<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 7th May 2026

યમુના નદીના મોજાં કાળ બન્યા: યુપીમાં નાવડી પલટી જતાં ૪ માસૂમ બાળકો સહિત ૫ ના કરુણ મોત, એક ફોન કોલ અને બેદરકારીએ ઉજાડ્યું હસતું-રમતું ઘર!

તરબૂચ ખાવા ગયેલા ગ્રામજનો પર કાળનો પંજો: નાવિક મોબાઈલ પર વાત કરવામાં મશગૂલ થયો અને સંતુલન ખોરવાયું, NDRF અને SDRF ની ટીમો દ્વારા લાપતા બાળકની શોધખોળ તેજ

લખનૌ : ઉત્તર પ્રદેશના હમીરપુર જિલ્લામાંથી એક અત્યંત હૃદયદ્રાવક સમાચાર સામે આવ્યા છે. અહીં યમુના નદીમાં નવ લોકોથી ભરેલી એક નાવડી પલટી જતાં ચાર બાળકો સહિત પાંચ લોકોના ડૂબી જવાથી કરુણ મોત નીપજ્યા છે. આ દુર્ઘટના બુધવારે મોડી સાંજે ભૌલી ગામ પાસે સર્જાઈ હતી, જેણે સમગ્ર પંથકમાં અરેરાટી ફેલાવી દીધી છે.
તરબૂચની મજા સજામાં ફેરવાઈ
મળતી માહિતી મુજબ, ગામના કેટલાક લોકો નદીના સામેના કાંઠે તરબૂચ ખાવા માટે ગયા હતા. મોજ-મસ્તી કરીને પરત ફરી રહ્યા હતા ત્યારે નદીની અધવચ્ચે જ નાવડી પલટી ગઈ હતી. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, જ્યારે નાવડી નદીની વચ્ચે હતી ત્યારે નાવિકના મોબાઈલ પર એક ફોન આવ્યો હતો. નાવિક ફોન પર વાત કરવામાં એટલો મશગૂલ થઈ ગયો કે તેણે નાવડી પરથી કાબૂ ગુમાવ્યો અને જોતજોતામાં નાવડી પાણીમાં ગરકાવ થઈ ગઈ.
એક માસૂમ હજુ પણ લાપતા
નાવડીમાં કુલ નવ લોકો સવાર હતા. જેમાંથી બે લોકોને સ્થાનિક તરવૈયાઓએ બચાવી લીધા હતા, જ્યારે નાવિક પોતે પણ તરીને બહાર નીકળી ગયો હતો. જોકે, અન્ય પાંચ કમનસીબ લોકોના જીવ ગયા છે. અત્યાર સુધીમાં નદીમાંથી ચાર મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા છે, જ્યારે ૧૧ વર્ષના એક માસૂમ બાળકની હજુ સુધી કોઈ ભાળ મળી નથી. વહીવટીતંત્ર દ્વારા NDRF અને SDRF ની ટીમોને બચાવ કામગીરીમાં લગાડવામાં આવી છે.
ગામમાં માતમનો માહોલ
દુર્ઘટનાની જાણ થતા જ ઉચ્ચ અધિકારીઓ કાફલા સાથે ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. મૃતકોમાં બાળકોની સંખ્યા વધુ હોવાથી ગામમાં અને પરિવારોમાં ભારે આક્રંદ જોવા મળી રહ્યો છે. જિલ્લા વહીવટીતંત્ર દ્વારા ડૂબી ગયેલા બાળકની શોધ માટે ગોતાખોરોની મદદ લેવામાં આવી રહી છે. એક નાની બેદરકારી કેવી રીતે જીવલેણ સાબિત થઈ શકે છે, તેનો આ કિસ્સો સૌના હૃદય હચમચાવી રહ્યો છે.

(9:15 PM IST)