News of Sunday, 12th July 2026
પોરબંદરમાં કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ યુવાનો સાથે વોલીબૉલ રમી આપ્યો ફિટનેસનો સંદેશ : ચોપાટી મેળા ગ્રાઉન્ડ ખાતે અખાડામાં યુવા મોરચાના કાર્યકરો સાથે રમત રમી જાગૃતિનો અનોખો પ્રયોગ
દેશભરમાં ‘ફિટ ઈન્ડિયા’ અને ‘ખેલો ઈન્ડિયા’ જેવા અભિયાનોને વેગ આપવા મંત્રી સ્વયં મેદાનમાં ઉતર્યા : પોરબંદર ભાજપ સંગઠન અને યુવા મોરચાના હોદ્દેદારો તેમજ મોટી સંખ્યામાં સ્થાનિક યુવાનો રહ્યા ઉપસ્થિત

પરેશ પારેખ દ્વારા, પોરબંદર: પોરબંદરના ચોપાટી મેળા ગ્રાઉન્ડ ખાતે આવેલા ઐતિહાસિક અખાડામાં એક અનોખો અને ઉત્સાહભર્યો માહોલ જોવા મળ્યો હતો. પોરબંદર લોકસભાના સાંસદ તથા કેન્દ્રીય શ્રમ, રોજગાર તેમજ યુવા બાબતો અને રમતગમત મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ ભારતીય જનતા પાર્ટી યુવા મોરચાના કાર્યકરો અને સ્થાનિક યુવાનો સાથે પ્રત્યક્ષ વોલીબૉલ રમીને યુવા પેઢીમાં રમતગમત પ્રત્યે જાગૃતિ અને શારીરિક સુદ્રઢતાનો એક સચોટ સંદેશ આપ્યો હતો.
રમતગમતના માધ્યમથી સ્વસ્થ જીવનશૈલી અપનાવવા મંત્રીની પ્રેરણા:કેન્દ્રીય મંત્રીએ યુવાનો સાથે અત્યંત હળવા, સાહજિક અને ઉર્જાસભર વાતાવરણમાં વોલીબૉલની રમતની મજા માણી હતી. ખેલદિલીના આ વાતાવરણ વચ્ચે તેમણે ઉપસ્થિત તમામ યુવાનોને સંબોધતા જણાવ્યું હતું કે પ્રવર્તમાન સમયમાં સ્વસ્થ જીવનશૈલી અપનાવવી અત્યંત અનિવાર્ય છે. તેમણે યુવાનોને નિયમિત કસરત કરવા, ફિટનેસ જાળવવા અને કોઈને કોઈ રમતગમતની પ્રવૃત્તિઓ સાથે સતત જોડાયેલા રહેવા માટે વિશેષ પ્રેરણા પૂરી પાડી હતી.
ઉલ્લેખનીય છે કે કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત મંત્રી ડૉ. મનસુખ માંડવિયા દેશભરમાં ‘ફિટ ઈન્ડિયા’ અને ‘ખેલો ઈન્ડિયા’ જેવા રાષ્ટ્રવ્યાપી અભિયાનોને વધુ વેગ આપવા માટે જાણીતા છે. તેઓ પોતે પણ સાયકલિંગ, યોગ તેમજ વિવિધ પ્રકારની રમતગમત પ્રવૃત્તિઓમાં સ્વયં સક્રિય ભાગ લેતા રહે છે. તેમના પ્રેરણાદાયી નેતૃત્વ અને સક્રિય સહભાગિતાના પરિણામે દેશના યુવાનોમાં રમતગમત પ્રત્યે સકારાત્મક અભિગમ વિકસી રહ્યો છે અને એક શિસ્તબદ્ધ જીવનશૈલી તરફ યુવાધન વળી રહ્યું છે.
સ્થાનિક રાજકીય અગ્રણીઓ અને યુવા મોરચાના કાર્યકરોની મોટી સંખ્યામાં ઉપસ્થિતિ: આ રમતગમતના પ્રેરણાદાયી કાર્યક્રમ પ્રસંગે પોરબંદરના અનેક રાજકીય અગ્રણીઓ અને હોદ્દેદારો મેદાન પર હાજર રહ્યા હતા. જેમાં મુખ્યત્વે પોરબંદર મહાનગરપાલિકાના મેયર સાગરભાઈ મોદી, શહેર ભાજપ પ્રમુખ લક્કીરાજસિંહ વાળા, પોરબંદર જિલ્લા ભાજપ યુવા મોરચાના પ્રમુખ હર્ષભાઈ ગોહેલ, જિલ્લા યુવા મોરચાના મહામંત્રીઓ હર્ષભાઈ રૂઘાણી અને ધવલભાઈ ઓડેદરા ઉપસ્થિત રહ્યા હતા.
આ ઉપરાંત જિલ્લા યુવા મોરચા મંત્રી જીગર પંડ્યા, શહેર યુવા મોરચા મહામંત્રી આનંદભાઈ નાંઢા તેમજ અગ્રણી કાર્યકરો મિતેશભાઈ પોસ્તરીયા, રાજ પોપટ, મયુર કુહાડા, રાજન સમાણી, અમિત પરમાર અને દિવ્યેશ ડાલકિયા સહિતના યુવા મોરચાના હોદ્દેદારો, કાર્યકરો અને મોટી સંખ્યામાં નગરના રમતપ્રેમી યુવાનોએ ઉપસ્થિત રહી કેન્દ્રીય મંત્રી સાથે આ ખેલ મહોત્સવનો આનંદ લીધો હતો.
(10:47 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
