<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 15th September 2026

યુકેની નવી વિઝા-સેટલમેન્ટ નીતિ સામે યુનિયનોનો ચક્કાજામ! ઓછા પગારવાળા સ્થળાંતર કરનારાઓને ૧૫ વર્ષની રાહ જોવડાવવાના પ્રસ્તાવનો ભારે વિરોધ

૧૦ થી ૧૫ વર્ષના કડક નિયમોથી કામદારોનું શોષણ વધશે અને સામાજિક સંભાળ ક્ષેત્રે કટોકટી સર્જાશે; ટ્રેડ યુનિયન કોંગ્રેસે બ્રાઇટનમાં પ્રસ્તાવ પસાર કરી સરકારને નીતિ પાછી ખેંચવા કરી અપીલ

લંડન, તા.૧૫: યુનાઇટેડ કિંગડમ (UK) માં સ્થાયી થવા (Settlement) ની આશા રાખીને આવેલા હજારો ભારતીય સંભાળ કામદારો અને નોન-ગ્રેજ્યુએટ કર્મચારીઓ માટે ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. યુકે સરકાર દ્વારા લાવવામાં આવેલા નવા ઇમિગ્રેશન સુધારાઓ હેઠળ ઓછા પગારવાળા સ્થળાંતર કરનારાઓને અનિશ્ચિત સમય માટે રહેવાની પરવાનગી (ILR) મેળવવા માટે હવે ૫ વર્ષને બદલે ૧૫ વર્ષ સુધી લાંબી રાહ જોવી પડી શકે છે. સરકારના આ પ્રસ્તાવ સામે યુકેના ટ્રેડ યુનિયનોએ ભારે રોષ વ્યક્ત કર્યો છે અને બ્રાઇટન ખાતે યોજાયેલી વાર્ષિક બેઠકમાં ટ્રેડ યુનિયન કોંગ્રેસ (TUC) એ આ નીતિને તુરંત રદ અથવા સુધારવા માટે પ્રસ્તાવ પસાર કર્યો છે.

 

યુનિયનોએ ચેતવણી આપી છે કે આ કડક નિયમો સ્થળાંતરિત કામદારોને "બીજા વર્ગના નાગરિકો" બનાવી દેશે અને દેશમાં ભય તથા અસુરક્ષાનું વાતાવરણ ઊભું કરશે. TUC ના જનરલ સેક્રેટરી પોલ નોવાકે આ નીતિને અત્યંત અન્યાયી ગણાવતા કહ્યું હતું કે જે લોકો ચોક્કસ નિયમો અને અપેક્ષાઓ સાથે દેશમાં આવ્યા હતા, તેમના માટે અધવચ્ચે નિયમો બદલી નાખવા તે સંપૂર્ણપણે ગેરવાજબી છે. ગ્રેજ્યુએટ ન હોય તેવી નોકરીઓમાં જોડાયેલા કર્મચારીઓ અને હેલ્થ-સોશિયલ કેર ક્ષેત્રના સ્ટાફને આની સીધી અને વિપરીત અસર પડશે, જેનાથી કેર હોમ્સ અને હેલ્થ સેક્ટરમાં માનવબળની ગંભીર અછત સર્જાઈ શકે છે.

 

ગૃહ સચિવ શબાના મહમૂદે આ દરખાસ્તોને છેલ્લા ૫૦ વર્ષનો સૌથી મોટો સેટલમેન્ટ ફેરફાર ગણાવ્યો છે, જેનો મુખ્ય હેતુ ઇમિગ્રેશન ઘટાડવાનો છે. વર્તમાન નિયમો મુજબ મોટાભાગના શ્રમિકો ૫ વર્ષમાં સેટલમેન્ટ માટે અરજી કરી શકે છે, જ્યારે નવી યોજનામાં સામાન્ય સમયગાળો ૧૦ વર્ષ અને ઓછા પગારવાળા કામદારો માટે ૧૫ વર્ષ કરવાનો પ્રસ્તાવ છે. જોકે, લેબર પાર્ટીના જ કેટલાક સાંસદો અને યુનિયનોએ આ નીતિને ભૂતકાળથી અમલી (Retrospective) કરવા સામે સખત વાંધો ઉઠાવ્યો છે. હાલમાં સત્તાવાળાઓ કામદારોના અધિકારોના રક્ષણ માટે નવા 'પૂર્વ-સ્થાયી' (Pre-Settled) દરજ્જા અંગે વિચારણા કરી રહ્યા છે, જેથી કરીને તેઓ દેશનિકાલના ભય વિના યોગ્ય નોકરીદાતા પસંદ કરી શકે.

 

(5:39 PM IST)