તા. ૨૮ સપ્ટેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૦ ભાદરવા વદ - ૧૧, શનિવાર
News of Tuesday, 22nd September 2026
યુપી રાજકારણમાં ગરમાવો! ૨૦૨૭ની ચૂંટણી પહેલા સપા-સુભાસ્પા વચ્ચે જંગ: શિવપાલ યાદવે મંત્રી ઓપી રાજભર પર કર્યા આકરા પ્રહાર, કહ્યું- "તેમનું મગજ ચસકી ગયું છે, સારા ડોક્ટરની જરૂર!"
સમાજવાદી વિચારક મોહન સિંહની પુણ્યતિથિએ દેવરિયા પહોંચેલા શિવપાલે ભાજપ અને રાજભરને ઘેર્યા: રામમંદિર દાન ચોરી મુદ્દે સરકાર સામે સાધ્યું નિશાન, ૨૦૨૭માં સપાની સરકાર બનવાનો કર્યો દાવો

દેવરિયા : ઉત્તર પ્રદેશમાં ૨૦૨૭ની વિધાનસભા ચૂંટણીના પડઘમ વાગવાના શરૂ થઈ ગયા છે અને નેતાઓ વચ્ચે શબ્દયુદ્ધ ચરમસીમાએ પહોંચી ગયું છે. સુહેલદેવ ભારતીય સમાજ પાર્ટી (સુભાસ્પા)ના પ્રમુખ અને યુપી સરકારના કેબિનેટ મંત્રી ઓમપ્રકાશ રાજભર દ્વારા સમાજવાદી પાર્ટી પર કરવામાં આવી રહેલા સતત પ્રહારો સામે હવે સપાના રાષ્ટ્રીય મહાસચિવ શિવપાલ સિંહ યાદવે જોરદાર પલટવાર કર્યો છે. મંગળવારે દેવરિયા પહોંચેલા શિવપાલ યાદવે રાજભર પર કટાક્ષ કરતા કહ્યું કે, "તેમનું મગજ મૂંઝવણમાં છે અને ચસકી ગયું છે, તેમને કોઈ સારા ડોક્ટર અને સારવારની સખત જરૂર છે."
ઓપી રાજભરે તાજેતરમાં ઉત્તર પ્રદેશને ચાર ભાગમાં વહેંચવાની અને પૂર્વાંચલ અલગ રાજ્ય બને તો રાજભર સમાજનો પુત્ર તેનો પહેલો મુખ્યામંત્રી બનશે તેવો દાવો કર્યો હતો. આ નિવેદન અંગે પૂછવામાં આવતાં શિવપાલે હસીને કહ્યું કે તેમની વાતને કોઈ ગંભીરતાથી લેતું નથી. તેમણે ઉમેર્યું કે, "જો તેમને કોઈ સારો ડોક્ટર ન મળતો હોય તો અમને જણાવે, અમે એક સારા મનોચિકિત્સકનું નામ જણાવી દઈશું!"
રામમંદિર દાન ચોરી અને કાર્યકરોને શિસ્તના પાઠ
શિવપાલ યાદવે ભૂતપૂર્વ સાંસદ અને સમાજવાદી વિચારક મોહન સિંહની પુણ્યતિથિ નિમિત્તે બરહજ ખાતે આયોજિત શોક સભામાં હાજરી આપી હતી. ત્યાં તેમણે ભાજપ સરકાર પર આકરા પ્રહારો કરતા કહ્યું કે ભાજપ રામના નામે સત્તામાં આવી પરંતુ તેણે રામમંદિરના દાનમાં પણ ચોરી કરી રામને પણ ન છોડ્યા. ૨૦૨૭માં રાજ્યની જનતા ભાજપને ઉખાડી ફેંકશે અને સમાજવાદી પાર્ટીની પૂર્ણ બહુમતી સાથે સરકાર બનશે.
કાર્યક્રમ દરમિયાન શિવપાલનું સ્વાગત કરવા સ્ટેજ પર કાર્યકરો વચ્ચે અંદરોઅંદર ધક્કામુક્કી થતાં તેમણે માઈક સંભાળીને કાર્યકરોને શિસ્ત જાળવવા કડક સલાહ આપી હતી. તેમણે કહ્યું કે જો સપા કાર્યકરો શિસ્તબદ્ધ રહેશે તો ભાજપને સત્તા પરથી દૂર કરવામાં ઝાઝો સમય નહીં લાગે.
(7:55 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
