<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 11th May 2026

બંગાળમાં 'યોગી મોડેલ'ની એન્ટ્રી? સુવેન્દુ અધિકારીના ભગવા લુક અને કડક વલણે મચાવી સનસનાટી!

રાજકીય ગલિયારાઓમાં ચર્ચા: શું મુખ્યમંત્રી સુવેન્દુ અધિકારી ઉત્તર પ્રદેશની તર્જ પર પશ્ચિમ બંગાળમાં વહીવટી પરિવર્તન લાવશે? સચિવાલય 'નબન્ના' માંથી વાયરલ થયેલી તસવીરોએ રાજ્યમાં નવા યુગના સંકેત આપ્યા

કોલકાતા:  પશ્ચિમ બંગાળના રાજકારણમાં અત્યારે એક અલગ જ વળાંક જોવા મળી રહ્યો છે. મુખ્યમંત્રી પદના શપથ લીધા બાદ સુવેન્દુ અધિકારી જે અંદાજમાં વહીવટી કાર્ય કરી રહ્યા છે, તે જોતા સ્પષ્ટ લાગે છે કે તેઓ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના પદચિહ્નો પર ચાલી રહ્યા છે. તાજેતરમાં સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી તસવીરોમાં સુવેન્દુ અધિકારી હૂબહૂ યોગી સ્ટાઈલમાં જોવા મળ્યા હતા. વહીવટી સમીક્ષા બેઠક દરમિયાન તેમની ખુરશી પર જે રીતે 'ભગવો ટુવાલ' જોવા મળ્યો, તેણે વિપક્ષો અને રાજકીય વિવેચકોમાં નવી ચર્ચા જગાવી છે. આ માત્ર એક શૈલી નથી, પરંતુ બંગાળના વહીવટીતંત્રને શિસ્તબદ્ધ અને કડક બનાવવાનો એક સાંકેતિક સંદેશ હોવાનું પણ માનવામાં આવી રહ્યું છે.

મુખ્યમંત્રી સુવેન્દુ અધિકારીએ રાજ્યના ટોચના વહીવટી અધિકારીઓ જેવા કે મુખ્ય સચિવ દુષ્યંત નારિયલા અને DGP સિદ્ધનાથ ગુપ્તા સાથે હાઈ-લેવલ મીટિંગ યોજી હતી. આ બેઠક બાદ તેમણે સ્પષ્ટ કર્યું કે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા જાળવવી એ તેમની સર્વોચ્ચ પ્રાથમિકતા છે. બંગાળમાં દાયકાઓથી જે રાજકીય હિંસા અને અરાજકતાની ફરિયાદો ઉઠતી રહી છે, તેને ડામવા માટે 'યોગી મોડેલ' એટલે કે 'ઝીરો ટોલરન્સ' ની નીતિ અપનાવવામાં આવે તેવી શક્યતા નકારી શકાય તેમ નથી. શપથ ગ્રહણ સમારોહ દરમિયાન પણ જ્યારે યોગી આદિત્યનાથે સુવેન્દુને કેસરી ખેસ પહેરાવ્યો હતો, ત્યારથી જ આ 'કેમેસ્ટ્રી'ની ચર્ચા તેજ બની હતી.

બંગાળની જનતા અને રાજકીય નિષ્ણાતો હવે એ જોઈ રહ્યા છે કે શું આ ભગવો રંગ માત્ર પ્રતીકાત્મક છે કે પછી આગામી દિવસોમાં બંગાળમાં મોટા વહીવટી ફેરફારો અને ગુનેગારો સામે કડક કાર્યવાહીના રૂપે જોવા મળશે. સુવેન્દુ અધિકારીએ 'પારદર્શક અને કાર્યક્ષમ શાસન'ની જે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે, તે બંગાળના ભવિષ્ય માટે અત્યંત નિર્ણાયક સાબિત થઈ શકે છે. સોશિયલ મીડિયા પર તેમની આ પોસ્ટ અને તસવીરોએ લોકોમાં કુતૂહલ જગાડ્યું છે કે શું હવે બંગાળમાં પણ યુપીની જેમ વહીવટી તંત્રનો 'બુલડોઝર જેવો' પ્રહાર જોવા મળશે કે કેમ!

(11:24 PM IST)