<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 18th November 2026

એશિયામાં સૌથી વધુ ઇન્‍સ્‍ટાગ્રામ ફોલોઅર્સ ધરાવતી હસ્‍તીઓમાં વિરાટ કોહલી પ્રથમ ક્રમે

શ્રદ્ધા કપૂર, પ્રિયંકા ચોપરા, આલિયા ભટ્ટ અને કેટરિના કૈફનો પણ યાદીમાં સમાવેશ

મુંબઇ, તા. ૧૮ : ૨૦૨૬માં એશિયામાં ઇન્‍સ્‍ટાગ્રામ પર સૌથી વધુ ફોલોઅર્સ ધરાવતી હસ્‍તીઓની યાદીમાં ભારતીય ક્રિકેટર વિરાટ કોહલી પ્રથમ સ્‍થાને છે. માર્કેટિંગ માઈન્‍ડ દ્વારા પ્રકાશિત આ રેન્‍કિંગમાં વડાપ્રધાન નરેન્‍દ્ર મોદી બીજા અને બ્‍લેકપિંકની લિસા ત્રીજા ક્રમે છે. ભારતીય મનોરંજન જગતમાંથી શ્રદ્ધા કપૂર, પ્રિયંકા ચોપરા જોનાસ, આલિયા ભટ્ટ અને કેટરિના કૈફે પણ યાદીમાં સ્‍થાન મેળવ્‍યું છે. કેટરિના આશરે ૭૮,૬ મિલિયન ફોલોઅર્સ સાથે એશિયાની ટોચની ૧૦ હસ્‍તીઓમાં સામેલ છે.

બોલિવૂડની હસ્‍તીઓમાં શ્રદ્ધા કપૂર સૌથી વધુ આશરે ૯૪થી ૯૪.૭ મિલિયન ફોલોઅર્સ ધરાવે છે. ત્‍યારબાદ પ્રિયંકા ચોપરા જોનાસના ૯૨થી ૯૪.૩ મિલિયન, આલિયા ભટ્ટના ૮૫થી ૮૬.૭ મિલિયન અને દીપિકા પાદુકોણના આશરે ૮૦.૩થી ૮૦.૪ મિલિયન ફોલોઅર્સ છે. કેટરિના કૈફના ફોલોઅર્સની સંખ્‍યા અંદાજે ૭૮.૨થી ૮૦.૨ મિલિયન છે. જોકે, આ આંકડા અંદાજિત છે અને અલગ-અલગસ્ત્રોતોમાં થોડો તફાવત જોવા મળે છે.

એશિયાની ટોચની યાદીમાં બ્‍લેકપિંકના અન્‍ય સભ્‍યો જેની, રોઝી અને જિસુનો પણ સમાવેશ થાય છે. ભારતીય મનોરંજન જગતની લોકપ્રિય હસ્‍તીઓમાં નેહા કક્કર, સલમાન ખાન, જેકલીન ફર્નાન્‍ડિસ, ઉર્વશી રીતેલા અને અક્ષય કુમાર પણ સામેલ છે.

પ્રિયંકા ચોપરા જોનાસનો યાદીમાં સમાવેશ અભિનેત્રી ઉપરાંત ઉદ્યોગસાહસિક અને રોકાણકાર તરીકેની તેની વૈશ્વિક ઓળખને પણ દર્શાવે છે. તાજેતરમાં તેણે લંડનની બે મિશેલિન સ્‍ટાર ધરાવતી ભારતીય રેસ્‍ટોરાં જિમખાનાથી પ્રેરિત હોમ-ડાઇનિંગ બ્રાન્‍ડ ‘જિમખાના ફાઇન ફૂડ્‍સ'માં રોકાણ કર્યું છે. આ બ્રાન્‍ડ દ્વારા રેસ્‍ટોરાંનાં ખાસ સ્‍વાદને વિશ્વભરના ઘરો સુધી પહોંચાડવાનો પ્રયાસ કરાશે.

બીજી તરફ, કેટરિના કૈફ તાજેતરમાં વોગ ઇન્‍ડિયાનાં નવેમ્‍બર-ડિસેમ્‍બર ૨૦૨૬ના અંકના કવર પર જોવા મળી હતી. આ મેગેઝિન માટે આઠ વર્ષ બાદ તેનું પ્રથમ કવર શૂટ હતું. રિયા કપૂરનાં સ્‍ટાઇલિંગ અને અબુ જાની - સંદીપ ખોસલાના કસ્‍ટમ આઉટફિટ્‍સમાં સજ્જ કેટરિનાની આ તસવીરોમાં એક્‍ટર, આન્‍ત્રપ્રિન્‍યોર અને માતા તરીકેની તેની સફરને રજૂ કરવામાં આવી હતી.

માર્કેટિંગ માઈન્‍ડના જણાવ્‍યા અનુસાર, ક્રિકેટના મેદાનથી લઈને બોલિવૂડ, વર્લ્‍ડ મ્‍યુઝિક અને રાજકીય ક્ષેત્ર સુધીની જાણીતી હસ્‍તીઓએ ઈન્‍સ્‍ટાગ્રામ પર વિશાળ ફોલોઅર્સ વર્ગ ઊભો કર્યો છે. આ રેન્‍કિંગ એશિયામાં ભારતીય અને આંતરરાષ્‍ટ્રીય હસ્‍તીઓની ડિજિટલ લોકપ્રિયતાની ઝલક આપે છે.

(11:58 AM IST)