News of Saturday, 21st November 2026
અમેરિકામાં સિટી કમિશનરની ચૂંટણીનો વિજેતા સિક્કો ઉછાળીને નક્કી થયો: બંને ઉમેદવારોને એકસરખા ૩૧૬૨ મત મળ્યા : બે ટોસ જીતી જેનિફર લાગ્નરે ચૂંટણી જીતી લીધી

ફ્લોરિડા, તા. ૨૧ : અમેરિકાના ફ્લોરિડા રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો પરિણામ નક્કી કરવા માટે સિક્કો ઉછાળવો પડ્યો હોવાનો અત્યંત રસપ્રદ બનાવ સામે આવ્યો છે.
ફ્લોરિડાના એટલાન્ટિક બીચ શહેરમાં સિટી કમિશનરની બેઠક માટે જેનિફર લાગ્નર અને લિસા હેરોલ્ડ વચ્ચે ચૂંટણી યોજાઈ હતી. ૩ નવેમ્બરે યોજાયેલી ચૂંટણીમાં બંને ઉમેદવારોને એકસરખા ૩૧૬૨ મત મળ્યા હતા.
ફરી મતગણતરી કરવામાં આવી હોવા છતાં બંનેના મતોની સંખ્યા સરખી રહી હતી. આખરે ફ્લોરિડાના કાયદા પ્રમાણે સિક્કો ઉછાળીને વિજેતા નક્કી કરવાનો નિર્ણય લેવાયો હતો.
૧૩ નવેમ્બરે ચૂંટણી અધિકારીઓની હાજરીમાં ત્રણમાંથી બે ટોસ જીતનારને વિજેતા જાહેર કરવાની વ્યવસ્થા કરાઈ હતી. જેનિફર લાગ્નરે પ્રથમ બંને ટોસ જીતતાં ત્રીજા ટોસની જરૂર પડી નહોતી.
આખી પ્રક્રિયા લગભગ ૨૦ સેકન્ડમાં પૂર્ણ થઈ ગઈ હતી. આમ હજારો મતદારોના મતદાન બાદ ચૂંટણીનો અંતિમ નિર્ણય સિક્કાના બે ટોસથી આવ્યો હતો. આ ઘટનાએ અમેરિકાની ચૂંટણી વ્યવસ્થા અંગે ભારે કુતૂહલ જગાવ્યું છે.
(9:42 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
