તા. ૧ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૪ મંગળવાર
News of Saturday, 18th July 2026
પતિને રસ્તામાંથી હટાવવા પત્નીનું ખૂની કારસ્તાન: ૧૫ હજારમાં કરૈત સાંપ મંગાવી પથારીમાં છોડ્યો, ઊંઘમાં જ પતિનું મોત
પ્રેમી સાથે મળીને આચર્યું હૃદયદ્રાવક કાવતરું: ઇન્ટરનેટ પર સર્ચ કરીને સાંપની આદતો જાણી, બે દિવસ ભૂખ્યો રાખીને અંજામ આપ્યો હત્યાકાંડ

મેરઠ: સંબંધોને શર્મસાર કરી નાખતી એક અત્યંત ચોંકાવનારી ઘટનામાં મેરઠની એક પરિણીતાએ પોતાના પ્રેમી સાથે મળીને પતિને મોતને ઘાટ ઉતારવા માટે જે પ્લાન ઘડ્યો હતો તે જાણીને પોલીસ પણ સ્તબ્ધ થઈ ગઈ છે. પત્નીએ પોતાના પતિના માર્ગમાંથી કાયમી છુટકારો મેળવવા માટે કોઈ હથિયાર કે ઝેરનો ઉપયોગ કરવાને બદલે અત્યંત ખતરનાક અને ઝેરીલા કરૈત સાંપનો સહારો લીધો હતો. આ માટે તેણે ૧૫,૦૦૦ રૂપિયા ચૂકવીને મદારી પાસે ખાસ સાંપ મંગાવ્યો હતો.
ઈન્ટરનેટ પર સર્ચ કરી સાંપની પ્રકૃતિ સમજી
પ્રાપ્ત વિગતો અનુસાર, આરોપી પત્ની દામિની અને તેના પ્રેમી તુષારે ઘણા મહિનાઓથી પતિ અતુલ પવારની હત્યાનું ષડયંત્ર ઘડ્યું હતું. આ હત્યાને કુદરતી મોતનું સ્વરૂપ આપવા માટે દામિનીએ ઈન્ટરનેટ પર ઊંડાણપૂર્વક સર્ચ કરીને કરૈત સાંપ વિશે માહિતી મેળવી હતી. તેણે સાંપની તમામ ખાસિયતો અને તેની શિકાર કરવાની પદ્ધતિનો અભ્યાસ કર્યો હતો. દામિનીને જાણવા મળ્યું હતું કે કરૈત સાંપ ખાસ કરીને રાત્રિના સમયે સક્રિય થાય છે અને ભોજન તથા ગરમીની શોધમાં ઘરોમાં ઘૂસીને પથારીમાં સૂતેલી વ્યક્તિને જ ડંખ મારે છે.
૧૫ હજારમાં સોદો અને સાત દિવસની રાહ
યોજનાને સફળ બનાવવા માટે તુષારે ઈન્ટરનેટ પરથી કરૈત સાંપનો ફોટો ડાઉનલોડ કરીને પોતાના સાથીઓ સોનુ અને ઉદયને બતાવ્યો હતો. તેમણે મદારીને ૧૫,૦૦૦ રૂપિયાની રકમ આપીને આ ખાસ પ્રજાતિનો સાપ લાવવા કહ્યું હતું. લગભગ સાત દિવસની મહેનત બાદ મદારીએ સાપ પકડીને આ ટોળકીને સોંપ્યો હતો.
રાત્રે દૂધમાં ગોળીઓ આપી, પછી પથારી પર છોડ્યો સાપ
આ ઘટનાક્રમમાં સૌથી ક્રૂર પાસું એ હતું કે, હત્યારાઓએ સાંપને બે દિવસ સુધી ભૂખ્યો રાખ્યો હતો, જેથી તે વધુ આક્રમક બને. આયોજન મુજબ, ગુરુવારે રાત્રે દામિનીએ પોતાના પતિ અતુલને દૂધમાં ૧૦ થી ૧૨ ઊંઘની ગોળીઓ ભેળવીને પીવડાવી દીધી હતી, જેના કારણે તે ગાઢ નિદ્રામાં સરી પડ્યો હતો. ત્યારબાદ, દામિનીએ અતુલના બેડ પર તે ભૂખ્યો સાંપ છોડી દીધો હતો. રાત્રિના શાંત સમયે સાપે અતુલને ડંખ માર્યો, જેના કારણે તેનું કરુણ મોત નીપજ્યું હતું.
પોલીસ તપાસમાં ભાંડો ફૂટ્યો
અતુલ પવારના શંકાસ્પદ મોત બાદ પોલીસે જ્યારે ઝીણવટભરી તપાસ શરૂ કરી અને દામિની, તુષાર, સોનુ તથા ઉદયની અલગ-અલગ પૂછપરછ કરી, ત્યારે આ આખું ખૂની ષડયંત્ર બહાર આવ્યું હતું. આરોપીઓએ કબૂલાત કરી હતી કે પતિની હત્યા માટે સાંપથી ડંખ અપાવવો એ તેમને સૌથી સરળ અને સુરક્ષિત રસ્તો લાગ્યો હતો. હાલ પોલીસે ચારેય આરોપીઓની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
(10:55 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
