News of Monday, 13th July 2026
યુપીના રાજ્યપાલ આનંદીબેન પટેલના “મહિલા પહેલાં માતા છે” નિવેદનને હવે સાંસદ અને અભિનેત્રી કંગના રનૌતે આપ્યું સમર્થન
કંગનાએ લખ્યું કે મહિલાઓને મમતા કે પાલન-પોષણ શીખવવાની જરૂર પડતી નથી. તેમના મતે આ ગુણ જન્મજાત હોય છે અને મહિલાના વ્યક્તિત્વનો અભિન્ન ભાગ છે. તેમણે જણાવ્યું કે પ્રકૃતિએ મહિલાઓને માનવજાતના ઉછેર અને સંવર્ધનની વિશેષ જવાબદારી સોંપી છે

ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલના “મહિલા પહેલાં માતા છે” એવા નિવેદનને હવે ભાજપના સાંસદ અને અભિનેત્રી કંગના રનૌતે ખુલ્લો ટેકો આપ્યો છે. આનંદીબેનના નિવેદન બાદ મહિલાઓની ભૂમિકા, કારકિર્દી અને પરિવાર વચ્ચેના સંતુલન અંગે સોશિયલ મીડિયા પર ચાલી રહેલી ચર્ચામાં કંગનાની પ્રતિક્રિયાએ વધુ ઉર્જા ભરી છે.
કંગના રનૌતે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોતાના બાળપણની યાદો શેર કરતાં જણાવ્યું કે તેમને નાનપણથી જ સંભાળ રાખવી, રમકડાંની ઢીંગલી માટે ઘર બનાવવું, તેના કપડાં તૈયાર કરવાં અને રસોઈ રમવી જેવી પ્રવૃત્તિઓ ગમતી હતી. જ્યારે તેમનો ભાઈ રમતમાં વ્યસ્ત રહેતો હતો, ત્યારે તેઓ પાલન-પોષણ સાથે જોડાયેલી રમતોમાં આનંદ અનુભવતા હતા. તેમના મતે આ માત્ર બાળપણની પસંદગી નહોતી, પરંતુ મહિલાઓના સ્વાભાવિક સ્વભાવનું પ્રતિબિંબ હતું.
કંગનાએ વધુમાં લખ્યું કે મહિલાઓને મમતા કે પાલન-પોષણ શીખવવાની જરૂર પડતી નથી. તેમના મતે આ ગુણ જન્મજાત હોય છે અને મહિલાના વ્યક્તિત્વનો અભિન્ન ભાગ છે. તેમણે જણાવ્યું કે પ્રકૃતિએ મહિલાઓને માનવજાતના ઉછેર અને સંવર્ધનની વિશેષ જવાબદારી સોંપી છે.
ભારતીય સંસ્કૃતિનો ઉલ્લેખ કરતાં કંગનાએ કહ્યું કે આપણા દેશમાં મહિલાઓને સદીઓથી દેવી, શક્તિ, અન્નપૂર્ણા અને માતા જેવા સન્માનજનક સ્વરૂપોમાં જોવામાં આવી છે. તેમના મતે આ ઉપમાઓ માત્ર ધાર્મિક આસ્થાનું પ્રતીક નથી, પરંતુ મહિલાઓની કરુણા, સ્નેહ, સંભાળ અને સર્જનશક્તિનું પ્રતિનિધિત્વ કરે છે. પરિવારની સંભાળ રાખવી અને પોતાના પ્રિયજનોને પ્રેમ આપવો મહિલાઓ માટે ગૌરવ અને આનંદની વાત હોવાનું પણ તેમણે જણાવ્યું.
આ સમગ્ર ચર્ચાની શરૂઆત ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલના એક યુનિવર્સિટીના દીક્ષાંત સમારોહ દરમિયાન આપેલા નિવેદનથી થઈ હતી. તેમણે કહ્યું હતું કે મહિલાઓએ સફળ વ્યાવસાયિક બનવાની સાથે એક જવાબદાર અને સારી માતા બનવાની ભૂમિકાને પણ એટલું જ મહત્વ આપવું જોઈએ.
જોકે, આ નિવેદનને લઈને સમાજમાં મિશ્ર પ્રતિસાદ જોવા મળ્યો છે. એક તરફ ઘણા લોકોએ તેને ભારતીય પરિવાર વ્યવસ્થાના મૂલ્યો સાથે જોડીને સમર્થન આપ્યું છે, તો બીજી તરફ કેટલાક લોકોએ દલીલ કરી છે કે મહિલાની ઓળખને માત્ર માતૃત્વ સુધી મર્યાદિત કરવી યોગ્ય નથી. તેમના મતે મહિલાને પોતાની કારકિર્દી, પરિવાર અને વ્યક્તિગત જીવન અંગેનો નિર્ણય લેવાની સંપૂર્ણ સ્વતંત્રતા હોવી જોઈએ.
કંગના રનૌતના સમર્થન બાદ મહિલાઓની ભૂમિકા, માતૃત્વ, કારકિર્દી અને વ્યક્તિગત પસંદગી જેવા મુદ્દાઓ પર ફરી એકવાર જાહેર ચર્ચા તેજ બની છે.
(12:41 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
