News of Thursday, 28th May 2026
રાધે-રાધેના નાદથી ગુંજી ઉઠ્યું વૃંદાવન: ૧૦ દિવસના વિરામ બાદ સંત પ્રેમાનંદ મહારાજે ફરી શરૂ કરી પદયાત્રા: ભક્તો ભાવુક
ખરાબ સ્વાસ્થ્ય અને કાળઝાળ ગરમીના કારણે અનિશ્ચિત સમય માટે રોકાયેલા દિવ્ય દર્શન અને પદયાત્રા ફરી શરૂ થતાં આશ્રમમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું

વૃંદાવન : વૃંદાવનના વિશ્વપ્રસિદ્ધ અને કરોડો ભક્તોની આસ્થાના કેન્દ્ર સમાન સંત પૂજ્ય પ્રેમાનંદ જી મહારાજના સ્વાસ્થ્યને લઈને ચિંતિત ભક્તો માટે આખરે ખૂબ જ રાહતના અને આનંદના સમાચાર આવ્યા છે. છેલ્લા ૧૦ દિવસથી નાદુરસ્ત તબિયતના કારણે સ્થગિત રખાયેલી મહારાજશ્રીની પરંપરાગત રાત્રિ પદયાત્રા બુધવારે ફરી એકવાર ભક્તિસભર માહોલમાં શરૂ થઈ ગઈ છે. મહારાજે જેવા કેલી કુંજ આશ્રમમાંથી બહાર પગ મૂક્યા કે તરત જ ત્યાં કલાકોથી ચાતક નજરે રાહ જોઈને ઉભેલા હજારો ભક્તો ભાવવિભોર થઈ ગયા હતા અને આખો માર્ગ 'શ્રી રાધે-રાધે' અને 'હરિબોલ'ના ગગનભેદી મંત્રોચ્ચારથી ગુંજી ઉઠ્યો હતો.
ઉલ્લેખનીય છે કે, ગત ૧૭ મેના રોજ અચાનક તબિયત બગડવાના કારણે વહીવટીતંત્ર દ્વારા મહારાજશ્રીની પદયાત્રા, એકાંત પ્રવચન અને એકાંત દર્શન આગામી આદેશ સુધી અનિશ્ચિત સમય માટે રોકી દેવામાં આવ્યા હતા. આ ઉપરાંત વૃંદાવનમાં પડી રહેલી અસહ્ય ગરમીને ધ્યાનમાં રાખીને આશ્રમ દ્વારા ભક્તોને અત્યારે વૃંદાવન ન આવવા માટે પણ નમ્ર અપીલ કરાઈ હતી. આ અચાનક બ્રેકના કારણે દેશ-વિદેશમાં વસતા તેમના કરોડો અનુયાયીઓ ભારે ચિંતામાં ડૂબી ગયા હતા અને આશ્રમ બહાર સતત તેમના સ્વાસ્થ્યની પૃચ્છા માટે લોકોની ભીડ ઉમટી રહી હતી. પરંતુ બુધવારે મહારાજશ્રી આશ્રમથી નીકળીને NRI ગ્રીન બિલ્ડિંગ સુધી લગભગ એક કિલોમીટર જેટલું પગપાળા ચાલતા ભક્તોએ ભારે રાહત અનુભવી છે.
પૂજ્ય પ્રેમાનંદ જી મહારાજ છેલ્લા ૪૦ વર્ષથી કાન્હાનગરી વૃંદાવનની પવિત્ર ધરતી પર રહીને રાધા નામનો પ્રચાર કરી રહ્યા છે. છેલ્લા પાંચ વર્ષથી તેમનો એવો કડક નિયમ રહ્યો છે કે તેઓ દરરોજ મધ્યરાત્રિએ પોતાના નિવાસસ્થાન શ્રી કૃષ્ણ શરણમથી રાધા કુંજ સુધી અંદાજે બે કિલોમીટરની પદયાત્રા કરે છે, જેમાં રસ્તાની બંને બાજુ ઉભેલા શ્રદ્ધાળુઓને તેમના દિવ્ય દર્શનનો લાભ મળે છે. હવે મહારાજશ્રીના સ્વાસ્થ્યમાં ઝડપી સુધારો થતાં અને પદયાત્રા પુનઃ શરૂ થતાં જ કાનૂગોપીઓની નગરીમાં ફરી એકવાર ઉત્સવ જેવો માહોલ છવાઈ ગયો છે અને ભક્તો હવે તેમના આગામી નિયમિત સત્સંગની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.
(9:36 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
