News of Tuesday, 12th May 2026
UP પોલીસનું 'ઓપરેશન ડેથ': ૨૪ કલાકમાં ૩ નિર્દોષોના લોહી વહેવડાવનાર સીરીયલ કિલરનો એન્કાઉન્ટરમાં ખાતમો
પંજાબનો પૂર્વ સૈનિક અને દારૂના નશામાં પાગલ બનેલા ગુરપ્રીત સિંહે ટ્રેનથી હોસ્પિટલ સુધી મચાવ્યું હતું મોતનું તાંડવ : પોલીસની પિસ્તોલ છીનવી ભાગવાનો પ્રયાસ કરતા છાતીમાં ધરબી દીધી ગોળી

ચંદૌલી: ઉત્તર પ્રદેશના ચંદૌલી જિલ્લામાં ૨૪ કલાક સુધી ભયનું સામ્રાજ્ય ફેલાવનાર એક માનસિક અસ્થિર સીરીયલ કિલરનો અંત આવ્યો છે. પંજાબના અમૃતસરનો વતની અને ભૂતપૂર્વ આર્મી જવાન ગુરપ્રીત સિંહ, જે દારૂના વ્યસન અને નોકરી છૂટી જવાને કારણે માનસિક સંતુલન ગુમાવી બેઠો હતો, તેણે કોઈ પણ દુશ્મનાવટ વગર ત્રણ લોકોની આડેધડ હત્યા કરી હતી. આ હત્યારાએ ૧૦ મેના રોજ પેસેન્જર ટ્રેનમાં પ્રથમ શિકાર કર્યો, ત્યારબાદ ૧૧ મેના રોજ જમ્મુ તાવી એક્સપ્રેસમાં અન્ય એક મુસાફરને મોતને ઘાટ ઉતાર્યો અને હદ તો ત્યારે થઈ જ્યારે તેણે હોસ્પિટલમાં સારવાર લઈ રહેલી એક મહિલાના માથામાં ગોળી મારી દીધી. આ સિલસિલાબદ્ધ હત્યાકાંડથી આખા યુપીમાં સનસનાટી મચી ગઈ હતી.
હોસ્પિટલમાં ત્રીજી હત્યા કર્યા બાદ સ્થાનિક લોકોએ સાહસ બતાવી આરોપીને પકડી પોલીસને સોંપ્યો હતો. જોકે, ક્રાઈમ સીન રિક્રિએશન (ઘટનાસ્થળની તપાસ) દરમિયાન આ પાગલ હત્યારાએ પોલીસની પિસ્તોલ છીનવીને ભાગવાનો પ્રયાસ કર્યો હતો. આરોપીએ પોલીસ ટીમ પર ગોળીબાર શરૂ કરતા જવાબી કાર્યવાહીમાં પોલીસે એન્કાઉન્ટર કર્યું હતું. આ લોહિયાળ જંગમાં બે પોલીસકર્મીઓ પણ ઘાયલ થયા હતા. ગંભીર રીતે ઘવાયેલા ગુરપ્રીતને મેડિકલ કોલેજ લઈ જવામાં આવ્યો, જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો. તેની પાસેથી ગેરકાયદે રિવોલ્વર અને બંદૂક પણ મળી આવી છે.
તપાસમાં બહાર આવ્યું છે કે વર્ષ ૨૦૨૧ માં આર્મી છોડ્યા બાદ ગુરપ્રીતની માનસિક સ્થિતિ બગડી હતી અને તે બિહારના આરામાં સિક્યુરિટી ગાર્ડની નોકરી કરતો હતો. પરંતુ ત્યાંથી પણ કાઢી મૂકવામાં આવતા તે સંપૂર્ણપણે હિંસક બની ગયો હતો. પોલીસ અધિક્ષકે એન્કાઉન્ટરની પુષ્ટિ કરતા જણાવ્યું કે આરોપીના લોકેશન હિસ્ટ્રી અને સીસીટીવી ફૂટેજ પરથી સાબિત થયું હતું કે તે જ આ ત્રણેય હત્યાઓનો માસ્ટરમાઇન્ડ હતો. આ એન્કાઉન્ટર બાદ ચંદૌલીના લોકોએ હાશકારો અનુભવ્યો છે, પરંતુ એક પૂર્વ સૈનિકનું આ રીતે ગુનાખોરીના રસ્તે ચઢવું એ સમાજ માટે ચિંતાનો વિષય બન્યો છે.
(7:06 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
