<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 1st May 2026

દિલ્‍હી હાઈકોર્ટની વર્ચ્‍યુઅલ સુનાવણીમાં અશ્‍લીલ વીડિયો શરૂ થઈ જતાં ખળભળાટ

ચીફ જસ્‍ટિસની બેન્‍ચ સામે બે વાર પોર્ન વીડિયો પ્રસારિત થતા કોર્ટની કાર્યવાહી રોકવી પડી

 

નવી દિલ્‍હી તા.૧: દિલ્‍હી હાઈકોર્ટમાં વર્ચ્‍યુઅલ સુનાવણી દરમિયાન એક શરમજનક ઘટના સામે આવી છે. ચીફ જસ્‍ટિસ દેવેન્‍દ્ર કુમાર ઉપાધ્‍યાય અને જાસ્‍ટિસ તેજસ ખરિયાની બેન્‍ચ મહત્‍વના કેસોની સુનાવણી કરી રહી હતી, ત્‍યારે અચાનક સ્‍ક્રીન પર અશ્‍લીલ (પોર્ન) વીડિયો ચાલવા લાગ્‍યો હતો. આ ઘટના બપોરે ૧૨:૫૬ વાગ્‍યે બની હતી, જેના કારણે કોર્ટની કાર્યવાહી તાત્‍કાલિક રોકવી પડી હતી.

થોડી મિનિટો બાદ જ્‍યારે સુનાવણી ફરી શરૂ કરવામાં આવી, ત્‍યારે ફરીથી અશ્‍લીલ વીડિયો ચાલવા લાગ્‍યો અને ત્રીજી વખત એક મ્‍યુઝિક વીડિયો પ્‍લે થયો. આ દરમિયાન સ્‍ક્રીન પર ‘તમારું સિસ્‍ટમ હેક થઈ ગયું છે' તેવો મેસેજ પણ દેખાયો હતો. આ ઓનલાઈન સુનાવણીમાં ૧૦૦થી વધુ જાહેરહિત અરજીઓ પર ચર્ચા થઈ રહી હતી અને સેંકડો લોકો જોડાયેલા હતા. પ્રાથમિક તપાસમાં ક્ષિતિજીત સિહ નામના વ્‍યક્‍તિના એકાઉન્‍ટ પર શંકા સેવાઈ રહી છે, જોકે તેણે દાવો કર્યો છે કે તેનું એકાઉન્‍ટ અમેરિકાથી હેક કરવામાં આવ્‍યું હતું.

ચીફ જસ્‍ટિસ દેવેન્‍દ્ર કુમાર ઉપાધ્‍યાયે આ ઘટનાને ગંભીરતાથી લેતા રજિસ્‍ટ્રાર જનરલને કડક નિર્દેશ આપ્‍યા છે. તેમણે સ્‍પષ્ટ કર્યું કે કોર્ટની કાર્યવાહીનું રેકોર્ડિગ કરવું નિયમ વિરુદ્ધ છે અને જવાબદારો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.એડિશનલ સોલિસિટર જનરલ ચેતન શર્માએ પણ ચિંતા વ્‍યક્‍ત કરતા કહ્યું કે, આવી ઘટનાઓ અગાઉ પણ બની છે, જે કોર્ટની ગરિમાને ઠેસ પહોંચાડે છે. હાલમાં દિલ્‍હી પોલીસની આઈએફએસઓ યુનિટ (સાયબર સેલ) સમગ્ર મામલે ઊંડી તપાસ કરી રહી છે.

(10:10 AM IST)