News of Sunday, 26th July 2026
નોકરી છોડ્યા બાદ પણ EPF પર વ્યાજ મળતું રહેશે? જાણો EPFOનો આ મહત્વનો નિયમ
નોકરી બદલવા કે નિવૃત્તિ બાદ ખાતામાં નવું યોગદાન બંધ થવાથી વ્યાજ બંધ થતું નથી: ૫૫ વર્ષથી વધુ ઉંમરે નિવૃત્ત થયાના ૩૬ મહિના સુધી ખાતું સક્રિય રહી વ્યાજ આપશે, પરંતુ ત્યારબાદ નિષ્ક્રિય થતાં વ્યાજ બંધ થશે

નવી દિલ્હી કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન ના લાખો નોકરીયાત સભ્યો વચ્ચે વારંવાર એક મોટો ભ્રમ જોવા મળે છે કે નોકરી છોડ્યા કે નિવૃત્ત થયા બાદ જમા રકમ પર વ્યાજ મળવાનું તરત જ બંધ થઈ જાય છે. જોકે, EPFOના સત્તાવાર નિયમો આ અંગે સંપૂર્ણપણે અલગ ચિત્ર રજૂ કરે છે. સંગઠને સ્પષ્ટ કર્યું છે કે જો કોઈ કર્મચારી નોકરી છોડી દે, કરિયરમાં બ્રેક લે કે અમુક સમય માટે બેરોજગાર રહે, તો પણ તેના EPF ખાતામાં જમા થયેલી કુલ સિલક (બેલેન્સ) પર વાર્ષિક વ્યાજ મળવાનું ચાલુ જ રહે છે. યોગદાન અટકવાથી વ્યાજ અટકતું નથી, જેનાથી નોકરી બદલનારા લાખો કર્મચારીઓને મોટો આર્થિક લાભ થાય છે.
EPFO ના નિયમો અનુસાર વ્યાજ બંધ થવાનો સમયગાળો વ્યક્તિની ઉંમર અને નિવૃત્તિ પર આધાર રાખે છે. જો કોઈ કર્મચારી ૫૫ વર્ષ કે તેથી વધુ ઉંમરે નિવૃત્ત થાય છે, તો તેના EPF ખાતાને નિવૃત્તિની તારીખથી આગામી ૩૬ મહિના (એટલે કે ત્રણ વર્ષ) સુધી સંપૂર્ણ સક્રિય ગણવામાં આવે છે. આ ૩૬ મહિના દરમિયાન ખાતામાં પડેલી પૂરી રકમ પર નિયમિત વ્યાજ ઉમેરાતું રહે છે. જો આ સમયગાળામાં સભ્ય પોતાની રકમ ઉપાડે નહીં કે સેટલમેન્ટ ન કરે, તો ૩ વર્ષ પૂરા થયા બાદ તે ખાતાને "નિષ્ક્રિય" (Inoperative) જાહેર કરવામાં આવે છે અને ત્યારબાદ જ વ્યાજ ચૂકવવાનું બંધ થાય છે.
કોઈપણ ખાતું નિષ્ક્રિય જાહેર થાય ત્યારે પણ કર્મચારીની મૂળ જમા રકમ (પ્રિન્સિપલ એમાઉન્ટ) EPFO પાસે સંપૂર્ણપણે સુરક્ષિત રહે છે, જેને સભ્ય ગમે ત્યારે નિયમ મુજબ ઉપાડી શકે છે. નાણાકીય નિષ્ણાતો સલાહ આપે છે કે નવી નોકરી શરૂ કરતી વખતે જૂના EPF ખાતાને UAN (યુનિવર્સલ એકાઉન્ટ નંબર) દ્વારા નવા એમ્પ્લોયર સાથે ટ્રાન્સફર કરી લેવું જોઈએ, જેથી ચક્રવૃદ્ધિ વ્યાજનો લાભ ચાલુ રહે. નિવૃત્તિ બાદ પણ વ્યાજનું નુકસાન ટાળવા માટે સમયસર દાવો રજૂ કરવો હિતાવહ છે, જેથી પોતપોતાના નિવૃત્તિ ભંડોળનું શ્રેષ્ઠ સંચાલન કરી શકાય.
(10:12 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
