News of Monday, 27th July 2026
"અમે દરેકને શોધી કાઢીશું!": પોલીસ વાન રોકીને ચર્ચામાં આવેલી મોડેલ રિયા યાદવે ટ્રોલ્સ સામે લાલ આંખ કરી; સાયબર સેલમાં નોંધાવી ફરિયાદ
ઓનલાઈન ટ્રોલિંગ અને વાંધાજનક ટિપ્પણીઓથી નારાજ થઈને મહારાષ્ટ્ર સાયબર સેલના શરણે પહોંચી મોડેલ; કહ્યું- "અભિપ્રાય વ્યક્ત કરવાનો અધિકાર છે, પણ મહિલાની ગરિમા હણવાનો નહીં"

મુંબઈ : મુંબઈમાં પેપર લીક વિરોધ પ્રદર્શન દરમિયાન રસ્તા વચ્ચે ઉભા રહીને પોલીસ વાનને રોકી સમગ્ર દેશનું ધ્યાન ખેંચનાર જાણીતી મોડેલ રિયા યાદવ હવે સોશિયલ મીડિયા પર થતા ઓનલાઈન હેરેસમેન્ટ (ટ્રોલિંગ) સામે મેદાને આવી છે. સોશિયલ મીડિયા પર પોતાની છબી ખરાબ કરવા અને વાંધાજનક ટિપ્પણીઓ કરનારાઓ સામે તેણે સોમવારે મહારાષ્ટ્ર પોલીસના સાયબર સેલમાં વ્યક્તિગત રીતે હાજર થઈને સત્તાવાર ફરિયાદ નોંધાવી છે.
"કોઈને કોઈની ગરિમા હણવાનો અધિકાર નથી"
મહારાષ્ટ્ર સાયબર સેલની ઓફિસે પહોંચેલી રિયા યાદવે મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, આંદોલન બાદ તેને લાખો લોકોનું સમર્થન મળ્યું છે પરંતુ કેટલાક તત્વો સોશિયલ મીડિયા પર તેની વિરુદ્ધ અપમાનજનક ભાષાનો ઉપયોગ કરી રહ્યા છે.
"ઘણા લોકો તમારું સમર્થન કરશે અને પ્રશંસા કરશે, જ્યારે કેટલાક તમારી વિરોધમાં પણ બોલશે. દરેકને પોતાનો અભિપ્રાય વ્યક્ત કરવાનો લોકશાહી અધિકાર છે, પરંતુ કોઈને પણ કોઈ મહિલાની ગરિમાને ઠેસ પહોંચાડવાનો, તેની છબી કલંકિત કરવાનો કે તેને જાનથી મારી નાખવાની ધમકી આપવાનો અધિકાર નથી. અમારું આંદોલન કોઈ રાજકીય પક્ષ કે ધર્મ માટે નહોતું, પરંતુ સમગ્ર દેશના વિદ્યાર્થીઓ માટે હતું."
— રિયા યાદવ (મોડેલ)
NEET વિરોધ આંદોલન અને વિવાદની પૃષ્ઠભૂમિ
ઉલ્લેખનીય છે કે NEET-UG 2026 પેપર લીક વિવાદ સામે દેશભરમાં ૩૭ દિવસ સુધી ચાલેલા આંદોલન બાદ શનિવારે કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામું આપ્યું હતું. સોનમ વાંગચુક અને વિવિધ વિદ્યાર્થી સંગઠનોના નેતૃત્વ હેઠળ જંતર-મંતર ખાતે આંદોલન ચાલતું હતું.
આ જ આંદોલન દરમિયાન દિલ્હી અને મુંબઈમાં યોજાયેલી કૂચ વખતે રિયા યાદવે આગળ આવીને પોલીસ વાનનો રસ્તો રોક્યો હતો, જેનો વિડીયો ઈન્ટરનેટ પર ભારે વાયરલ થયો હતો.
રિયા યાદવે અન્ય મહિલાઓને પણ પ્રોત્સાહિત કરતા ઉમેર્યું કે, "એક મહિલા તરીકે હું આવી પરિસ્થિતિનો સામનો કરી રહેલી તમામ મહિલાઓને કહેવા માંગુ છું કે તેઓ એકલી નથી. હું આ કાનૂની લડાઈ એટલે લડી રહી છું જેથી સાચો સંદેશ જાય કે સાચા કામ માટે અવાજ ઉઠાવનારાઓને ટ્રોલ કરીને દબાવી શકાય નહીં."
(7:23 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
