News of Monday, 5th October 2026
શું નવી ‘મહામારી' આવશે? લેબથી નીકળ્યો કોરોનાનો ‘ભાઈ'
રૂસમાં વુહાન જેવી ઘટનાઃ રહસ્યમય સંક્રમણથી ૨૮ વર્ષની સંશોધકનું મોતઃ અનેક લોકો ક્વોરન્ટાઈન : રશિયામાં જે ઈન્ફેક્શન ઉપસ્યુ છે તેની ઓળખ પણ થઈ નથી ૨૦૦ લોકોને તબીબી દેખરેખ હેઠળ રખાયા

મોસ્કો,તા.૫: રશિયાના સાઇબેરિયા વિસ્તારમાં આવેલી એક લેબ સાથે જોડાયેલી કથિત સંક્રમણની ઘટનાએ ચિતા વધારી છે. ઇરકુત્સ્ક એન્ટી-પ્લેગ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટની ૨૮ વર્ષની સંશોધકનું ગંભીર ન્યુમોનિયા બાદ મોત થયું છે અને તેમના સંપર્કમાં આવેલા લગભગ ૨૦૦ લોકોની તબીબી દેખરેખ રાખવામાં આવી રહી છે. ટેસ્ટ ટ્યુબ તૂટવાથી ખતરનાક બેક્ટેરિયાના સંપર્કમાં આવ્યાની વાત રશિયન મીડિયા અહેવાલોમાં સામે આવી છે, પરંતુ આ ઘટનાની સત્તાવાર પુષ્ટિ થઈ નથી. રશિયાની Rospotrebnadzor એજન્સી આ મામલાની તપાસ કરી રહી છે અને હાલ ઇરકુત્સ્ક વિસ્તારમાં સ્વાસ્થ્ય સ્થિતિ સ્થિર હોવાનું કહેવામાં આવ્યું છે.
મીડિયા રિપોર્ટ્સમાં મૃતક મહિલાની ઓળખ દર્યા શિપિલોવા તરીકે કરવામાં આવી છે. તેને ૨૯ સપ્ટેમ્બરે ગંભીર ન્યુમોનિયાના કારણે હોસ્પિટલમાં દાખલ કરાઈ હતી અને વેન્ટિલેટર પર રાખવામાં આવી હતી. જોકે, તેના બે દિવસની અંદર જ તેનું મોત થયું હતું. અહેવાલો અનુસાર, તેણે ડોક્ટરોને જણાવ્યું હતું કે, જીવંત બેક્ટેરિયા ધરાવતી એક ટેસ્ટ ટ્યુબ તેની પાસેથી તૂટી ગઈ હતી. કેટલાક રિપોર્ટ્સમાં આ ઘટનાને Yersinia pestis એટલે કે પ્લેગ પેદા કરતા બેક્ટેરિયા સાથે પણ જોડવામાં આવી છે. જોકે, રશિયન આરોગ્ય અધિકારીઓએ ટેસ્ટ ટ્યુબ તૂટવાની ઘટના અથવા તેમના મોતનું કારણ પ્લેગ હોવાની વાત સત્તાવાર રીતે સ્વીકારી નથી
ઘટના સામે આવ્યા બાદ મૃતકના સંપર્કમાં આવેલા લોકોની ઓળખ કરવાની પ્રક્રિયા ઝડપથી શરૂ કરવામાં આવી હતી. અહેવાલો અનુસાર, લગભગ ૨૦૦ લોકોને મેડિકલ ઓબ્ઝર્વેશન હેઠળ અને કેટલાક લોકોને હોસ્પિટલોમાં આઇસોલેશનમાં રાખવામાં આવ્યા છે. તંત્રના જણાવ્યા મુજબ, મહિલાના સંપર્કમાં આવેલા તમામ લોકો મેડિકલ ઓબ્ઝર્વેશન હેઠળ છે અને અત્યાર સુધી તેમનામાં કોઈ લક્ષણ જોવા મળ્યા નથી તથા ટેસ્ટ નેગેટિવ આવ્યા છે.
બુરિયાતિયાના વડા અલેક્સેઈ ત્સિદેનોવે શરૂઆતમાં મહિલાના મોતને પ્લેગ સાથે જોડતી વાત કરી હતી, પરંતુ અન્ય રશિયન આરોગ્ય અધિકારીઓએ આ અંગે વધુ સાવચેતીભર્યું વલણ અપનાવ્યું છે. Rospotrebnadzor તરફથી જણાવાયું છે કે મહિલાનું નિદાન ‘‘અજ્ઞાત કારણના ન્યુમોનિયા'' તરીકે થયું હતું અને ઇરકુત્સ્ક વિસ્તારની સ્વાસ્થ્ય સ્થિતિ સ્થિર છે. એજન્સીએ એવું પણ કહ્યું છે કે સંસ્થામાં પેથોજેનિક માઇક્રોઓર્ગેનિઝમ સાથે જોડાયેલી કોઈ દુર્ઘટના નોંધાઈ નથી
નોંધનીય છે કે, આ સંસ્થા ખતરનાક ચેપી બીમારીઓના સંશોધન અને દેખરેખ સાથે જોડાયેલી હોવાથી મામલો વધુ સંવેદનશીલ બની ગયો છે. ટેસ્ટ ટ્યુબ તૂટવાની ઘટનાની વાત સ્વતંત્ર રશિયન મીડિયા રિપોર્ટ્સમાં સામે આવી છે, પરંતુ તેની સત્તાવાર પુષ્ટિ નથી. આ વિસંગત અહેવાલોને કારણે સોશિયલ મીડિયા પર અનેક અટકળો શરૂ થઈ છે. આ ઉપરાંત ઘણાં યુઝર્સ આ ઘટનાની સરખામણી કોવિડ-૧૯ના ઉદ્વવ સાથે કરી રહ્યા છે. જોકે, હાલ આવા દાવાઓને સમર્થન આપતો વિશ્વસનીય પુરાવો સામે આવ્યો નથી
(9:54 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
