૂહિક વૃક્ષારોપણ અભિયાનના શ્રીગણેશ કરાવશે તેમજ કરોડો રૂપિયાના વિવિધ વિકાસલક્ષી કામોની ભેટ જનતાને અર્પણ કરશે. તેમના પ્રવાસને લઈને વહીવટી તંત્ર અને સંગઠન દ્વારા તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે.
કેન્દ્રીય ગૃહ મંત્રી અમિતભાઈ શાહના રવિવારના હાઈપ્રોફાઈલ કાર્યક્રમોની વિગત નીચે મુજબ છે:
કાર્યક્રમ ૧: સામૂહિક વૃક્ષારોપણ અભિયાન અને વિકાસકામોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત:
કેન્દ્રીય ગૃહ મંત્રી રવિવારે સવારે 08:30 કલાકે અમદાવાદના સોલા, સાયન્સ સીટી રોડ પર આવેલા "સાયન્સ ડોમ", સાયન્સ સીટી ખાતે આયોજિત ભવ્ય જાહેર કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. આ મુખ્ય જાહેર કાર્યક્રમમાં તેઓ સામૂહિક વૃક્ષારોપણ અભિયાનનો સત્તાવાર શુભારંભ કરાવવાની સાથે અમદાવાદ શહેર અને આસપાસના વિસ્તારો માટે વિવિધ વિકાસલક્ષી કામોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ પણ કરશે.
કાર્યક્રમ ૨: ઘાટલોડિયા વિધાનસભાના થલતેજ વોર્ડમાં વૃક્ષારોપણ:
સાયન્સ સીટીના મુખ્ય કાર્યક્રમ બાદ, સવારે 09:30 કલાકે ગૃહ મંત્રી ઘાટલોડિયા વિધાનસભા મતવિસ્તારના થલતેજ વોર્ડમાં પહોંચશે. અહીં ભાડજ, ગોતા-ગોધાવી કેનાલ પાસે આવેલા એએમસી (AMC) પ્લોટ (TP 301, FP 255) ખાતે આયોજિત વૃક્ષારોપણ કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિત રહીને પોતાના હસ્તે વૃક્ષારોપણ કરશે.
કાર્યક્રમ ૩: વેજલપુર વિધાનસભાના સરખેજ વોર્ડમાં પ્રસ્થાન:
ત્યારબાદ સવારે 09:55 કલાકે તેઓ વેજલપુર વિધાનસભા મતવિસ્તાર હેઠળ આવતા સરખેજ વોર્ડની મુલાકાત લેશે. બોપલ, એસ.પી. રિંગ રોડ પર એપલવુડ પાસે આવેલા એએમસી (AMC) પ્લોટ (TP 204, FP 347) ખાતે સામૂહિક વૃક્ષારોપણ અભિયાન અંતર્ગત યોજાનારા વૃક્ષારોપણ કાર્યક્રમમાં તેઓ સહભાગી થશે.
કાર્યક્રમ ૪: નારણપુરા વિધાનસભાના સ્ટેડિયમ વોર્ડમાં અંતિમ ચરણ:
પોતાના પ્રવાસના અંતિમ ચરણમાં સવારે 10:25 કલાકે કેન્દ્રીય મંત્રી નારણપુરા વિધાનસભા વિસ્તારમાં સમાવિષ્ટ સ્ટેડિયમ વોર્ડની મુલાકાત લેશે. અમદાવાદના ગાંધી આશ્રમ પાસે, વાડજ બીઆરટીએસ (BRTS) ની સામે આવેલા એનડીડીબી (NDDB) પ્લોટ ખાતે યોજાનારા સામૂહિક વૃક્ષારોપણ કાર્યક્રમમાં હાજરી આપીને તેઓ પોતાના ગુજરાતના નિર્ધારિત કાર્યક્રમો પૂર્ણ કરશે.
(4:47 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
