<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 17th September 2026

‘મિર્ઝાપુર: ધ મૂવી’ના ફાઈટ સીનમાં મહારાણા પ્રતાપના ગીતનો ઉપયોગ અયોગ્ય: દિલ્હી હાઈકોર્ટે દર્શાવી ભારે નારાજગી, CBFCને ફેરફારો અંગે એક સપ્તાહમાં આખરી નિર્ણય લેવા નિર્દેશ

‘શૂરવીર’ ગીત અને હિંસક દ્રશ્યો વચ્ચેનું જોડાણ મહારાણા પ્રતાપના આદર્શોનું અપમાન: જનહિત અરજી પર સુનાવણી દરમિયાન હાઈકોર્ટનું કડક અવલોકન, વિવાદ વધતાં નિર્માતા ગીત બદલવા તૈયાર

 

 

નવી દિલ્હી, તા.૧૭: આગામી ચર્ચિત ફિલ્મ "મિર્ઝાપુર: ધ મૂવી" રિલીઝ થાય તે પહેલાં જ ભારે કાનૂની વિવાદમાં સપડાઈ છે. ફિલ્મના એક હિંસક ફાઈટ સિક્વન્સમાં મહાન યોદ્ધા મહારાણા પ્રતાપને સમર્પિત ગીતનો ઉપયોગ કરવા સામે દિલ્હી હાઈકોર્ટે ભારે નારાજગી વ્યક્ત કરી છે. મુખ્ય ન્યાયાધીશ ડી.કે. ઉપાધ્યાય અને ન્યાયાધીશ તેજસ કારિયાની ખંડપીઠે મૌખિક ટિપ્પણી કરતા સ્પષ્ટ કર્યું કે, ગુંડાઓ વચ્ચેની હિંસાના મહિમામંડન માટે આવા આદરણીય ઐતિહાસિક વ્યક્તિત્વના સંગીતનો ઉપયોગ કરવો એ જરાય "ઉચિત નથી".

કોર્ટમાં દાખલ કરવામાં આવેલી જનહિત અરજી (PIL) માં અરજદાર પ્રશાંત કુમાર સિંહે દાવો કર્યો હતો કે, ફિલ્મમાં કાલીન ભૈયા જેવા ગેંગસ્ટર પાત્રો, ડ્રગ્સનો કારોબાર, હત્યાઓ અને ખંડણી જેવી સંગઠિત ગુનાખોરી દર્શાવવામાં આવી છે. આવા હિંસક અને ગેરકાયદેસર કૃત્યો વચ્ચે મહારાણા પ્રતાપના સાહસ, સન્માન અને બલિદાનનું પ્રતીક ગણાતા 'શૂરવીર' (Shoorveer) ગીતનો બેકગ્રાઉન્ડ મ્યુઝિક તરીકે ઉપયોગ કરવાથી સમાજમાં એક અનિચ્છનીય અને ભ્રામક સંદેશ જાય છે.

બીજી તરફ, ફિલ્મ નિર્માતાના વકીલે કોર્ટને જણાવ્યું હતું કે આ ગીત માત્ર ક્લાઈમેક્સના લડાઈના દ્રશ્યને વધુ આકર્ષક બનાવવા માટે વાપરવામાં આવ્યું છે અને કોઈ પાત્રની સરખામણી મહારાણા પ્રતાપ સાથે કરાઈ નથી. જોકે, વિવાદની ગંભીરતાને ધ્યાનમાં રાખીને નિર્માતાઓએ પોતે જ આ દ્રશ્ય અને ગીતમાં જરૂરી ફેરફાર કરવા સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશન (CBFC) નો સંપર્ક કર્યો છે. દિલ્હી હાઈકોર્ટે CBFC ને આ પ્રસ્તાવિત ફેરફારો પર એક સપ્તાહની અંદર આખરી નિર્ણય લેવાનો આદેશ આપી કેસની વધુ સુનાવણી ૨૪ સપ્ટેમ્બર પર મુલતવી રાખી છે.

(4:53 PM IST)