News of Saturday, 28th November 2026
વડોદરામાં દ્વારકેશલાલજી મહારાજના ૬૦માં જન્મદિને વિશ્વ કલ્યાણ મહોત્સવ યોજાયો, અમિતભાઈ શાહે વર્ચ્યુઅલ સંબોધન કર્યું અને શુભેચ્છા પાઠવી
વલ્લભાચાર્યના જન્મસ્થળના વિકાસ માટે કેન્દ્ર સરકારે ૭૩ કરોડની જાહેરાત કરી, છત્તીસગઢ સરકાર ૨૫ કરોડ ઉમેરશે, મહારાજશ્રીની સેવા અને વિદ્વત્તાની પ્રશંસા કરાઈ

વડોદરા : ષષ્ઠપિઠાધીશ્વર પરમ પૂજ્ય ગોસ્વામી ૧૦૮ શ્રી દ્વારકેશલાલજી મહારાજના ૬૦માં જન્મદિન પર વડોદરા ખાતે આયોજિત વિશ્વ કલ્યાણ મહોત્સવને કેન્દ્રીય ગૃહ તેમજ સહકાર મંત્રી અમિતભાઈ શાહે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી સંબોધિત કર્યો હતો. ગાંધીનગર લોકસભા ક્ષેત્રના સાંસદ શાહે મહારાજશ્રીના ચરણોમાં વંદન કરીને સંબોધનની શરૂઆત કરી હતી. પૂજ્ય મહારાજશ્રીની છઠ્ઠી જન્મજયંતિ સમગ્ર વલ્લભ સંપ્રદાય માટે ખૂબ જ આનંદ અને ગર્વની ક્ષણ છે, તેમ તેમણે જણાવ્યું હતું.
શાહે જણાવ્યું હતું કે ષષ્ઠીપૂર્તિ મહોત્સવ વલ્લભકુળના તમામ અનુયાયીઓ માટે અત્યંત ગૌરવપૂર્ણ અને આનંદદાયી અવસર છે. સનાતન સંસ્કૃતિમાં ૬૦ વર્ષ પૂર્ણ થવા એ માત્ર આયુષ્યનો એક પડાવ નથી, પરંતુ તેનું વિશેષ આધ્યાત્મિક અને ધાર્મિક મહત્ત્વ રહેલું છે. સનાતન પંચાંગ અનુસાર ૬૦ સંવત્સરોનું એક પૂર્ણ ચક્ર હોય છે. જ્યારે કોઈ સાધક, આચાર્ય કે મહાપુરુષ પોતાના જીવનમાં આ ચક્ર પૂર્ણ કરે છે, ત્યારે તેમના દ્વારા સમાજમાં પ્રસ્થાપિત થયેલી આધ્યાત્મિક ચેતના, દિવ્ય આભા અને સંસ્કારપરંપરા સમગ્ર સમાજ માટે કલ્યાણકારી સાબિત થાય છે.
શાહે વધુમાં જણાવ્યું હતું કે શ્રીમદ્ વલ્લભાચાર્ય મહાપ્રભુજીની વંશપરંપરાની ૧૪મી પેઢી તથા ગુસાંઈજી મહારાજના ષષ્ઠ પુત્ર શ્રી યદુનાથજીની પરંપરાના તેરમા તિલકાયત તરીકે દ્વારકેશલાલજી મહારાજશ્રીએ માત્ર વલ્લભકુળના અનુયાયીઓમાં જ નહીં, પરંતુ સમગ્ર હિન્દુ સમાજના યુવાનોમાં પણ પંથ, સંપ્રદાય અને હિન્દુત્વ પ્રત્યે વિશેષ આકર્ષણ અને શ્રદ્ધાભાવ પ્રસ્થાપિત કરવાનું પ્રશંસનીય કાર્ય કર્યું છે. કાશી અને વૃંદાવન જેવી પવિત્ર વિદ્યાનગરીઓમાં સંસ્કૃત, વેદાંત, સાહિત્ય, ન્યાયશાસ્ત્ર અને મીમાંસા જેવા વિષયોનું ગહન અધ્યયન કરી તેમણે આચાર્યની ઉપાધિ પ્રાપ્ત કરી છે. સંસ્કૃત ઉપરાંત ગુજરાતી, હિન્દી, અંગ્રેજી, વ્રજભાષા, મેવાડી અને ઉર્દૂ સહિતની અનેક ભાષાઓ પર તેમનું વિશેષ પ્રભુત્વ છે.
વૈષ્ણવ ઇનરફેથ પુષ્ટિમાર્ગીય સંગઠન દ્વારા મહારાજશ્રીએ સમાજના ગરીબ અને જરૂરિયાતમંદોની સેવાને જ પોતાના જીવનનું વ્રત બનાવ્યું હોવાનું શાહે જણાવ્યું હતું. તેમણે શ્રીમદ્ વલ્લભાચાર્યના દુનિયા સાચી છે, મિથ્યા નથી ના સંદેશ અને પુષ્ટિમાર્ગના સારનો જનજન સુધી ફેલાવો કર્યો છે. મહાપ્રભુજીના ૮૪ તીર્થસ્થાનો પર પઠન, પ્રવચન અને માર્ગદર્શનના માધ્યમથી તેમણે રાષ્ટ્રીય એકતા, સામાજિક સમરસતા અને આધ્યાત્મિક જાગૃતિનો સંદેશ પ્રસરાવ્યો છે. દેશભરમાં ૮૪ સ્થળોએ ભાગવત પ્રવચનો દ્વારા સ્થાપિત ૮૪ બૈઠકજી અને મહાપ્રભુજી દ્વારા લખાયેલ ષોડશ ગ્રંથ એ રાષ્ટ્રીય એકતા અને શાશ્વત પરંપરા બંનેને મજબૂત બનાવી છે.
શાહે જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની કેન્દ્ર સરકારે શ્રીમદ્ વલ્લભાચાર્યના જન્મસ્થળના વિકાસ માટે ૭૩ કરોડ રૂપિયાની જાહેરાત કરી છે, જેમાં છત્તીસગઢ સરકાર ૨૫ કરોડ રૂપિયા ઉમેરશે. મહાપ્રભુજી પ્રાગટ્ય બેઠક ટ્રસ્ટના માધ્યમથી ૧૫ એકર જમીનના ક્ષેત્રફળમાં વિકાસકાર્યો હાથ ધરવામાં આવશે. આ પહેલ મહાપ્રભુજીની ગૌરવશાળી પરંપરા અને આધ્યાત્મિક વારસાને નવી ઊંચાઈ પ્રદાન કરવાની દિશામાં મહત્ત્વપૂર્ણ પગલું સાબિત થશે.
સંબોધનના અંતે શાહે મહારાજશ્રીના ચરણોમાં ભાવપૂર્વક વંદન કરી ષષ્ઠીપૂર્તિ મહોત્સવની શુભેચ્છાઓ પાઠવી હતી અને આ પાવન અવસરની સફળતા માટે મંગલકામનાઓ વ્યક્ત કરી હતી. આ પ્રસંગે પૂ.શ્રી આશ્રય કુમારજી, પૂ.શ્રી શરણમ કુમાર મહારાજ સહિત મહારાજશ્રીના અનુયાયીઓ અને વિશાળ સંખ્યામાં વલ્લભ ભક્તો ઉપસ્થિત રહ્યા હતા.
(8:54 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
