તા. ૭ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ કારતક વદ – ૨ શુક્રવાર
News of Wednesday, 18th November 2026
‘એક ભેંસ જ છે' કહેનારા પતિનો પત્નીએ ફોડયો ભાંડો!
નીકળી સાડા ૧૭ વીઘા જમીન, હવે આપવા પડશે દર મહિને ૫૪ હજાર...

સુરત,તા.૧૮: સુરતમાંથી એક ખૂબ જ ચોંકાવનારો પારિવારિક વિવાદ સામે આવ્યો છે, જ્યાં એક પત્ની પોતાની બહેનપણી સાથે મૂવી જોવા જતાં તેના પતિએ તેના પર શંકા કરીને બે બાળકો સાથે તેને ઘરની બહાર કાઢી મૂકી હતી. પતિના આ અન્યાય સામે પત્નીએ ભરણપોષણ મેળવવા માટે કોર્ટમાં કાયદાકીય લડત શરૂ કરી હતી. કોર્ટમાં કેસની સુનાવણી દરમિયાન જ્યારે પતિએ પોતાની નબળી આર્થિક સ્થિતિ દર્શાવવાનો પ્રયાસ કર્યો અને સોગંદનામામાં એવું રજૂ કર્યું કે તેની પાસે આવકનું કોઈ સાધન નથી અને માત્ર એક જ ભેંસ છે જેથી તે ભરણપોષણની રકમ ચૂકવી શકે તેમ નથી, ત્યારે પત્નીએ કરેલી અદભુત તપાસે આખો કેસ પલટી નાખ્યો હતો.
કોર્ટમાં કેસ ચાલતો હતો ત્યારે પતિએ પોતાની આવક છુપાવવા માટે એવું રજૂ કર્યું હતું કે તેની ભેંસ વધુ દૂધ આપતી નથી અને તેની કમાણી નહિવત છે. પરંતુ, અરજદાર પત્નીએ હિમત હાર્યા વગર પોતાની રીતે તપાસ ચલાવી અને પતિની વાસ્તવિક સંપત્તિના પુરાવા શોધી કાઢ્યા હતા. પત્નીએ કોર્ટમાં સાબિત કરી આપ્યું કે તેના પતિ પાસે માત્ર એક ભેંસ નહીં, પરંતુ વતનમાં સાડા સત્તર વીઘા ફળદ્રુપ જમીન, ત્રણ ભેંસો અને ગામમાં ચાર રૂમ-રસોડાનું મોટું મકાન પણ માલિકીનું છે. પત્નીની આ કડક ઉલટતપાસ સામે પતિને પણ પોતાની સંપત્તિ છુપાવ્યાની હકીકત સ્વીકારવી પડી હતી.
આ કેસની વિગતોમાં એવું પણ સામે આવ્યું હતું કે દંપતીને લગ્નજીવન દરમિયાન બે પુત્રીઓનો જન્મ થયો હતો, પરંતુ સાસરી પક્ષમાં પુત્ર મેળવવાની ઘેલછા વધુ હોવાથી પત્નીને અવારનવાર શારીરિક અને માનસિક ત્રાસ આપવામાં આવતો હતો. એપેન્ડિસની ગંભીર બીમારી હોવા છતાં અને જોખમ હોવા છતાં પત્ની પર પુત્ર પ્રાપ્તિ માટે ગર્ભ રાખવાની ફરજ પાડવામાં આવી હતી અને મંત્રેલી વસ્તુઓ પીવડાવવા જેવા ત્રાસ પણ ગુજારવામાં આવ્યા હતા. બીજી પુત્રીનો જન્મ થતાં સાસરીવાળા વધુ નારાજ થયા હતા અને પરિસ્થિતિ વધુ વણસી હતી.
(10:25 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
