<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 3rd November 2026

ભારત-બાંગ્લાદેશ સરહદે શંકાસ્પદની અટકાયત કરાતાં ગ્રામજનોએ સુરક્ષા જવાનો પર કર્યો હુમલો :3 જવાનો ઘાયલ:8 હુમલાખોરો ઝડપાયા

અથડામણમાં વાહનોમાં ભારે તોડફોડ:મુખ્યમંત્રી માણિક સાહાએ હિંસાની આકરી નિંદા કરી તપાસના આદેશ આપ્યા:સંવેદનશીલ સરહદી જિલ્લામાં દાણચોરીની શંકાસ્પદ પ્રવૃત્તિમાં સંડોવાયેલા એક શખ્સની અટકાયત થતા ગ્રામજનો ઉશ્કેરાઈ ગયા

ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની આંતરરાષ્ટ્રીય સીમા પર દેશની સુરક્ષા કાજે રાત-દિવસ ખડેપગે રહેતા સરહદી સુરક્ષા દળના સૈનિકો પર જીવલેણ હુમલો થતાં ચકચાર મચી ગઈ છે. પૂર્વોત્તર રાજ્યના અત્યંત સંવેદનશીલ સરહદી જિલ્લામાં દાણચોરીની શંકાસ્પદ પ્રવૃત્તિમાં સંડોવાયેલા એક શખ્સની અટકાયત કરવામાં આવતાં જ સ્થાનિક ગ્રામજનો ઉશ્કેરાઈ ગયા હતા. હાથમાં લાકડીઓ અને બોથડ હથિયારો લઈને ધસી આવેલા ટોળાએ જવાનો પર સીધો હુમલો કરી દીધો હતો. આ હિંસક ઘર્ષણમાં 3 જવાનોના માથા ફૂટી જતાં તેઓ ગંભીર રીતે ઘાયલ થયા છે, જ્યારે તેમની સરકારી ગાડીઓમાં પણ વ્યાપક તોડફોડ કરવામાં આવી છે.

આ સમગ્ર કંપારી છૂટે તેવી ઘટના સિપાહીજલા જિલ્લા હેઠળ આવતી આશાબારી બોર્ડર આઉટપોસ્ટ નજીક સોમવારે દિવસે ઘટી હતી.

સરહદ પારથી ગેરકાયદે દાણચોરીનું નેટવર્ક ઓપરેટ થઈ રહ્યું હોવાની બાતમી મળતાં જ પેટ્રોલિંગ કરી રહેલા સુરક્ષા જવાનોએ એક સંદિગ્ધ આરોપીને તાત્કાલિક ઝડપી લીધો હતો. આરોપી પકડાતાં જ તેના સાથીદારો અને સ્થાનિક અસામાજિક તત્વોએ ગામલોકોને ગેરમાર્ગે દોરીને એકત્ર કર્યા હતા.

જોતજોતામાં મહિલાઓ અને યુવાનો સહિતનું એક મોટું હિંસક ટોળું ઘટનાસ્થળે એકઠું થઈ ગયું હતું. તેમણે જવાનોને ઘેરી લઈને સીધા લાકડીઓથી માર મારવાનું શરૂ કરી દીધું હતું.

હુમલાખોરોએ સુરક્ષા દળના સત્તાવાર વાહનોના કાચ તોડી નાખ્યા હતા અને જવાનો પાસેથી સર્વિસ રિવોલ્વર તેમજ રાઈફલ જેવાં હથિયારો આંચકી લેવાની ખુલ્લી કોશિશ પણ કરી હતી. આ ઝપાઝપીમાં લોહીલુહાણ થયેલા 3 જવાનોને તાત્કાલિક સ્થાનિક હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.

આ ગંભીર સુરક્ષા ચૂક અને હિંસક ઘટના અંગે રાજ્યના મુખ્યમંત્રી માણિક સાહાએ સોશિયલ મીડિયા પર તીવ્ર રોષ વ્યક્ત કર્યો છે.

તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે રાષ્ટ્રની રક્ષા કરતા સુરક્ષા દળો વિરુદ્ધ આવી નિર્દયી હિંસા કોઈપણ ભોગે ચલાવી લેવામાં નહીં આવે. મુખ્યમંત્રીએ ઉચ્ચ પોલીસ અધિકારીઓને સમગ્ર ઘટનાની તટસ્થ તપાસ હાથ ધરીને ગુનેગારો વિરુદ્ધ કાયદા અનુસાર કડકમાં કડક કાર્યવાહી કરવાનો સીધો આદેશ આપ્યો છે.

ઘટનાની જાણ થતાં જ કલામચૌરા પોલીસ સ્ટેશનનો કાફલો સ્થળ પર ધસી ગયો હતો અને સ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો.

પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કરીને હુમલામાં સીધા સંડોવાયેલા 8 આરોપીઓની ધરપકડ કરી લીધી છે. આ ઉપરાંત અન્ય કેટલાક શંકાસ્પદ વ્યક્તિઓને પૂછપરછ માટે કલામચૌરા પોલીસ મથકે લઈ જવામાં આવ્યા છે.

(1:25 PM IST)