News of Thursday, 25th June 2026
યુપી ભાજપનું મિશન 2027: પ્રદેશ પ્રમુખ પંકજ ચૌધરીની નવી ટીમ જાહેર, રાજનાથ સિંહના નાના પુત્ર નીરજ સિંહને મળી મોટી જવાબદારી
મોટા ભાઈ પંકજ સિંહના સ્થાને હવે નીરજ સિંહ સંભાળશે ઉપપ્રમુખ પદ; સપાના બળવાખોર ધારાસભ્ય પૂજા પાલ સહિત 19 નેતાઓને સંગઠનમાં સ્થાન આપીને જ્ઞાતિ સમીકરણો સાધવાનો પ્રયાસ

લખનૌ, તા. 25: ઉત્તર પ્રદેશમાં 2027ની વિધાનસભા ચૂંટણીમાં જીતની હેટ્રિક લગાવવાના ઈરાદા સાથે ભારતીય જનતા પાર્ટી (BJP) એ પોતાના સંગઠનમાં ધરખમ ફેરફારો કર્યા છે. યુપી ભાજપના પ્રદેશ પ્રમુખ પંકજ ચૌધરીએ ગુરુવારે પોતાની નવી અને શક્તિશાળી ટીમની સત્તાવાર જાહેરાત કરી દીધી છે. આ નવી ટીમમાં સૌથી વધુ ચર્ચા દેશના સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહના નાના પુત્ર નીરજ સિંહની થઈ રહી છે, જેમને સંગઠનમાં પ્રદેશ ઉપપ્રમુખ જેવી મહત્વની જવાબદારી સોંપવામાં આવી છે.
ભાઈના સ્થાને ભાઈની એન્ટ્રી: રસપ્રદ રાજકીય વળાંક
રાજકીય વર્તુળોમાં આ નિમણૂકને ખૂબ જ મહત્વની માનવામાં આવી રહી છે. અગાઉ યુપી ભાજપની ટીમમાં પ્રદેશ ઉપપ્રમુખનું પદ રાજનાથ સિંહના મોટા પુત્ર અને નોઈડાના ધારાસભ્ય પંકજ સિંહ પાસે હતું. હવે પક્ષે પંકજ સિંહના સ્થાને તેમના નાના ભાઈ નીરજ સિંહને આ પદ માટે પસંદ કર્યા છે. આ ફેરફાર દ્વારા ભાજપે રાજનાથ સિંહના પરિવારનો પ્રભાવ જાળવી રાખવાની સાથે સંગઠનમાં નવો ઉત્સાહ ફૂંકવાનો પ્રયાસ કર્યો છે.
જ્ઞાતિ અને પ્રાદેશિક સમીકરણો પર વિશેષ ધ્યાન
પંકજ ચૌધરીની આ નવી ટીમમાં ઉત્તર પ્રદેશના તમામ પ્રદેશો અને જ્ઞાતિઓને સાંકળવાનો પૂરો પ્રયાસ કરવામાં આવ્યો છે. નીરજ સિંહ ઉપરાંત, સમાજવાદી પાર્ટીના બળવાખોર ધારાસભ્ય પૂજા પાલને પણ ઉપપ્રમુખ બનાવવામાં આવ્યા છે. આ સિવાય બારાબંકીના પૂર્વ સાંસદ પ્રિયંકા રાવતને પ્રમોશન આપીને મહાસચિવમાંથી ઉપપ્રમુખ પદ સોંપાયું છે. પ્રદેશ ઉપપ્રમુખોની યાદીમાં સુરેશ રાણા, સત્યપાલ સૈની, બ્રજ બહાદુર અને મોહિત બેનીવાલ સહિત કુલ 19 દિગ્ગજ નામોનો સમાવેશ થાય છે.
ઝોનલ પ્રમુખો અને મહાસચિવોની પણ જાહેરાત
નવી યાદી અનુસાર, સંગઠનને મજબૂત કરવા માટે 8 પ્રદેશ મહાસચિવો અને 19 મંત્રીઓની પણ નિમણૂક કરવામાં આવી છે. મહાસચિવ તરીકે રામપ્રતાપ સિંહ ચૌહાણ, ગીતા શાક્ય, અભિજાત મિશ્રા અને ઉપેન્દ્ર રાવત જેવા નેતાઓ મોરચો સંભાળશે. આ સાથે જ પશ્ચિમ, બ્રજ, કાનપુર, અવધ, કાશી અને ગોરખપુર જેવા મહત્વના ઝોન માટે પણ નવા પ્રાદેશિક પ્રમુખોના નામ જાહેર કરી દેવામાં આવ્યા છે, જેમાં નવાબ સિંહ નાગર (પશ્ચિમ) અને વિનોદ રાય (ગોરખપુર) નો સમાવેશ થાય છે.
ચૂંટણીના બ્યુગલ વાગવાના ઘણા સમય પહેલા જ ભાજપે પોતાની આ નવી ફોજ મેદાનમાં ઉતારી દીધી છે. હવે જોવાનું એ રહેશે કે વિરોધીઓને પરાસ્ત કરવા અને ૨૦૨૭ માં ફરી સત્તા મેળવવા માટે પંકજ ચૌધરી અને નીરજ સિંહની આ નવી જોડી કેટલી કારગત સાબિત થાય છે.
(4:56 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
