News of Friday, 1st May 2026
પંજાબ વિધાનસભામાં હંગામો: મુખ્યમંત્રી ભગવંત માન 'નશામાં' હોવાનો વિપક્ષનો ગંભીર આરોપ, આલ્કો-મીટર ટેસ્ટ કરવાની ઉઠી માંગ!
સ્વાતિ માલીવાલે ભગવંત માન પર કર્યા આકરા પ્રહાર; કહ્યું- "સીમાવર્તી રાજ્યના સીએમ કાયમ નશામાં હોય તે શરમજનક", વિપક્ષે ડોપ ટેસ્ટની પણ કરી માગણી.

ચંદીગઢ: તા.૦૧: પંજાબના રાજકારણમાં આજે ફરી એકવાર મુખ્યમંત્રી ભગવંત માનના કથિત નશાના મુદ્દે મોટો વિવાદ સર્જાયો છે. પંજાબ વિધાનસભાના ચાલુ સત્ર દરમિયાન વિપક્ષે આરોપ લગાવ્યો છે કે મુખ્યમંત્રી ભગવંત માન 'નશાની હાલત'માં ગૃહમાં આવ્યા હતા. વિપક્ષના નેતા પ્રતાપ સિંહ બાજવાએ આ મામલે કડક વલણ અપનાવતા માંગ કરી છે કે મુખ્યમંત્રી અને તમામ ધારાસભ્યોનો તાત્કાલિક આલ્કો-મીટર અને ડોપ ટેસ્ટ કરવામાં આવે.
આ વિવાદમાં ભાજપના સાંસદ સ્વાતિ માલીવાલે પણ ઝંપલાવ્યું છે. આમ આદમી પાર્ટી છોડીને ભાજપમાં જોડાયેલા માલીવાલે સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કરતા ભગવંત માન પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે, "પંજાબ જેવા સંવેદનશીલ સરહદી રાજ્યના મુખ્યમંત્રી કથિત રીતે સતત નશામાં રહે છે અને તે જ હાલતમાં ફાઈલો પર સહીઓ કરે છે. લોકશાહીના મંદિર સમાન વિધાનસભામાં પણ તેઓ નશામાં આવ્યા હોવાનો આક્ષેપ છે. જો તેઓ દોષિત જણાય તો તેમને તાત્કાલિક પદ પરથી હટાવવા જોઈએ."
સ્વાતિ માલીવાલે વધુમાં ઉમેર્યું કે ભગવંત માને ચૂંટણી પહેલા પોતાની માતાના માથા પર હાથ મૂકીને ક્યારેય દારૂ ન પીવાની કસમ ખાધી હતી, પરંતુ તેઓ અવારનવાર ગુરુદ્વારા, મંદિરો અને સરકારી બેઠકોમાં નશામાં જતા હોવાના આરોપો લાગતા રહ્યા છે. અગાઉ ૨૦૨૨માં ફ્રેન્કફર્ટ એરપોર્ટ પર વિમાનમાંથી ઉતારી દેવામાં આવ્યા હોવાની ઘટનાનો પણ તેમણે ઉલ્લેખ કર્યો હતો.
નોંધનીય છે કે સ્વાતિ માલીવાલ, રાઘવ ચઢ્ઢા અને અન્ય પાંચ રાજ્યસભા સભ્યોએ તાજેતરમાં જ 'આપ' છોડીને ભાજપ સાથે જોડાણ કર્યું છે, જેના કારણે પંજાબ અને દિલ્હીના રાજકારણમાં ગરમાવો છે. જોકે, સત્તાધારી આમ આદમી પાર્ટીએ આ તમામ આરોપોને પાયાવિહોણા અને રાજકીય પ્રેરિત ગણાવીને ફગાવી દીધા છે. હવે જોવાનું એ રહેશે કે વિપક્ષની આ ટેસ્ટિંગની માંગ પર વિધાનસભામાં કેવા પ્રકારના પડઘા પડે છે.
(3:49 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
