તા. ૧૬ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૭ સોમવાર
News of Monday, 16th November 2026
શિયાળુ સત્રડિસેમ્બરના પ્રારંભે, મહિલા અનામતબિલ પ્રાથમિકતા
સીમાંકન મુદ્દે દક્ષિણનાં રાજ્યોની ચિતા દૂર કરવા તમામ રાજ્યોમાં બેઠકો ૫૦% વધારવાની ફોર્મ્યુલા : બિલ પસાર કરવા લોકસભામાં ૩૬૧ મતની જરૂર, NDA પાસે ૩૨૦ સાંસદો હોવાથી વિપક્ષના ટેકાની જરૂર

નવી દિલ્હી,તા.૧૬: સંસદના શિયાળુ સત્રનો ડિસેમ્બરના પ્રથમ સપ્તાહમાં પ્રારંભ થવાની ધારણા છે. આ સત્રમાં સીમાંકન સાથે જોડાયેલું મહિલા અનામત બિલ સરકારની ટોચની પ્રાથમિક્તા બની શકે છે. સરકાર સીમાંકન મુદ્દે દક્ષિણનાં રાજ્યોની ચિતા દૂર કરવા તમામ રાજ્યોમાં લોક્સભાની બેઠકો ૫૦ ટકા વધારવાની ફોર્મ્યુલા પર વિચારણા કરી રહી છે.
સરકાર બંધારણ સુધારા ખરડાને પસાર કરાવવા માગે છે. આ ખરડા હેઠળ સીમાંકન દ્વારા લોકસભાની વર્તમાન ૫૪૩ બેઠકો વધારીને મહત્તમ ૮૫૦ કરવાની દરખાસ્ત છે. આની સાથે ૨૦૨૯ની લોકસભા ચૂંટણી પહેલાં સંસદ અને રાજ્ય વિધાનસભાઓમાં મહિલાઓ માટે ૩૩ ટકા અનામત લાગુ કરવાનો માર્ગ મોકળો થશે.
સૂત્રોએ જણાવ્યું હતું કે સરકારના ઉચ્ચ સ્તરે સત્રની સંભવિત તારીખો અંગે ચર્ચા થઈછે અને ડિસેમ્બરનું પ્રથમ સપ્તાહ સત્ર માટે સંભવિત સમયગાળો માનવામાં આવી રહ્યો છે. જોકે આ મહત્ત્વપૂર્ણ ખરડો પસાર કરાવવા માટે જરૂરી સંખ્યાબળ હાંસલ કરવાનું સરકાર માટે પડકારરૂપ બની શકે છે. બંધારણ સુધારા ખરડાને લોકસભામાં પસાર કરાવવા માટે બે તૃતીયાંશ બહુમતી એટલે કે વર્તમાન ૫૪૩ બેઠકોના આધારે ૩૬૧ સભ્યોના સમર્થનની જરૂર છે. ત્રણ બેઠકો ખાલી હોવાથી હાલમાં લોકસભામાં ૫૪૦ સભ્યો છે.
સત્તાધારી એનડીએ પાસે ૩૨૦ સભ્યો છે. તેથી જરૂરી બહુમતી મેળવવા માટે તેને વિરોધ પક્ષોના સમર્થનની જરૂર પડશે. રાજકીય પડકાર માત્ર સંખ્યાબળ પૂરતો મર્યાદિત નથી. SIR સામે વિરોધ પક્ષોએ પોતાનું આંદોલન તેજ કર્યું છે. વિપક્ષ આ મુદ્દે સંસદમાં પણ વિરોધ પ્રદર્શન કરે તેવી શક્યતા છે, જેના કારણે સત્રમાં ભારે હોબાળો થઈ શકે છે.
જોકે સરકાર જરૂરી સંખ્યાબળ મેળવવા અંગે આશાવાદી છે. એક વરિષ્ઠ અધિકારીએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે આ ખરડો ૧૫થી ૧૮ મતની સરસાઈથી પસાર થઈ જશે. દરમિયાન સરકારે ચોમાસુ સત્રને ઔપચારિક રીતે સમાપ્ત કર્યા વગર ચાલુ રાખવાનો નિર્ણય લીધો હોવાથી આગામી સત્રના સમય અને આયોજન અંગેની અટકળો વધુ તેજ બની છે.
સંસદનું ચોમાસુ સત્ર ૧૩ ઓગસ્ટે અનિヘતિ સમય માટે મુલતવી રખાયું હતુ. આ પછી ૯૪ દિવસ વીતી ગયા હોવા છતાં તેને ઔપચારિક રીતે સમાપ્ત કરાયું નથી. આનાથી બંધારણ સુધારા ખરડા પર ચર્ચા કરવા માટે ટૂંકી સૂચનાથી વર્તમાન સત્રને લંબાવવાની અથવા વિશેષ બેઠક બોલાવવાની શક્યતા ખુલ્લી રહી છે.
(9:53 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
