News of Tuesday, 30th June 2026
અમેરિકા જવા ઈચ્છો છો પણ વિઝા એપોઇન્ટમેન્ટ નથી મળતી? આ એક ભારતીય શહેરમાંથી કરો અપ્લાય, તમારો વેટિંગ પિરિયડ સીધો ૬ મહિના ઘટી જશે!
મુંબઈ-હૈદરાબાદમાં વિઝિટર વિઝા માટે ૧૦ મહિના સુધી લાંબી કતાર, જ્યારે કોલકાતામાં માત્ર ૪ મહિનામાં કામ થઈ જશે; સ્ટુડન્ટ અને વર્ક વિઝા માટે રાહ જોવાનો સમય ઘણો ઓછો

નવી દિલ્હી, તા.૩૦: જો તમે આગામી દિવસોમાં અમેરિકા (US) પ્રવાસનું આયોજન કરી રહ્યા હોવ, તો આ સમાચાર તમારા માટે માર્ગદર્શક સાબિત થઈ શકે છે. યુએસ વિઝિટર વિઝા (B1/B2) મેળવવા માંગતા ભારતીય નાગરિકોને હાલમાં દેશના અલગ-અલગ શહેરોમાં એપોઇન્ટમેન્ટ માટે ભારે વેટિંગનો સામનો કરવો પડી રહ્યો છે. જો કે, યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ સ્ટેટના તાજેતરના ડેટા અનુસાર, તમે કયા શહેરમાંથી અરજી કરો છો તેના આધારે તમારા વિઝા ઇન્ટરવ્યૂનો રાહ જોવાનો સમય મહિનાઓ સુધી ઘટી શકે છે. ભારતમાં આવેલા પાંચ યુએસ કોન્સ્યુલેટમાં એપોઇન્ટમેન્ટના સમયમાં ૬ મહિના સુધીનો મોટો તફાવત જોવા મળ્યો છે.
કોલકાતામાં સૌથી ટૂંકી કતાર, મુંબઈમાં સૌથી વધુ વેઇટિંગ!
વિઝિટર વિઝાના અરજદારો માટે હાલમાં પશ્ચિમ બંગાળનું કોલકાતા સૌથી ફાસ્ટ ટ્રેક સાબિત થઈ રહ્યું છે. અહીં સરેરાશ અને આગામી એપોઇન્ટમેન્ટ માટે માત્ર ૪ મહિના જેટલો જ સમય લાગે છે. તેની સરખામણીએ આર્થિક પાટનગર મુંબઈમાં કતાર સૌથી લાંબી છે, જ્યાં નવા અરજદારોને ઇન્ટરવ્યૂ સ્લોટ માટે અંદાજે ૯.૫ થી ૧૦ મહિના સુધી રાહ જોવી પડી શકે છે.
જાણો કયા શહેરમાં કેટલો સમય લાગશે (B1/B2 વિઝિટર વિઝા):
· કોલકાતા: ૪ મહિના
· ચેન્નાઈ: ૫.૫ મહિના
· નવી દિલ્હી: ૭.૫ થી ૮.૫ મહિના
· હૈદરાબાદ: ૯.૫ મહિના
· મુંબઈ: ૯.૫ થી ૧૦ મહિના
વિદ્યાર્થીઓ (Student) અને નોકરીયાત (Work) વિઝા માટે ગુડ ન્યૂઝ
સામાન્ય પ્રવાસીઓની સરખામણીએ વિદ્યાર્થીઓ અને કામકાજ અર્થે અમેરિકા જનારાઓ માટે રાહ જોવાનો સમય ખૂબ જ ઓછો છે. મુંબઈ, હૈદરાબાદ, ચેન્નાઈ અને કોલકાતામાં અભ્યાસ માટેના F, M અને J વિઝા માટેની એપોઇન્ટમેન્ટ માત્ર ૧.૫ મહિનામાં ઉપલબ્ધ થઈ જાય છે, જ્યારે નવી દિલ્હીમાં તેના માટે આશરે ૨ મહિના લાગે છે.
તેવી જ રીતે, રોજગાર આધારિત H, L, O, P અને Q વિઝા માટે મુંબઈ અને કોલકાતામાં માત્ર ૧.૫ મહિના, નવી દિલ્હીમાં ૨ મહિના અને હૈદરાબાદમાં ૩.૫ મહિનાનો વેટિંગ પિરિયડ ચાલી રહ્યો છે.
અરજદારો માટે ખાસ ટિપ્સ: સ્લોટ વહેલા મળી શકે છે
યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ સ્ટેટના જણાવ્યા અનુસાર, દૂતાવાસો અને કોન્સ્યુલેટ દ્વારા સમયાંતરે નિયમિત ધોરણે વધારાના સ્પેશિયલ એપોઇન્ટમેન્ટ સ્લોટ ખોલવામાં (પ્રકાશિત કરવામાં) આવે છે. તેથી, જે અરજદારોએ ઓલરેડી લાંબી તારીખનું બુકિંગ કરાવી લીધું છે, તેઓ પણ ઓફિશિયલ શેડ્યુલિંગ સિસ્ટમ લોગ-ઇન કરીને અગાઉની તારીખો ચેક કરતા રહે, જેથી વહેલો સ્લોટ મળી શકે.
આ ઉપરાંત, જે અરજદારો અગાઉ યુએસ જઈ આવ્યા છે અથવા ચોક્કસ શરતો પૂરી કરે છે, તેઓ ઇન્ટરવ્યૂ માફી (Dropbox પાત્રતા) નો લાભ લઈ શકે છે, જેનાથી તેમને ઇન્ટરવ્યૂ આપવા જવાની જરૂર નહીં રહે અને કામ ઘણું ઝડપી થઈ જશે.
(4:03 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
