<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 15th November 2026

વાયરલ મીમ ગર્લથી વૈશ્વિક સ્ટાર સુધી: 'પાવરી હો રહી હૈ' ફેમ દાનનીર મોબીન રશિયામાં ચમકી : શ્રેષ્ઠ અભિનેત્રીના એવોર્ડ સાથે જીતી ₹7 કરોડની હીરાજડિત ટ્રોફી!

રશિયામાં યોજાયેલા બીજા ઓપન યુરેશિયન ફિલ્મ એવોર્ડ્સમાં ૧૯ દેશોની ૪૧ ફિલ્મો વચ્ચે દાનનીરનો દબદબો : ફિલ્મ "મેરા લ્યારી" માં દમદાર અભિનય બદલ ૫,૦૦૦ હીરાથી જડિત 'ડાયમંડ બટરફ્લાય' ટ્રોફી અને ૫ કેરેટનો કિંમતી હીરો જીતીને રચ્યો ઇતિહાસ

મોસ્કો :  ૨૦૨૧માં "યે હમારી કાર હૈ, યે હમ હૈ, ઔર યે હમારી પાવરી હો રહી હૈ" કહીને સોશિયલ મીડિયા પર રાતોરાત સેન્સેશન બની ગયેલી પાકિસ્તાની અભિનેત્રી દાનનીર મોબીને હવે આંતરરાષ્ટ્રીય સિનેમા જગતમાં ડંકો વગાડ્યો છે. રશિયામાં આયોજિત પ્રતિષ્ઠિત બીજા 'ઓપન યુરેશિયન ફિલ્મ એવોર્ડ્સ'માં દાનનીરે પોતાની ફિલ્મ "મેરા લ્યારી" માં કરેલા શાનદાર અભિનય માટે શ્રેષ્ઠ અભિનેત્રીનો ખિતાબ જીત્યો છે. આ ઐતિહાસિક જીત સાથે તેણીને પ્રતિષ્ઠિત 'ડાયમંડ બટરફ્લાય એવોર્ડ' એનાયત કરવામાં આવ્યો છે, જેની ટ્રોફી અસલી હીરાથી જડિત છે અને તેની અંદાજિત કિંમત પાકિસ્તાની રૂપિયામાં આશરે ૭ કરોડ રૂપિયા (ભારતીય ચલણમાં આશરે ૨.૨ કરોડ રૂપિયા) જેટલી થવા જાય છે.

ફિલ્મ "મેરા લ્યારી" માં દાનનીરે એક એવી સાહસિક યુવતીનું પાત્ર ભજવ્યું છે, જે ફૂટબોલ રમવાના પોતાના સપનાને સાકાર કરવા માટે સમાજની જૂની રૂઢિઓ અને બંધનો સામે લડે છે. ૧૯ દેશોની ૪૧ જેટલી શ્રેષ્ઠ ફિલ્મોની આકરી સ્પર્ધા વચ્ચે દાનનીરના જીવંત અભિનયે નિર્ણાયકોના દિલ જીતી લીધા હતા. ઇન્સ્ટાગ્રામ પર પોતાની ખુશી વ્યક્ત કરતા દાનનીરે લખ્યું કે, "મહિલાઓની શક્તિ, તેમની હિંમત અને પોતાના સપનાઓને જીવવાની ક્ષમતાની ઉજવણી કરતી ફિલ્મ માટે આ સન્માન મેળવવું મારા માટે શબ્દોમાં વર્ણવી ન શકાય તેવી ગૌરવની ક્ષણ છે." ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે પણ પાકિસ્તાની અભિનેત્રી સોન્યા હુસૈને આ જ મંચ પર શ્રેષ્ઠ સહાયક અભિનેત્રીનો એવોર્ડ જીત્યો હતો.

રશિયન સંસ્કૃતિ મંત્રાલય અને યુરેશિયન એકેડેમી ફોર સિનેમેટોગ્રાફિક આર્ટ્સ દ્વારા શરૂ કરાયેલા આ એવોર્ડ્સ તેની ભવ્યતા માટે જાણીતા છે. દાનનીરને મળેલી ડાયમંડ બટરફ્લાય ટ્રોફીમાં ૫,૦૦૦ પ્રયોગશાળામાં તૈયાર કરાયેલા હીરા જડવામાં આવ્યા છે, અને સાથે જ વિજેતાઓને રશિયાના પૂર્વીય સખા રિપબ્લિકની ખાણોમાંથી કાઢવામાં આવેલો ૫ કેરેટનો કિંમતી હીરો પણ ભેટમાં આપવામાં આવે છે, જેની કિંમત ૨.૫૦ લાખ ડોલરથી વધુ આંકવામાં આવે છે. આ સમારોહમાં શ્રેષ્ઠ ફિલ્મનો સર્વોચ્ચ પુરસ્કાર રશિયન યુદ્ધ નાટક "ઓગસ્ટ" ને મળ્યો હતો, જ્યારે ઈરાન, કિર્ગિસ્તાન અને કઝાકિસ્તાનના કલાકારોએ પણ વિવિધ શ્રેણીઓમાં એવોર્ડ જીતીને સમારોહની શોભા વધારી હતી.

(10:13 PM IST)