<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 18th November 2026

ઉત્તરાખંડ અને ઉત્તર પ્રદેશ વચ્ચેના સંપત્તિ વિવાદો ઉકેલવા મુખ્યમંત્રી ધામીએ યોગી આદિત્યનાથ સાથે કરી મહત્વપૂર્ણ બેઠક: બનબાસા બેરેજ અને પુલોના સમારકામ પર ભાર

લખનૌ ખાતે યોજાયેલી આ ઉચ્ચસ્તરીય બેઠકમાં બંને રાજ્યો વચ્ચે સિંચાઈ વિભાગની સંપત્તિના વિભાજન તેમજ જૂના જર્જરિત પુલોના પુનઃનિર્માણ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી છે.

લખનૌ : ઉત્તરાખંડ અને ઉત્તર પ્રદેશ વચ્ચે લાંબા સમયથી ચાલી આવતા સંપત્તિ વિવાદોના કાયમી ઉકેલ માટે ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ બુધવારે લખનૌની મુલાકાત લઈને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સાથે એક મહત્વપૂર્ણ બેઠક યોજી હતી.

 

આ બેઠક દરમિયાન બંને નેતાઓ વચ્ચે સિંચાઈ વિભાગની સંપત્તિના નિકાલ, અગાઉ થયેલા કરારોના અમલીકરણ અને પ્રાદેશિક વિકાસના વિવિધ મુદ્દાઓ પર સકારાત્મક અને ફળદાયી ચર્ચા કરવામાં આવી હતી.

 

મુખ્યમંત્રી ધામીએ ખાસ કરીને બનબાસા બેરેજ, નાગરા બાયપાસ કેનાલ તેમજ ઝાંકાયા બ્રિજ અને સુખા બ્રિજ જેવા જૂના અને જર્જરિત પુલોના સમારકામ, મજબૂતીકરણ અને પુનઃનિર્માણનો મુદ્દો ભારપૂર્વક ઉઠાવ્યો હતો.

 

તેમણે જણાવ્યું હતું કે આ માળખાકીય કાર્યો સ્થાનિક નાગરિકોની સલામતી, સરળ પરિવહન અને ખેડૂતોની સિંચાઈ જરૂરિયાતો સાથે સીધા જોડાયેલા હોવાથી તેને પ્રાથમિકતાના ધોરણે પૂર્ણ કરવા જરૂરી છે.

 

બેઠકમાં બંને રાજ્યો વચ્ચે સિંચાઈ સહિતના અન્ય વિભાગોની અટવાયેલી સંપત્તિના ટ્રાન્સફર અને વિભાજન અંગેની પ્રગતિની સમીક્ષા કરવામાં આવી હતી તથા બંને પક્ષોના સંકલનથી બાકી રહેલા પ્રશ્નો વહેલી તકે ઉકેલવા પર સહમતિ સધાઈ હતી.

 

આ અગાઉ પણ પરસ્પર સંમતિથી ઘણા મહત્વપૂર્ણ વિવાદો ઉકેલાયા છે, અને ઉત્તર પ્રદેશ સરકારના સહયોગથી બાકી રહેલા તમામ પડતર મુદ્દાઓ પણ ટૂંક સમયમાં ઉકેલાઈ જશે તેવી આશા મુખ્યમંત્રી ધામીએ વ્યક્ત કરી હતી.

(8:27 PM IST)