તા. ૨ જાન્યુઆરી ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ પોષ સુદ – ૧૪ શુક્રવાર
News of Thursday, 30th July 2026
વર્ષ ૨૦૨૬માં દેશમાં યુરિયાની આયાતમાં ૮૩ ટકાનો ઉછાળો
ગત નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬માં ઉત્પાદન આગલા વર્ષનાં ૩૦૬.૬૭ લાખ ટન સામે ઘટીને ૨૯૩.૨૬ લાખ ટનની સપાટીએ રહ્યું

નવી દિલ્હી,તા.૩૦: સ્થાનિક માગ સંતોષવા માટે ગત નાણાકીય વર્ષ ૨૦૨૬માં દેશમાં યુરિયાની આયાત વર્ષાનુવર્ષ ધોરણે ૮૩ ટકા વધીને ૧૦૩.૫૦ લાખ ટનના સ્તરે રહી હોવાનું તાજેતરમાં રાજયસભામાં એક પ્રશ્નના ઉત્તરમાં રાજ્યકક્ષાના રસાયણ અને ખાતર ખાતાના પ્રધાન અનુપ્રિયા પટેલે જણાવવાની સાથે છેલ્લાં પાંચ વર્ષના ખાતરના ઉત્પાદન અને આયાતની આંકડાકીય માહિતી આપી હતી.
મંત્રાલયની આંકડાકીય માહિતી અનુસાર ગત નાણાકીય વર્ષમાં યુરિયાની આયાત આગલા નાણાકીય વર્ષના ૫૬.૪૭ લાખ ટન સામે વધીને ૧૦૩.૫૦ લાખ ટનની થઈ હતી. આ પૂર્વે નાણાકીય વર્ષ ૨૦૨૦-૨૧માં આયાત ૯૧.૩૬ લાખ ટન, વર્ષ ૨૦૨૨-૨૩માં ૭૫.૮૦ લાખ ટન અને વર્ષ ૨૦૨૩-૨૪માં ૭૦.૪૨ લાખ ટન યુરિયાની આયાત થઈ હતી.
વધુમાં ગત નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬માં ડાય એમોનિયમ ફોસ્ફેટ (ડીએપી)ની આયાત આગલા નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫ના ૪૫.૬૯ લાખ ટન સામે વધીને ૬૧.૯૪ લાખ ટનની સપાટીએ રહી હતી. તેમ જ નાણાકીય વર્ષ ૨૦૨૦-૨૧માં ડાય એમોનિયમ ફોસ્ફેટની આયાત ૫૪.૬૨ લાખ ટન, વર્ષ ૨૦૨૧-૨૨માં ૬૫.૮૩ લાખ ટન અને વર્ષ ૨૦૨૨-૨૩માં ૫૫.૬૭ લાખ ટનની આયાત થઈ હતી.
આ ઉપરાંત ઉત્પાદનની આંકડાકીય માહિતી આપતા તેમણે જણાવ્યું હતું કે ગત નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬માં ઉત્પાદન આગલા વર્ષનાં ૩૦૬.૬૭ લાખ ટન સામે ઘટીને ૨૯૩.૨૬ લાખ ટનની સપાટીએ રહ્યું હતું. જોકે, ડીએપીનું ઉત્પાદન આગલા નાણાકીય વર્ષના ૩૭.૭૨ લાખ ટન સામે વધીને ૩૯.૧૪ લાખ ટનના સ્તરે રહ્યું હતું. તેમ જ ગત નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬માં દેશમાં ખાતરનું કુલ ઉત્પાદન ૫૧૭.૪૯ લાખ ટનના સ્તરે રહ્યું હોવાનું તેમણે ઉમેર્યું હતું.
(10:46 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
