News of Sunday, 19th April 2026
દુનિયા પર મંડરાતું આર્થિક સંકટ: ‘બંદૂક’ ખરીદવી કે ‘માખણ’? IMF એ સરકારોને આપી મોટી ચેતવણી, યુદ્ધ પાછળના આંધળા ખર્ચા સામાજિક સુરક્ષાને ગળી જશે!
વૈશ્વિક અસ્થિરતા વચ્ચે સરકારોની વધી મૂંઝવણ: રશિયા-યુક્રેન અને ઈઝરાયેલ સંઘર્ષના કારણે સંરક્ષણ બજેટમાં તોતિંગ વધારો, આરોગ્ય અને શિક્ષણ જેવી પાયાની જરૂરિયાતો પર કાતર ફરે તેવો ભય - ઇતિહાસના પાના પરથી બોધ લેવા અપીલ

નવી દિલ્હી | તા.18: વિશ્વ અત્યારે એક એવા ખતરનાક વળાંક પર ઉભું છે જ્યાં શાંતિ અને સમૃદ્ધિ વચ્ચે શસ્ત્રોનો અવાજ વધુ ગાજી રહ્યો છે. રશિયા-યુક્રેન હોય કે પશ્ચિમ એશિયાનો તણાવ, વધતી જતી ભૌગોલિક રાજકીય અસ્થિરતાએ સરકારો સામે એક નવી આર્થિક મૂંઝવણ ઉભી કરી છે, જેને અર્થશાસ્ત્રની ભાષામાં "બંદૂકો વિરુદ્ધ માખણ" (Guns vs Butter) તરીકે ઓળખવામાં આવે છે. આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળ (IMF) એ ચેતવણી આપી છે કે જો દેશો આ રીતે શસ્ત્રો પાછળ ખર્ચ વધારશે, તો સામાન્ય જનતાના કલ્યાણ માટેના સામાજિક કાર્યક્રમો ઠપ્પ થઈ જશે.
શસ્ત્રોનું વેચાણ બમણું, સામાજિક સુરક્ષા જોખમમાં
IMF ના નવીનતમ રિપોર્ટ અનુસાર, છેલ્લા બે દાયકામાં વિશ્વની મોટી સંરક્ષણ કંપનીઓ દ્વારા શસ્ત્રોનું વેચાણ વાસ્તવિક રીતે બમણું થઈ ગયું છે. વિશ્વના લગભગ અડધા દેશોએ પોતાના લશ્કરી બજેટમાં ધરખમ વધારો કર્યો છે. ચિંતાની વાત એ છે કે આ વધારાની સીધી અસર ગરીબ અને મધ્યમ વર્ગના લોકો પર પડશે, કારણ કે સરકારો પાસે મર્યાદિત બજેટ હોવાથી તેઓ આરોગ્ય અને શિક્ષણ જેવી જીવનરક્ષક સુવિધાઓમાં કાપ મૂકવા મજબૂર બનશે.
દેવાનો બોજ અને વિકાસ સહાયમાં ઘટાડો
વિશ્વ બેંકના પ્રમુખ અજય બંગાએ પણ આ વલણ સામે ચિંતા વ્યક્ત કરી છે. વિકસિત દેશો હવે ગરીબ દેશોને અપાતી વિકાસ સહાયમાં કાપ મૂકી રહ્યા છે અને તે ભંડોળ પોતાના સંરક્ષણ બજેટમાં વાપરી રહ્યા છે. IMF ના વિશ્લેષણ મુજબ, ઇતિહાસ સાક્ષી છે કે જ્યારે પણ સંરક્ષણ ખર્ચ વધે છે, ત્યારે દેશનું દેવું આસમાને પહોંચે છે અને રાજકોષીય સંતુલન ખોરવાઈ જાય છે. યુરોપિયન યુનિયનનો સંરક્ષણ ખર્ચ 2025 સુધીમાં 381 અબજ યુરો પર પહોંચવાનો અંદાજ છે, જે 2020 ની સરખામણીએ 63% વધુ છે.
બદલાતી યુદ્ધ પદ્ધતિ અને રોજગારીનો તર્ક
બીજી તરફ, સરકારો આ ખર્ચને વ્યાજબી ઠેરવવા માટે 'નેશનલ સિક્યુરિટી' અને સ્થાનિક રોજગારીનો તર્ક આપી રહી છે. ફ્રેન્ચ નાણામંત્રી રોલેન્ડ લેસ્ક્યુરના મતે, સંરક્ષણ ખર્ચ "ડબલ ડિવિડન્ડ" આપી શકે છે - એક તરફ દેશ સુરક્ષિત બને છે અને બીજી તરફ સ્થાનિક સંરક્ષણ ઉદ્યોગોમાં રોજગારી વધે છે. ડ્રોન અને સાયબર વોરફેર જેવી નવી પદ્ધતિઓએ સરકારોને જૂની રણનીતિઓ પર પુનર્વિચાર કરવા મજબૂર કરી છે.
જો કે, સવાલ એ જ રહે છે કે બંદૂકોના આ બજારમાં શું સામાન્ય માણસનું 'માખણ' (ખોરાક અને કલ્યાણ) સુરક્ષિત રહેશે? IMF ની આ ચેતવણી દુનિયાના નેતાઓ માટે લાલ બત્તી સમાન છે.
(12:37 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
