News of Friday, 26th June 2026
યુએસ સરહદ પર ટ્રમ્પની ઇમિગ્રેશન નીતિની મોટી જીત: આશ્રય શોધનારાઓને પાછા મોકલવાના સુપ્રીમ કોર્ટના ચુકાદાથી અમેરિકામાં રાજકીય સંગ્રામ!
સર્વોચ્ચ અદાલતમાં 6-3થી ઐતિહાસિક ચુકાદો: 'મીટરિંગ' નીતિને મળી કાનૂની મંજૂરી, ન્યાયાધીશો વચ્ચે ભારે ટકરાવ; 'સ્ટેચ્યુ ઓફ લિબર્ટીની મશાલ ઓલવાઈ ગઈ' કહી ડેમોક્રેટ જજ ભડક્યા

વોશિંગ્ટન, તા.26: અમેરિકામાં ગેરકાયદેસર ઇમિગ્રેશન અને સરહદી સુરક્ષાને લઈને ચાલી રહેલી કાનૂની લડાઈમાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના વહીવટીતંત્રને સુપ્રીમ કોર્ટ તરફથી એક બહુ મોટો વિજય મળ્યો છે. અમેરિકી સુપ્રીમ કોર્ટે ગુરુવારે આપેલા એક સીમાચિહ્નરૂપ ચુકાદામાં જણાવ્યું છે કે, ટ્રમ્પ પ્રશાસન યુએસ-મેક્સિકો સરહદ પર આશ્રય (Asylum) માટે અરજી કરવા આવતા સ્થળાંતર કરનારાઓને સીધા જ પાછા મોકલી શકે છે. અદાલતના આ કડક વલણથી ટ્રમ્પની ઇમિગ્રેશન ક્રેકડાઉન નીતિને સર્વોચ્ચ કાનૂની મહોર મળી ગઈ છે.
શું છે આ 'મીટરિંગ' નીતિ?
હાઈકોર્ટે 6-3 ના બહુમતથી રાષ્ટ્રપતિ ટ્રમ્પના પ્રથમ કાર્યકાળ અને તે પૂર્વે બરાક ઓબામાના શાસનકાળ દરમિયાન વપરાતી "મીટરિંગ" (Metering) તરીકે ઓળખાતી નીતિની તરફેણમાં ચુકાદો આપ્યો છે. આ નીતિ હેઠળ, સરહદ પર દરરોજ કેટલા લોકો આશ્રય માટે અરજી કરી શકે તેની સંખ્યા મર્યાદિત કરવામાં આવે છે અને બાકીના લોકોને સરહદ પાર જ રાહ જોવાની ફરજ પાડવામાં આવે છે. ઇમિગ્રેશન હિમાયતીઓ અને માનવાધિકાર સંગઠનોએ આનો સખત વિરોધ કરીને દલીલ કરી હતી કે ફેડરલ કાયદા મુજબ કોઈપણ વ્યક્તિ સરહદ પર પહોંચે એટલે તે કાયદેસર કે ગેરકાયદેસર રીતે આવ્યો હોય તો પણ તેને આશ્રયની અરજી કરવાનો સંપૂર્ણ અધિકાર છે.
વ્હાઇટ હાઉસના પ્રવક્તા અબીગેઇલ જેક્સનનું મોટું નિવેદન:
"આ ચુકાદો ટ્રમ્પ વહીવટીતંત્ર, કાયદાના શાસન અને સામાન્ય સમજની એક જબરદસ્ત જીત છે. રાષ્ટ્રપતિ ટ્રમ્પ આપણી ઇમિગ્રેશન સિસ્ટમમાં કાનૂની અખંડિતતા પુનઃસ્થાપિત કરવા માટે સંપૂર્ણ પ્રતિબદ્ધ છે. અગાઉના વહીવટીતંત્રોએ આપણી આશ્રય પ્રણાલીનો જે ગંભીર દુરુપયોગ થવા દીધો હતો, તેનો અમે સજ્જડ સામનો કરી રહ્યા છીએ. અમારા માટે હંમેશા અમેરિકન નાગરિકોનું હિત અને સુરક્ષા પ્રથમ રહેશે."
સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશો વચ્ચે તીખા બાણ છોડાયા
આ ચુકાદા દરમિયાન સુપ્રીમ કોર્ટના કન્ઝર્વેટિવ (રૂઢિચુસ્ત) અને લિબરલ (ઉદારવાદી) ન્યાયાધીશો વચ્ચે ભારે તણાવ જોવા મળ્યો હતો. બહુમતીનો ચુકાદો લખતા જસ્ટિસ સેમ્યુઅલ એલિટોએ જણાવ્યું કે, સામાન્ય ભાષામાં કોઈ વ્યક્તિ દેશની સરહદની અંદર પ્રવેશે નહીં ત્યાં સુધી તે 'આવ્યો' કહેવાય નહીં, તેથી મેક્સિકોમાં રહેતા સ્થળાંતર કરનારાઓને સીધો આશ્રયનો અધિકાર મળી જતો નથી. આ નીતિની શાણપણ તપાસવી એ અમારું કામ નથી, અમે ફક્ત કાયદાનું પાલન કરાવ્યું છે.
બીજી તરફ, ડેમોક્રેટ્સ દ્વારા નિયુક્ત ત્રણ જજોએ આ ચુકાદા સામે સખત અસંમતિ વ્યક્ત કરી હતી. જસ્ટિસ સોનિયા સોટોમાયોરે બેન્ચમાંથી જ ગુસ્સા સાથે પોતાનો અસંમતિ પત્ર વાંચતા એક દુર્લભ અને કડક ટિપ્પણી કરી હતી કે, "આ નિર્ણય અત્યંત ગંભીર અને દુઃખદ છે. આનાથી અમેરિકાના 'સ્ટેચ્યુ ઓફ લિબર્ટી'ની મશાલનો પ્રકાશ ઓલવાઈ ગયો છે. આ કડક વલણના કારણે હવે સરહદો પર હિંસા વધશે, નિર્દોષ લોકો ખતરનાક પરિસ્થિતિઓમાં ભટકવા મજબૂર થશે અને વધુ લોકો કાળના ગાલમાં હોમાશે."
ઓબામાથી શરૂ થયેલી નીતિ પર બિડેને મૂક્યો હતો પ્રતિબંધ
ઉલ્લેખનીય છે કે, આ મીટરિંગ પ્રક્રિયાની શરૂઆત સૌપ્રથમ 2016 માં ઓબામાના શાસનકાળ દરમિયાન હૈતીયન સ્થળાંતર કરનારાઓના મોટા ધસારાને રોકવા સાન ડિએગો બોર્ડર પર થઈ હતી. બાદમાં ટ્રમ્પે તેનો વિસ્તાર સમગ્ર દક્ષિણ સરહદ પર કર્યો હતો. વર્ષ 2021 માં તત્કાલીન રાષ્ટ્રપતિ જો બિડેને આ નીતિને સત્તાવાર રીતે રદ કરી દીધી હતી અને કેલિફોર્નિયાની કોર્ટોએ પણ તેને માનવાધિકાર વિરોધી ગણાવી હતી. જો કે, હવે સુપ્રીમ કોર્ટના આ આખરી ચુકાદાથી યુએસ બોર્ડર પર ફરીથી કડક ચેકિંગ અને ડિપોર્ટરેશન (પાછા મોકલવાની પ્રક્રિયા) તેજ થઈ જશે તે નક્કી છે.
(4:49 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
