News of Sunday, 11th October 2026
ગાઝિયાબાદના ગંગા નહેર પુલ પાસે ઉત્તરાખંડ રોડવેઝની બસ પલટી: ડ્રાઈવર સહિત 14 મુસાફરો ઘાયલ
દિલ્હી-મેરઠ રોડ પર ડિવાઈડર સાથે બસ અથડાતાં ચીસાચીસ અને મુસાફરોની બચાવ કામગીરી માટે પોલીસનો તાત્કાલિક કાફલો તૈનાત

ગાઝિયાબાદ : દિલ્હી-મેરઠ રોડ પર મુરાદનગર ગંગા નહેર પુલ નજીક એક ગોઝારો અકસ્માત સર્જાયો હતો, જેમાં દિલ્હીથી રૂરકી જઈ રહેલી ઉત્તરાખંડ રોડવેઝની બસ અચાનક સ્ટેયરિંગ પરનો કાબૂ ગુમાવતા ડિવાઈડર સાથે ભયાનક રીતે અથડાઈને પલટી મારી ગઈ હતી.
બસ પલટી જતાં જ મુસાફરોમાં ભારે ચીસાચીસ અને કરુણ બૂમો પડી ગઈ હતી, જેના પગલે આસપાસના લોકો તાત્કાલિક મદદે દોડી આવ્યા હતા. અકસ્માતની જાણ થતાં જ ઘટનાસ્થળે પહોંચેલી પોલીસે સ્થાનિકોની મદદથી બસમાં ફસાયેલા મુસાફરોને ઝડપથી બહાર કાઢ્યા હતા. આ ઘટનામાં ડ્રાઈવર અને કંડક્ટર સહિત કુલ 14 મુસાફરોને નાની-મોટી ઈજાઓ પહોંચી હતી.
પોલીસ કાફલાએ તમામ 14 ઘાયલોને તાત્કાલિક ધોરણે સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડ્યા હતા, જ્યાં હાલ તમામની સારવાર ચાલી રહી છે. અકસ્માતગ્રસ્ત બસને રસ્તા પરથી દૂર કરીને વાહન વ્યવહાર પૂર્વવત કરવામાં આવ્યો હતો.
દિલ્હી-મેરઠ હાઈવે પર ગંગા નહેર પુલ પાસે અગાઉ પણ તીવ્ર વળાંક અને સ્પીડના કારણે અનેક વાહન અકસ્માતો સર્જાયા હોવાના બનાવો બન્યા છે. ઘટના બાદ ટ્રાફિક પોલીસે અકસ્માતના ચોક્કસ કારણો અંગે તપાસ આરંભી છે અને વાહનોની ગતિ પર નિયંત્રણ લાવવા માટે હાઈવે પેટ્રોલિંગ વધુ સઘન બનાવવાની પ્રક્રિયા હાથ ધરી છે.
(10:57 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
