News of Saturday, 24th October 2026
વિશ્વના સૌથી સમૃદ્ધ દેશ નોર્વેમાં સોનાની છેતરપિંડીની અનોખી નવી મોડસ ઓપરેન્ડી: સોનું ખરીદાવી જંગલમાં કે જાહેર જગ્યાએ મુકાવીને કૌભાંડીઓ કરોડો રૂપિયા લઈને ગાયબ!
રોકાણકારો અને વરિષ્ઠ નાગરિકોને ટાર્ગેટ બનાવીને આચરવામાં આવી રહ્યું છે હાઈટેક 'ગોલ્ડ સ્કેમ': અમેરિકા અને ચીન બાદ હવે યુરોપમાં પણ છેતરપિંડીનો ગ્રાફ ઊંચકાયો

ઓસ્લો : વૈશ્વિક સ્તરે સોનાના ભાવમાં સતત થઈ રહેલા આસમાની વધારાની સાથે જ સાયબર ક્રાઈમ અને આંતરરાષ્ટ્રીય ઠગ ટુકડીઓ દ્વારા સોનાના નામે છેતરપિંડી કરવાની નવી-નવી તરકીબો અપનાવવામાં આવી રહી છે. વિશ્વના સૌથી ધનિક અને સુસજ્જ દેશોમાં ગણાતા નોર્વેમાં હાલ સોનાના નામે છેતરપિંડીની એક અત્યંત અનોખી અને ચોંકાવનારી મોડસ ઓપરેન્ડી પ્રકાશમાં આવી છે. બ્લૂમબર્ગના અહેવાલ મુજબ, કૌભાંડીઓ પહેલા લોકોને સોનું ખરીદવા માટે સમજાવે છે અને ત્યારબાદ સુરક્ષા તથા નફાની લાલચ આપીને તે સોનું જંગલમાં કે અવાવરૂ જાહેર સ્થળે મુકાવી દે છે અને બાદમાં સોનું લઈને ગાયબ થઈ જાય છે.
નોર્વેની પ્રમુખ બેંકિંગ સંસ્થા 'ફાઇનાન્સ નોર્જ' ના છેતરપિંડી નિવારણ વિભાગના ડિરેક્ટર ગ્રે નેર્ગોર્ડે આ અંગે માહિતી આપતાં જણાવ્યું હતું કે આ અનોખા કૌભાંડનો પ્રથમ કેસ વસંતઋતુમાં સામે આવ્યો હતો, પરંતુ હવે પાટનગર ઓસ્લો, આસપાસના શહેરો અને પશ્ચિમ કિનારે આવેલા બર્ગનમાં પણ આવા અનેક કિસ્સા નોંધાયા છે. ઠગબાજો સામાન્ય રીતે કંપનીના અધિકૃત પ્રતિનિધિ બનીને ફોન કરે છે અને કિંમતી ધાતુમાં રોકાણ કરવા માટે ગ્રાહકોને જાળમાં ફસાવે છે. સોનું ખરીદાયા પછી કુરિયર ન આવી શકવાનું બહાનું બતાવીને લોકોને સોનું સુરક્ષિત રાખવાના નામે નિર્જન જગ્યાએ કે જંગલમાં મૂકવાની ખાતરી આપવામાં આવે છે, જ્યાંથી આ કૌભાંડીઓ સોનું ચોરીને ભાગી છૂટે છે.
આંતરરાષ્ટ્રીય માર્કેટમાં સોનાની વધતી કિંમતો વચ્ચે છેતરપિંડી કરનારાઓ ખાસ કરીને ૬૦ વર્ષથી વધુ વય ધરાવતા વરિષ્ઠ નાગરિકોને (સીનિયર સિટીઝન્સ) નિશાન બનાવી રહ્યા છે. નોર્વેજીયન પ્રીશિયસ મેટલ્સ કંપનીના જનરલ મેનેજર રોનાલ્ડ સુકેલે આ પરિસ્થિતિને અત્યંત દુઃખદ ગણાવતા કહ્યું હતું કે તેમની કંપની પાસે આવા અંદાજે ૨૦ જેટલા કિસ્સાઓ સામે આવ્યા છે, જેમાં રોકાણકારો પોતાની જીવનભરની કમાણીમાંથી ખરીદેલું સોનું અન્ય કોઈ અજાણ્યા વ્યક્તિ કે ઠગના હાથે ગુમાવી ચૂક્યા હોય અને પાછળથી તેમની પાસે કશું જ બચતું નથી.
સોનાના નામે થતી આ ઠગાઈનો વ્યાપ માત્ર નોર્વે પૂરતો સીમિત નથી, પરંતુ અમેરિકા અને ચીન જેવા મહાસત્તા ધરાવતા દેશોમાં પણ આ પ્રકારના કૌભાંડો વકર્યા છે. ન્યૂ યોર્કના એટોર્ની જનરલ લેટિટિયા જેમ્સે હાલમાં જ ખુલાસો કર્યો હતો કે ન્યૂ યોર્કમાં ગોલ્ડ બાર સ્કેમ અંતર્ગત વરિષ્ઠ નાગરિકોની આજીવન બચતને સોનામાં ટ્રાન્સફર કરાવીને બે વર્ષમાં $૧૦૦ મિલિયન (આશરે રૂ. ૮૦૦ કરોડથી વધુ) થી વધુની ઠગાઈ આચરવામાં આવી છે. નોર્વેજીયન બેંકોએ પણ વિતેલા વર્ષમાં ૯૬૨ મિલિયન નોર્વેજીયન ક્રોનર ગુમાવ્યા છે. આ સ્થિતિને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા હવે બેંકોના સહયોગથી નાગરિકોને જાગૃત કરવા ખાસ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે.
(11:34 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
