News of Tuesday, 2nd June 2026
પ્રેમાનંદ મહારાજના શરણે વિરાટ અને અનુષ્કા
બંનેએ આશીર્વાદ મેળવ્યા અને આધ્યાત્મિક ચર્ચાઓ પણ કરી

વળંદાવન, તા.૨: આઈપીએલ ૨૦૨૬ ની હાઈ-વોલ્ટેજ ફાઈનલમાં ગુજરાત ટાઈટન્સને ધૂળ ચટાડીને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને સતત બીજી વખત ઐતિહાસિક ખિતાબ અપાવ્યા બાદ, કિંગ કોહલી મેદાનના ચોગ્ગા-છગ્ગાના શોરબકોરથી દૂર ભક્તિના રંગમાં રંગાયા છે. મંગળવારે વિરાટ કોહલી તેમની પત્ની અને બોલિવૂડ અભિનેત્રી અનુષ્કા શર્મા સાથે અચાનક વળંદાવન પહોંચી ગયા હતા. ક્રિકેટના મેદાન પર વિરોધી ટીમોના છક્કા છોડાવનાર કોહલી અહીં તદ્દન સાદા અંદાજમાં આધ્યાત્મિક ઉર્જાની શોધમાં જોવા મળ્યા હતા, જે સોશિયલ મીડિયા પર ભારે ચર્ચાનો વિષય બન્યો છે.
આ સ્ટાર કપલે વળંદાવનના સુપ્રસિદ્ધ સંત પ્રેમાનંદ મહારાજના આશ્રમ રાધા કેલી કુંજની મુલાકાત લીધી હતી. આશ્રમમાં બંનેએ સંતના ચરણોમાં સીસ ઝુકાવી આશીર્વાદ મેળવ્યા હતા અને થોડો સમય વિતાવીને ગહન આધ્યાત્મિક ચર્ચાઓ પણ કરી હતી. અગાઉ આ દંપતી આગ્રા એરપોર્ટ પર સ્પોટ થયું હતું, જ્યાંથી તેઓ સીધા જ કાર દ્વારા કાન્હાનગરી વળંદાવન પહોંચ્યા હતા. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી તસવીરોમાં વિરાટ અને અનુષ્કા આશ્રમમાંથી બહાર નીકળતી વખતે અત્યંત શાંત અને ભક્તિભાવમાં ડૂબેલા નજરે પડતા હતા.
ક્રિકેટની ઝાકઝમાળ અને સિનેમા જગતની વ્યસ્તતા વચ્ચે વિરાટ અને અનુષ્કા વર્ષોથી નિયમિતપણે વળંદાવનની મુલાકાત લેતા રહ્યા છે અને આ તેમની આસ્થા દર્શાવે છે. કપલે અગાઉ પણ ઘણી વખત જાહેર મંચ પરથી સ્વીકાર્યું છે કે સફળતાના શિખરે પહોંચ્યા પછી પણ જમીન સાથે જોડાયેલા રહેવા અને માનસિક શાંતિ માટે આધ્યાત્મિકતા તેમના જીવનનો અનિવાર્ય ભાગ છે. આઈપીએલ ટ્રોફી જીત્યાના તુરંત બાદ વિરાટનું આ રીતે ગુરુ શરણે પહોંચવું એ સાબિત કરે છે કે તેમના માટે સફળતાનો અસલી જશ્ન ભક્તિ અને કળપામાં જ સમાયેલો છે.
(3:53 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
