News of Wednesday, 29th July 2026
દિલ્હીમાં નીટ વિરોધ પ્રદર્શનમાં પેલેટ ગનનો ઉપયોગ કાયદેસર: સીઆરપીએફના રિપોર્ટમાં મોટો ધડાકો
સીઆરપીએફના એનાલિસિસ રિપોર્ટમાં મોટો ખુલાસો: રિપોર્ટ અનુસાર આ કાર્યવાહીમાં રમખાણ વિરોધી તમામ નિયમો અને સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર એટલે કે એસઓપીનું સંપૂર્ણ પાલન કરવામાં આવ્યું હતું: હિંસા રોકવા માટે તબક્કાવાર પગલાં લેવાયા હતા

નવી દિલ્હી: ૨૦ જુલાઈએ નીટ પેપર લીક મુદ્દે થયેલા ઉગ્ર વિરોધ પ્રદર્શનમાં પેલેટ ગન વાપરવા મામલે સીઆરપીએફ દ્વારા એનાલિસિસ રિપોર્ટમાં મોટો ખુલાસો કરવામાં આવ્યો છે. રિપોર્ટ અનુસાર આ કાર્યવાહીમાં રમખાણ વિરોધી તમામ નિયમો અને સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર એટલે કે એસઓપી નું સંપૂર્ણ પાલન કરવામાં આવ્યું હતું.
અહેવાલ મુજબ હિંસા રોકવા માટે તબક્કાવાર પગલાં લેવાયા હતા. સૌપ્રથમ પ્રદર્શનકારીઓને ચેતવણી અપાઈ હતી અને ત્યારબાદ આંસુ ગેસ તેમજ લાઠીચાર્જ જેવા ઓછી તીવ્રતાના ઉપાયો અજમાવાયા હતા. પરંતુ ભીડ બેકાબૂ બની અને તમામ પ્રયાસો નિષ્ફળ રહ્યા ત્યારે જ અંતિમ વિકલ્પ તરીકે પેલેટ ગન જેવા બિન ઘાતક સાધનનો ઉપયોગ કરાયો હતો.
આ હિંસક અથડામણમાં પ્રદર્શનકારીઓ તરફથી પથ્થરમારો અને લોખંડની રેલિંગ વડે હુમલો કરવામાં આવ્યો હતો. જેના કારણે આરએએફ ના ૪૭ જવાનો ઘાયલ થયા હતા અને તેમાંથી ૬ જવાનોને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. બીજી તરફ ધાતુના છરા વાગવાથી ૩ થી ૫ જેટલા પ્રદર્શનકારીઓ પણ ઘાયલ થયા હતા.
આરએએફ ના સૂત્રોએ સ્પષ્ટ કર્યું છે કે દક્ષ અધિકારી અથવા સ્થાનિક એસીપી કે ડીસીપી ની લેખિત મંજૂરી મળ્યા બાદ જ આ કાર્યવાહી કરવામાં આવી હતી અને કોઈ મૌખિક આદેશ અપાયો નહોતો. સીઆરપીએફ ના ડીજી જીપી સિંહે જણાવ્યું છે કે આ મામલો હાલ ન્યાયાધીન છે અને બળની સમગ્ર કાર્યવાહીનો રિપોર્ટ સુપ્રીમ કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવશે.
રિપોર્ટમાં જમ્મુ કાશ્મીર હાઈકોર્ટના ૨૦૧૬ ના એક મહત્વના આદેશનો ઉલ્લેખ કરાયો છે. આ આદેશમાં કોર્ટે કહ્યું હતું કે જ્યાં સુધી બેકાબૂ ભીડ હિંસા કરતી રહેશે ત્યાં સુધી બળપ્રયોગ જરૂરી છે અને કઈ પરિસ્થિતિમાં કેવા પ્રકારનું બળ વાપરવું તે સ્થળ પરના ઈન્ચાર્જ નક્કી કરશે. બાદમાં સુપ્રીમ કોર્ટે પણ આ આદેશને બહાલ રાખ્યો હતો. *
(9:36 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
