<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 3rd November 2026

ડેમોક્રેટ્સ મિડટર્મ ચૂંટણી જીતશે તો 'મિસ્ટર વિટો' બનવાની અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પની ચીમકી : કોંગ્રેસ દ્વારા મોકલવામાં આવતા તમામ પ્રસ્તાવો 'વિટો' કરી ફગાવી દેવાની આપી ચેતવણી

વ્હાઇટ હાઉસ દ્વારા સાંસદોની મંજૂરી વિના શાસન ચલાવવા માટે આગોતરું આયોજન શરૂ : ૨૨મા બંધારણીય સુધારાને કારણે ત્રીજી ટર્મ માટે ચૂંટણી લડી શકાશે નહીં તેવો પણ ડોનાલ્ડ ટ્રમ્પે કર્યો સ્વીકાર

વોશિંગ્ટન: અમેરિકામાં યોજાનારી મિડટર્મ ચૂંટણીઓ પૂર્વે રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચ્યો છે. જો વિપક્ષ ડેમોક્રેટ્સ આ સપ્તાહે યોજાનારી ચૂંટણીમાં કોંગ્રેસ (અમેરિકી સંસદ) પર નિયંત્રણ મેળવવામાં સફળ રહેશે, તો તેઓ તમામ પ્રસ્તાવો પર વિટો (Veto) પાવરનો ઉપયોગ કરીને તેને અટકાવી દેશે તેવી ખુલ્લી ધમકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આપી છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું છે કે આવી સ્થિતિ નિર્માણ પામશે તો તેઓ 'મિસ્ટર વિટો' બનીને શાસન ચલાવશે.

'પોડ ફોર્સ વન' પોડકાસ્ટમાં રાષ્ટ્રપતિ ટ્રમ્પનું નિવેદન:
ન્યૂયોર્ક પોસ્ટના 'પોડ ફોર્સ વન' પોડકાસ્ટ પર આપેલા એક ઇન્ટરવ્યુ દરમિયાન રાષ્ટ્રપતિ ટ્રમ્પે આ નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે, "જો અમે ચૂંટણી જીતી શકીએ નહીં, તો પણ હું દરેક પ્રસ્તાવને વિટો કરી દઈશ. એક-બે મહિના સુધી સતત વિટોનો સામનો કર્યા બાદ અને સમય વેડફાયા પછી ડેમોક્રેટ્સ મારી પાસે આવશે અને સમજોતો કરવા મજબૂર બનશે." જોકે, તેમણે ઉમેર્યું હતું કે રિપબ્લિકન પાર્ટી હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સમાં પોતાનું વર્ચસ્વ જાળવી રાખશે તેવો તેમને પૂરતો આશાવાદ છે.

વ્હાઇટ હાઉસનું ઇમરજન્સી પ્લાનિંગ અને એક્ઝિક્યુટિવ આદેશો દ્વારા શાસન:
બીજી તરફ, ડેમોક્રેટિક પાર્ટી તરફથી મળી રહેલા સખત પડકારને જોતાં વ્હાઇટ હાઉસે મહિનાઓ પહેલાં જ વૈકલ્પિક યોજનાઓ પર કામ કરવાનું શરૂ કરી દીધું છે. વ્હાઇટ હાઉસના ડેપ્યુટી ચીફ ઓફ સ્ટાફ સ્ટીફન મિલર અને બજેટ ડિરેક્ટર રસેલ વોટના નેતૃત્વ હેઠળ એવી વ્યૂહરચના તૈયાર કરવામાં આવી રહી છે, જેનાથી કોંગ્રેસની મંજૂરી વિના રાષ્ટ્રપતિ પોતાના અધિકારો અને એક્ઝિક્યુટિવ આદેશોના આધારે શાસન ચલાવી શકે. નોંધનીય છે કે જાન્યુઆરી ૨૦૨૫થી શરૂ થયેલી ૧૧૯મી કોંગ્રેસમાં અત્યાર સુધીમાં માત્ર ૧૨૧ કાયદા જ પસાર થઈ શક્યા છે, જે વિતેલા ચાર દાયકામાં બીજા નંબરનો સૌથી ઓછો દર દર્શાવે છે.

સંસદ પર કબ્જો મેળવીને ડેમોક્રેટ્સ કરશે તપાસનો ધમધમાટ:
જો મિડટર્મ ચૂંટણીમાં ડેમોક્રેટ્સને બહુમતી મળશે, તો તેઓ ટ્રમ્પ પરિવારના નાણાકીય વ્યવહારો અને વ્યવસાયો તથા ઈરાન યુદ્ધ સાથે સંબંધિત નીતિઓની તપાસ શરૂ કરવાની યોજના બનાવી રહ્યા છે. આ ઉપરાંત રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને સંરક્ષણ સચિવ પીટ હેગસેથ સામે મહાભિયોગ (Impeachment) ચલાવવાની પણ વાત વહેતી થઈ છે. ડેમોક્રેટ્સ જજ અને એક્ઝિક્યુટિવ બ્રાંચના નોમિનેશન્સ રોકવાની શક્તિ મેળવી લેશે. બન્ને સેનેટ હાઉસમાં રિપબ્લિકન્સ પાસે ૨૧૮-૨૧૪ અને સેનેટમાં ૫૩-૪૭ની નાની બહુમતી છે, જેને ઉથલાવવા ડેમોક્રેટ્સને બંને ગૃહોમાં ૪-૪ બેઠકો મેળવવી જરૂરી છે.

ત્રીજી ટર્મ માટે લડવાની ઇચ્છા: પરંતુ બંધારણીય મર્યાદા સ્વીકારી
પોડકાસ્ટમાં રાષ્ટ્રપતિ ટ્રમ્પે વધુમાં જણાવ્યું હતું કે તેઓ ભવિષ્યમાં પણ ચૂંટણી લડવા માંગે છે અને પોલમાં તેઓ સૌથી આગળ ચાલી રહ્યા છે, પરંતુ અમેરિકી બંધારણની મર્યાદાઓને કારણે તેઓ ત્રીજી ટર્મ માટે ચૂંટણી લડી શકે તેમ નથી. તેમણે ભારપૂર્વક કહ્યું કે તેમના વર્તમાન કાર્યકાળમાં હજુ બે વર્ષથી વધુ સમય બાકી છે અને દેશનો આર્થિક વિકાસ અભૂતપૂર્વ સ્તરે પહોંચ્યો છે. ભૂતકાળમાં પણ રોનાલ્ડ રીગન, બિલ ક્લિન્ટન, જ્યોર્જ ડબલ્યુ બુશ અને બરાક ઓબામા જેવા રાષ્ટ્રપતિઓએ સંસદમાં વિપક્ષની બહુમતી હોવા છતાં વિટો અને દ્વિપક્ષીય સમજૂતીઓના આધારે સફળતાપૂર્વક શાસન ચલાવ્યું હતું.

(11:28 PM IST)