News of Wednesday, 9th September 2026
વડોદરાથી મુંબઈ માત્ર દોઢ કલાકમાં...મે મહિનામાં બુલેટ ટ્રેનનું ટ્રાયલ
દેશની પ્રથમ બુલેટ ટ્રેનની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છેઃ ટ્રેકથી લઈને સ્ટેશન બાંધકામ સુધીનું કામ ઝડપી ગતિએ ચાલી રહ્યું છે : ભારતીય બુલેટ ટ્રેન મે ૨૦૨૭ માં પરીક્ષણ માટે પાટા પર ઉતરે તેવી અપેક્ષા

નવી દિલ્હી,તા.૯: દેશની પ્રથમ બુલેટ ટ્રેનની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે, ટ્રેકથી લઈને સ્ટેશન બાંધકામ સુધીનું કામ ઝડપી ગતિએ ચાલી રહ્યું છે. ભારતીય રેલ્વે અને રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવ ભારતની પ્રથમ બુલેટ ટ્રેન અંગે સતત અપડેટ્સ શેર કરી રહ્યા છે. હવે, રેલ્વે મંત્રીએ ગુજરાતમાં બુલેટ ટ્રેન અંગે મહત્વપૂર્ણ માહિતી આપી છે, જેમાં જણાવ્યું છે કે તે મુસાફરોને વડોદરાથી મુંબઈ માત્ર દોઢ કલાકમાં મુસાફરી કરવાની સુવિધા આપશે.
મંગળવારે વડોદરામાં આયોજિત 'નમો ફોર વિકાસ ભારત' કાર્યક્રમમાં, કેન્દ્રીય રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે બુલેટ ટ્રેન અંગે એક મુખ્ય અપડેટ જાહેર કર્યું. તેમણે જાહેરાત કરી કે ભારતની પ્રથમ સ્વદેશી રીતે બનેલી બુલેટ ટ્રેનનું માળખું તૈયાર છે; તે 'ગઈકાલના એક દિવસ પહેલા' પૂર્ણ થયું હતું અને પરીક્ષણ માટે તૈયાર છે. ભારતીય બુલેટ ટ્રેન મે ૨૦૨૭ માં પરીક્ષણ માટે પાટા પર ઉતરે તેવી અપેક્ષા છે.
અશ્વિની વૈષ્ણવે તેમના સંબોધનમાં વધુમાં જણાવ્યું હતું કે ભારતની પ્રથમ બુલેટ ટ્રેનના ટ્રાયલ રન મે અથવા જૂન ૨૦૨૭ માં શરૂ થશે, અને બે થી ચાર મહિનાના પરીક્ષણ પછી, વડા પ્રધાન નરેન્દ્ર મોદી પોતે બુલેટ ટ્રેનનું ઉદ્ધાટન કરશે.
રેલવે મંત્રીના જણાવ્યા અનુસાર, જ્યારે દેશમાં બુલેટ ટ્રેન પાટા પર દોડવાનું શરૂ થશે, ત્યારે આ ટ્રેન દ્વારા વડોદરાથી મુંબઈ મુસાફરી કરતા મુસાફરોને ફક્ત દોઢ કલાકનો સમય લાગશે. વડોદરા જંકશન અને મુંબઈ સેન્ટ્રલ વચ્ચે રેલ દ્વારા અંતર આશરે ૩૯૧-૩૯૨ કિમી છે. હાલમાં, આ લાઇન પર સૌથી ઝડપી ટ્રેન વડોદરા-મુંબઈ સેન્ટ્રલ વંદે ભારત છે, જે આશરે ૪ કલાક અને ૪૪ મિનિટ લે છે.
બુલેટ ટ્રેન પ્રોજેક્ટ ૨૦૧૭ માં શરૂ કરવામાં આવ્યો હતો, અને હવે, એક દાયકા પછી, દેશની પ્રથમ બુલેટ ટ્રેન આવતા વર્ષે ૧૫ ઓગસ્ટથી કાર્યરત થશે. પ્રથમ તબક્કામાં, તેને મુંબઈ-અમદાવાદ ટ્રેક પર દોડાવવાનું આયોજન છે. બુલેટ ટ્રેનની ગતિ ૨૮૦ કિલોમીટર પ્રતિ કલાકથી ૩૫૦ કિલોમીટર પ્રતિ કલાક સુધીની હોઈ શકે છે.
રેલ્વે બુલેટ ટ્રેનની તૈયારીઓની ઝડપી પ્રગતિ દર્શાવવા માટે સતત ફોટા અને વીડિયો શેર કરી રહી છે. આમાં ટ્રેક બાંધકામ અને વીજળીકરણની છબીઓ તેમજ હાઇ-સ્પીડ મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન કોરિડોર પરના રેલ્વે સ્ટેશનોના વીડિયો અને ફોટા શામેલ છે. બુલેટ ટ્રેન આ રૂટ પરના ૧૨ મુખ્ય સ્ટેશનો પર રોકાશે, જેમાં મુંબઈ (BKC), થાણે, વિરાર, બોઇસર, વાપી, બિલીમોરા, સુરત, ભરૂચ, વડોદરા, આણંદ, અમદાવાદ અને સાબરમતીનો સમાવેશ થાય છે
(10:14 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
