News of Friday, 3rd July 2026
ભાજપની નવી સેન્ટ્રલ ટીમમાં થશે મોટા ફેરબદલ ?
ગૃહમંત્રી શાહ અને નિતીન નવીન વચ્ચે ૩ કલાક ચાલી મેરેથોન બેઠક

નવી દિલ્હી તા.૩: ભારતીય જનતા પાર્ટીની કેન્દ્રીય ટીમ અને સંગઠનમાં મોટા પાયે ફેરબદલની ચર્ચાઓ વચ્ચે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નિતિન નવીને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરી હતી. અહેવાલ મુજબ અમિત શાહના નિવાસસ્થાને યોજાયેલી આ ઉચ્ચ સ્તરીય બેઠકમાં ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ બી.એલ. સંતોષ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ મહત્વપૂર્ણ બેઠક આશરે ૩ કલાક સુધી ચાલી હતી.
જો કે, આ બેઠક અંગે પક્ષ તરફથી કોઈ સત્તાવાર માહિતી જાહેર કરવામાં આવી નથી, પરંતુ સૂત્રોના જણાવ્યા અનુસાર મીટિગમાં અનેક સંગઠનાત્મક મુદ્દાઓ પર વિગતવાર ચર્ચા થઈ હતી, જેમાં ભાજપના રાષ્ટ્રીય પદાધિકારીઓની નવી ટીમની જાહેરાત મુખ્ય છે. સૂત્રોએ જણાવ્યું કે, પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષ બનેલા નિતિન નવીનના નેતૃત્વવાળી ભાજપની આ નવી સેન્ટ્રલ ટીમમાં અનુભવી વરિષ્ઠ નેતાઓ અને ઉર્જાવાન યુવા નેતાઓ બંનેને સપ્રમાણ સ્થાન આપવામાં આવે તેવી પૂરેપૂરી સંભાવના છે.
બેઠકમાં એવું પણ સૂચન કરવામાં આવ્યું છે કે સરકારમાં (મંત્રી પદો પર) બેઠેલા કેટલાક વરિષ્ઠ નેતાઓને ફરીથી સંગઠનમાં મોકલી શકાય છે અને તેમને પક્ષના કામકાજમાં મહત્વની જવાબદારીઓ સોંપવામાં આવી શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, ભાજપની આ નવી સેન્ટ્રલ ટીમમાં સામેલ થનારા સંભવિત નેતાઓના નામોની જાહેરાત ટૂંક સમયમાં જ કરવામાં આવશે.
ભાજપ ઉત્તર પ્રદેશ સહિત દેશના કેટલાક રાજ્યોની આગામી વિધાનસભા ચૂંટણીઓ પહેલાં સંગઠનાત્મક સ્તરે પોતાની તૈયારીઓને આખરી ઓપ આપવામાં વ્યસ્ત છે. ઉત્તર પ્રદેશમાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ પંકજ ચૌધરીની નવી ટીમની રચના થઈ ચૂકી છે અને તેઓ પોતાની બ્રિગેડ સાથે રાજકીય વ્યુહરચના ગોઠવવામાં લાગી ગયા છે. બીજી તરફ, યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ અલગ-અલગ વિસ્તારોની મુલાકાત લઈને પક્ષની તરફેણમાં રાજકીય માહોલ મજબૂત બનાવવામાં વ્યસ્ત છે.
(9:46 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
