તા. ૨૨ સપ્ટેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૦ ભાદરવા વદ -૫, રવિવાર
News of Wednesday, 11th November 2026
૯ ઈરાની નાગરિકોને ડિપોર્ટ કરતું યુએસ વિમાન અધવચ્ચેથી પાછું ફર્યું, પાકિસ્તાને એન્ટ્રી આપવાનો કર્યો ઇનકાર
ટ્રમ્પ પ્રશાસનની યોજના નિષ્ફળ જતાં વિમાને યુ-ટર્ન લીધો, એરિઝોનાથી ઉડાન ભર્યાની ૩૦ મિનિટમાં જ પ્લાન બદલવો પડ્યો

વોશિંગ્ટન : અમેરિકા દ્વારા ડિપોર્ટ કરવામાં આવી રહેલા ૯ ઈરાની નાગરિકોને લઈને ઉડેલું યુએસ ચાર્ટર પ્લેન અધવચ્ચેથી જ પાછું ફરવાની એક અત્યંત ચોંકાવનારી ઘટના સામે આવી છે. ટ્રમ્પ પ્રશાસનની યોજના આ ઈરાની નાગરિકોને પાકિસ્તાન થઈને ઈરાન ડિપોર્ટ કરવાની હતી, પરંતુ પાકિસ્તાને પોતાના વિસ્તારમાં પ્રવેશવાની કે એન્ટ્રી આપવાની સ્પષ્ટ ના પાડી દેતાં યુએસ પ્લેનને હવામાંથી જ યુ-ટર્ન લેવાની ફરજ પડી હતી.
'ન્યૂયોર્ક ટાઇમ્સ' ના અહેવાલ મુજબ, આ ખાસ ચાર્ટર પ્લેને એરિઝોનાના મેસાથી મંગળવાર, ૧૦ નવેમ્બરના રોજ પાકિસ્તાન માટે ઉડાન ભરી હતી. જોકે, ઉડાન ભર્યાની ગણતરીની ૩૦ મિનિટમાં જ અચાનક પ્લાન બદલવો પડ્યો હતો અને પ્લેનને પાછું વાળીને મેસા એરપોર્ટ પર જ લેન્ડિંગ કરાવવાની નોબત આવી હતી. એક યુએસ અધિકારી તેમજ કસ્ટડીમાં લેવાયેલા ઈરાની નાગરિકના સગાના હવાલેથી આ સમગ્ર માહિતી જાહેર કરવામાં આવી છે.
અમેરિકી પ્રશાસનની મૂળ યોજના મુજબ આ નાગરિકોને પાકિસ્તાન પહોંચાડીને ત્યાંથી ઈરાન રવાના કરવાના હતા, પરંતુ આંતરરાષ્ટ્રીય સ્તરે રાજદ્વારી સંમતિ ન મળવાને કારણે અને પાકિસ્તાન તરફથી એન્ટ્રી ન મળતાં આ ઓપરેશન ફ્લોપ નીવડ્યું હતું. પ્લેન પાછું ફર્યા બાદ તમામ ૯ ઈરાની નાગરિકોને ફરીથી અમેરિકી ડિટેન્શન સેન્ટરમાં મોકલી દેવામાં આવ્યા છે.
આ ઘટના બાદ હવે ઈરાની નાગરિકોને દેશનિકાલ (ડિપોર્ટ) કરવાની ટ્રમ્પ પ્રશાસનની કાયદાકીય અને રાજદ્વારી નીતિઓ સામે ગંભીર સવાલો ઊભા થયા છે. આગામી સમયમાં અમેરિકા અન્ય કોઈ ત્રીજા દેશ સાથે વાતચીત કરીને આ નાગરિકોને ઈરાન મોકલવાની નવી પ્રક્રિયા હાથ ધરે તેવી સંભાવના છે, જ્યારે કાયદાકીય નિષ્ણાતો દ્વારા આ રીતે અધવચ્ચેથી પ્લેન પાછું લાવવાના નિર્ણય અંગે તપાસની માંગ કરવામાં આવી રહી છે.
(9:01 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
