News of Tuesday, 5th May 2026
હોર્મુઝ સ્ટ્રેટમાં છ ઈરાની નાની બોટ તોડી પાડી હોવાનો અમેરિકાનો દાવો : IRGCએ સદંતર જુઠ્ઠાણાં ગણાવ્યા
રિવોલ્યુશનરી ગાર્ડ્સે ભારપૂર્વક જણાવ્યું છે કે તેમનું કોઈ જહાજ ડૂબાડવામાં આવ્યું નથી અને છેલ્લા કલાકોમાં કોઈ વાણિજ્યિક જહાજ સામુદ્રધુનીમાંથી પસાર થયું નથી

મધ્ય પૂર્વમાં વધતા જતા તણાવ વચ્ચે અમેરિકા અને ઈરાન વચ્ચે સમુદ્રમાં સીધો સંઘર્ષ શરૂ થયો છે. યુએસ સેનાએ દાવો કર્યો છે કે તેણે હોર્મુઝ સ્ટ્રેટમાં છ ઈરાની નાની બોટ તોડી પાડી છે અને અનેક ક્રુઝ મિસાઈલ તથા ડ્રોનને હવામાં જ અટકાવી દીધા છે. આ કાર્યવાહી અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા શરૂ કરવામાં આવેલા અત્યંત મહત્વકાંક્ષી ઓપરેશન 'પ્રોજેક્ટ ફ્રીડમ'નો એક ભાગ છે.
રાષ્ટ્રપતિ ટ્રમ્પે સોમવારે સત્તાવાર રીતે 'પ્રોજેક્ટ ફ્રીડમ' લોન્ચ કર્યું હતું. આ ઓપરેશનનો મુખ્ય ઉદ્દેશ્ય હોર્મુઝની સામુદ્રધુની પર ફરીથી નિયંત્રણ મેળવવાનો અને વૈશ્વિક શિપિંગ માર્ગોને ખુલ્લા કરવાનો છે. ઉલ્લેખનીય છે કે 28 ફેબ્રુઆરીએ અમેરિકા અને ઈઝરાયેલ વચ્ચેના યુદ્ધ બાદ ઈરાને આ મહત્વપૂર્ણ જળમાર્ગને અસરકારક રીતે બંધ કરી દીધો હતો. હવે અમેરિકા આ જળમાર્ગ દ્વારા વેપારી જહાજોની અવરજવર પુનઃસ્થાપિત કરવા માંગે છે.
યુએસ સેન્ટ્રલ કમાન્ડના વડા એડમિરલ બ્રેડ કૂપરે આ ઓપરેશનની ગંભીરતા વિશે માહિતી આપતા જણાવ્યું હતું કે, આ ઓપરેશનમાં 15,000 અમેરિકી સૈનિકો સક્રિય છે. યુએસ નેવીના વિનાશક જહાજો 100થી વધુ જમીન અને દરિયાઈ વિમાનો અને અદ્યતન અન્ડરવોટર એસેટ્સ તૈનાત કરવામાં આવી છે. ઈરાની રિવોલ્યુશનરી ગાર્ડ્સ (IRGC) દ્વારા અમેરિકન સુરક્ષા હેઠળના જહાજો પર છોડવામાં આવેલી મિસાઈલ અને ડ્રોનને તટસ્થ કરવામાં આવ્યા છે.
એડમિરલ કૂપરે સ્પષ્ટ કર્યું કે ઓન-સીન કમાન્ડરો પાસે સૈનિકો અને વાણિજ્યિક જહાજોની સુરક્ષા માટે જરૂરી તમામ અધિકારો છે.
બીજી તરફ, ઈરાને અમેરિકાના દાવાઓને પાયાવિહોણા ગણાવ્યા છે. ઈરાનના રાજ્ય મીડિયા અને રિવોલ્યુશનરી ગાર્ડ્સે ભારપૂર્વક જણાવ્યું છે કે તેમનું કોઈ જહાજ ડૂબાડવામાં આવ્યું નથી અને છેલ્લા કલાકોમાં કોઈ વાણિજ્યિક જહાજ સામુદ્રધુનીમાંથી પસાર થયું નથી.
આ દરમિયાન, 8 એપ્રિલથી અમલમાં આવેલા યુદ્ધવિરામ અંગે એડમિરલ કૂપરે ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો હતો, જેનાથી પ્રદેશમાં શાંતિની આશા પર સવાલો ઉભા થયા છે. સોમવારે યુએઈ પર થયેલા ડ્રોન અને મિસાઈલ હુમલા બાદ ઈરાનનું વલણ વધુ આક્રમક જણાઈ રહ્યું છે.
અમેરિકાની વ્યૂહરચના મુજબ, આ ઓપરેશન બહુવિધ તબક્કામાં આગળ વધી રહ્યું છે. પ્રથમ તબક્કામાં ઈરાન દ્વારા બિછાવવામાં આવેલી દરિયાઈ માઈન્સ સાફ કરવામાં આવી રહી છે. સોમવારે અમેરિકાએ પોતાના બે ધ્વજવાળા વાણિજ્યિક જહાજોને સુરક્ષિત રીતે આ માર્ગ પરથી પસાર કરીને વિશ્વને પોતાની તાકાત બતાવી હતી.
આ જ દરમિયાન, હોર્મુઝ સ્ટ્રેટમાં દક્ષિણ કોરિયાના એક જહાજમાં વિસ્ફોટ થવાની ઘટના પણ બની હતી. રાષ્ટ્રપતિ ટ્રમ્પે સોશિયલ મીડિયા પર સૂચવ્યું હતું કે દક્ષિણ કોરિયા પણ દરિયાઈ ટ્રાફિકને સુરક્ષિત કરવાના અમેરિકાના આ પ્રયાસોમાં જોડાઈ શકે છે.
હાલમાં હોર્મુઝની સામુદ્રધુનીમાં સ્થિતિ અત્યંત ગંભીર છે, જ્યાં બંને મહાસત્તાઓ સામસામે છે, જેનાથી વૈશ્વિક તેલ બજાર અને વેપાર પર પણ માઠી અસર પડવાની ભીતિ સેવાઈ રહી છે.
(1:42 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
