News of Wednesday, 16th September 2026
UPI MDR ચાર્જ પર રાજકારણ ગરમાયું: સરકારે વિદેશી દબાણના આક્ષેપો ફગાવ્યા, કહ્યું- "ભારતની ડિજિટલ પેમેન્ટ નીતિ સંપૂર્ણપણે સ્વતંત્ર અને આત્મનિર્ભર છે!"
૧૫ ઓક્ટોબરથી ₹૨,૦૦૦થી વધુના મર્ચન્ટ વ્યવહારો પર લાગશે ૦.૪% MDR ચાર્જ: ગ્રાહકો માટે P2P ટ્રાન્સફર અને સ્કેન-એન્ડ-પે સેવાઓ તદ્દન મફત જ રહેશે

નવી દિલ્હી, તા.૧૬: દેશમાં બહુચર્ચિત યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ (UPI) ના પસંદગીના મર્ચન્ટ વ્યવહારો પર મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ (MDR) લાગુ કરવાના કેન્દ્ર સરકારના નિર્ણય બાદ રાજકીય ગરમાવો આવી ગયો છે. વિપક્ષો દ્વારા લગાવવામાં આવેલા આક્ષેપો કે આ નિર્ણય અમેરિકી કંપનીઓ અને વિદેશી હિતોના દબાણ હેઠળ લેવાયો છે, તેને કેન્દ્રીય નાણાં મંત્રાલયે સખત શબ્દોમાં ફગાવી દીધા છે. સરકારે સ્પષ્ટ કર્યું છે કે ભારતની ડિજિટલ પેમેન્ટ નીતિઓ કોઈના દબાણ વગર સ્વતંત્ર રીતે અને દેશના હિતમાં જ નક્કી કરવામાં આવે છે.
નાણાં મંત્રાલયે ભારપૂર્વક જણાવ્યું કે MDR દાખલ કરવાનો મુખ્ય ઉદ્દેશ્ય UPI માટે એક આત્મનિર્ભર, ટકાઉ અને સર્વસમાવેશક ડિજિટલ પેમેન્ટ ઇકોસિસ્ટમ બનાવવાનો છે. મંત્રાલયે કહ્યું, "આ ફેરફાર વિદેશી પ્રભાવને કારણે છે તેવા તમામ દાવા પાયાવિહોણા અને ખોટા છે. ભારતની UPI નીતિના નિર્ણયો સ્વતંત્ર રીતે લેવાય છે અને તે હંમેશાં ગ્રાહકો માટે પરવડે તેવા જ રહેશે."
૧૫ ઓક્ટોબરથી લાગુ થશે નવો નિયમ: જાણી લો આ ગણતરી
સરકારે સ્પષ્ટતા કરી છે કે ૧૫ ઓક્ટોબરથી ₹૨,૦૦૦થી વધુના UPI મર્ચન્ટ (વેપારી) વ્યવહારો પર ૦.૪% MDR લાગુ થશે. મહત્વની વાત એ છે કે આ ચાર્જ માત્ર વેપારીઓએ ચૂકવવાનો રહેશે, ગ્રાહકો પર તેનો કોઈ બોજ નહીં પડે.
• ઉદાહરણ: જો કોઈ ગ્રાહક વેપારીને UPI દ્વારા ₹૧૦,૦૦૦ની ચૂકવણી કરે છે, તો વેપારીએ MDR તરીકે ₹૪૦ ચૂકવવા પડશે.
• આ ફીની મહત્તમ મર્યાદા (કેપ) પ્રતિ વ્યવહાર ₹૩૦૦ નક્કી કરવામાં આવી છે.
• સામાન્ય ગ્રાહકો માટે રાહત: સામાન્ય ગ્રાહકો માટે વ્યક્તિ-થી-વ્યક્તિ (P2P) ટ્રાન્સફર, મિત્રોને પૈસા મોકલવા કે દુકાને QR કોડ સ્કેન કરીને નાની-મોટી ચૂકવણી કરવી તદ્દન ચાર્જ-મુક્ત જ રહેશે.
વિપક્ષના સવાલો અને સરકારની કડક સૂચના
ઉલ્લેખનીય છે કે કોંગ્રેસ નેતા અને રાજ્યસભા સાંસદ જયરામ રમેશે આક્ષેપ કર્યો હતો કે ૦.૪% MDR દર રાખીને સરકાર વિઝા (Visa) અને માસ્ટરકાર્ડ (Mastercard) જેવી અમેરિકી કાર્ડ કંપનીઓને UPI સામે સ્પર્ધા કરવાની તક આપી રહી છે. વિપક્ષે એવી પણ ચિંતા વ્યક્ત કરી હતી કે વેપારીઓ આ ખર્ચ ગ્રાહકો પાસેથી વસૂલશે.
આ આક્ષેપો સામે સરકારે બેંકો અને વેપારીઓને કડક સલાહ આપી છે કે MDRનો કોઈ પણ ખર્ચ ગ્રાહકો પર ટ્રાન્સફર ન થવો જોઈએ. રોજના વપરાશકર્તાઓને કોઈ અસર કર્યા વગર UPI ની લાંબા ગાળાની ટકાઉક્ષમતા જાળવવા માટે જ આ માળખું ઘડવામાં આવ્યું છે.
(4:33 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
