<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 13th July 2026

દતિયા પેટાચૂંટણીમાં ટિકિટ કપાતા ભાજપના દિગ્ગજ નેતા નરોત્તમ મિશ્રા સ્ટેજ પર જ ચોધાર આંસુએ રડી પડ્યા, મુખ્યમંત્રી મોહન યાદવે ખભો આપી સાંત્વના પાઠવી!

કોંગ્રેસના 'ભાગલા'ના ટોણા વચ્ચે ભાજપના મંચ પર હાઈવોલ્ટેજ ડ્રામા: પૂર્વ ગૃહમંત્રી ભાવુક થતાં કાર્યકરો સ્તબ્ધ, ઉમેદવાર આશુતોષ તિવારી માટે જીત સુનિશ્ચિત કરવાની લીધી પ્રતિજ્ઞા.

દતિયા : મધ્યપ્રદેશના રાજકારણમાંથી સોમવારે એક મોટા સમાચાર સામે આવ્યા છે. દતિયા પેટાચૂંટણીમાં ટિકિટ ન મળવાના કારણે નારાજ ચાલી રહેલા ભારતીય જનતા પાર્ટી (BJP) ના વરિષ્ઠ નેતા અને પૂર્વ ગૃહમંત્રી ડૉ. નરોત્તમ મિશ્રા જાહેરમાં પોતાની લાગણીઓ પર કાબૂ રાખી શક્યા નહોતા. એક ચૂંટણી સભા દરમિયાન તેઓ સ્ટેજ પર જ ચોધાર આંસુએ રડી પડ્યા હતા. આ કપરી ક્ષણે મંચ પર હાજર મુખ્યમંત્રી મોહન યાદવે તરત જ ઊભા થઈને તેમને ગળે લગાડી સાંત્વના આપી હતી અને મામલો થાળે પાડ્યો હતો.
ઉમેદવારી ફોર્મ ભરવાની રેલીમાં સર્જાયા ભાવુક દ્રશ્યો
આ ઘટના ભાજપના સત્તાવાર ઉમેદવાર આશુતોષ તિવારીના નામાંકન પત્ર ભરવા માટે યોજાયેલી એક વિશાળ રેલી દરમિયાન બની હતી. નરોત્તમ મિશ્રા જ્યારે આશુતોષ તિવારીના સમર્થનમાં સ્ટેજ પરથી ભાષણ આપી રહ્યા હતા ત્યારે જ તેઓ ગદ્ગદિત થઈ ગયા હતા. તેમણે કાર્યકરોને સંબોધતા કહ્યું, "૧૬મી તારીખથી હું પોતે અહીં ડેરો જમાવીશ. હું દતિયાના દરેક ઘરના દરવાજે જઈને માથું નમાવીશ અને આશુતોષની જીત સુનિશ્ચિત કરીશ." આટલું બોલતા જ તેઓ ભાવુક થઈ ગયા અને રડવા લાગ્યા હતા. તેમની આંખોમાં આંસુ જોઈને મંચ પર હાજર અન્ય નેતાઓ અને કાર્યકરો પણ સ્તબ્ધ થઈ ગયા હતા.
વિપક્ષ કોંગ્રેસ પર આકરા પ્રહારો
પોતાનું દુઃખ છુપાવીને પક્ષ પ્રત્યેની વફાદારી દર્શાવતા નરોત્તમ મિશ્રાએ વિપક્ષ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે જણાવ્યું કે, "કોંગ્રેસ એવી અફવાઓ ફેલાવે છે કે ભાજપમાં આંતરિક ભાગલા પડ્યા છે. પરંતુ જુઓ, આજે અમે બધા પક્ષને જીતાડવા માટે એક જ મંચ પર સાથે ઊભા છીએ." આ સાથે જ તેમણે કોંગ્રેસના ઉમેદવાર ઘનશ્યામ સિંહ (રાજા સાહેબ) પર કટાક્ષ કરતા કહ્યું કે, તેઓ એક એક્સપાયર થઈ ગયેલી હોમિયોપેથિક ગોળી જેવા છે, જે સ્વાદમાં મીઠી તો લાગે છે પણ તેની કોઈ અસર થતી નથી.
મુખ્યમંત્રી મોહન યાદવે જવાબદારી સોંપી
મુખ્યમંત્રી મોહન યાદવે પરિસ્થિતિ સંભાળતા નરોત્તમ મિશ્રાના ખભે હાથ મૂક્યો અને મંચ પરથી જાહેરાત કરી કે, "નરોત્તમ જી, અમે અમારા નાના ભાઈ આશુતોષ તિવારીને તમારા ભરોસે સોંપી રહ્યા છીએ. હવે આ વૈતરણી પાર ઉતારવાની જવાબદારી તમારી છે." ત્યારબાદ બપોરે ૨:૩૦ વાગ્યાની આસપાસ મુખ્યમંત્રી, પ્રદેશ પ્રમુખ હેમંત ખંડેલવાલ અને નરોત્તમ મિશ્રાની હાજરીમાં ભાજપના ઉમેદવારે ફોર્મ સબમિટ કર્યું હતું.
બીજી તરફ કોંગ્રેસમાં ભડકો: પૂર્વ નેતા ભાજપમાં ઘરવાપસી કરે તેવી અટકળો
દતિયાની આ બેઠક પર માત્ર ભાજપ જ નહીં, પરંતુ કોંગ્રેસમાં પણ ભારે આંતરિક વિખવાદ સામે આવ્યો છે. સોમવારે સવારે જ્યારે કોંગ્રેસના ઉમેદવાર ઘનશ્યામ સિંહે ફોર્મ ભર્યું, ત્યારે પાર્ટીના વરિષ્ઠ નેતા અવધેશ નાયક ગેરહાજર રહ્યા હતા. અવધેશ નાયકે પોતાનો બળાપો કાઢતા જણાવ્યું કે, વર્ષ ૨૦૨૩માં કોંગ્રેસે તેમની ટિકિટ કાપી નાખી હતી અને આ વખતે પણ તેમની અવગણના કરવામાં આવી છે. તેમણે ઉમેર્યું કે, દિગ્વિજય સિંહે તેમને સ્પષ્ટ કીધું હતું કે તેઓ આરએસએસ (RSS) ના જૂના કાર્યકર હોવાથી પક્ષને તેમના પર ભરોસો નથી. આ વિવાદ બાદ અવધેશ નાયક ટૂંક સમયમાં જ ભાજપમાં પરત ફરે તેવી અટકળોએ જોર પકડ્યું છે.

(6:35 PM IST)