News of Sunday, 9th August 2026
દિલ્હીમાં ગરીબોના અનાજમાં મહાકૌભાંડનો આપનો ધડાકો: FCI પાસેથી સબસિડીવાળા ચોખા મેળવી ખાનગી કંપનીને વેચી ૩ વર્ષમાં ₹૨૨,૦૦૦ કરોડ લૂંટવાનું આયોજન હોવાનો સૌરભ ભારદ્વાજનો ગંભીર આરોપ
અસમની કોર્પોરેશન અને દિલ્હી સરકાર વચ્ચેની મિલીભગતથી દર અઠવાડિયે ૩૧,૦૦૦ મેટ્રિક ટન અનાજની હેરાફેરી કરી હરિયાણાની ફર્મને પધરાવી દઈ અબજો રૂપિયાનું કમિશન સટ્ટાકીય રીતે વસૂલવાનું ષડયંત્ર રચાયાનો દાવો

નવી દિલ્હી: રાષ્ટ્રીય રાજધાની દિલ્હીના રાજકારણમાં ગરીબો માટેના મફત અને સબસિડીવાળા રાશન મુદ્દે મોટો વિસ્ફોટ થયો છે. આમ આદમી પાર્ટી (AAP)ના દિલ્હી પ્રદેશ અધ્યક્ષ અને પૂર્વ મંત્રી સૌરભ ભારદ્વાજે ગંભીર આક્ષેપ કરતા દાવો કર્યો છે કે, દિલ્હી સરકાર અને અસમના એક કોર્પોરેશન દ્વારા મિલીભગત કરીને આગામી ત્રણ વર્ષમાં અંદાજે ₹૨૨,૦૦૦ કરોડનું ચોખા કૌભાંડ આચરવાનું મોટું ષડયંત્ર ઘડી કાઢવામાં આવ્યું હતું. આ યોજના હેઠળ દિલ્હીના ગરીબ અને જરૂરિયાતમંદ નાગરિકોના નામે સબસિડીવાળા ચોખા મેળવીને તેને બારોબાર ખાનગી કંપનીઓને વેચી દેવાનું મોટું નેટવર્ક ગોઠવવામાં આવ્યું હોવાનો સણસણતો દાવો કરવામાં આવ્યો છે.
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર વિગતો શેર કરતા સૌરભ ભારદ્વાજે જણાવ્યું હતું કે, દિલ્હીના ખાદ્ય અને નાગરિક પુરવઠા વિભાગ તથા અસમ સ્થિત એક સરકારી કોર્પોરેશને ભારતીય અન્ન નિગમ (FCI) સમક્ષ એક સત્તાવાર વિનંતી મોકલી હતી. આ વિનંતીપત્રમાં દિલ્હીના ગરીબો માટે દર અઠવાડિયે ૩૧,૦૦૦ મેટ્રિક ટન જેટલા વિપુલ પ્રમાણમાં સબસિડી ધરાવતા ચોખાનો જથ્થો ફાળવવાની માંગણી કરવામાં આવી હતી. જોકે, આપ નેતાનો આરોપ છે કે આ રીતે મેળવેલો સબસિડીવાળો ચોખાનો એક પણ દાણો દિલ્હીના એકપણ ગરીબ વ્યક્તિ સુધી પહોંચાડવામાં આવ્યો નહોતો.
ભારદ્વાજે આ કૌભાંડની મોડસ ઓપરેન્ડીનો ખુલાસો કરતા ઉમેર્યું હતું કે, સબસિડીવાળો આ આખો જથ્થો હરિયાણાની એક ખાનગી કંપનીને ભારે નફા સાથે બારોબાર વેચી દેવામાં આવતો હતો. આ રીતે દર અઠવાડિયે અંદાજે ₹૧૪૩ કરોડનું કૌભાંડ આચરવાની ગણતરી હતી, જે ત્રણ વર્ષના ગાળામાં વધીને ₹૨૨,૦૦૦ કરોડના વિશાળ આંકડા સુધી પહોંચી જવાની હતી. તેમણે એવો પણ ગંભીર દાવો કર્યો છે કે આ વ્યવહારમાં અસમ સ્થિત કોર્પોરેશનને માત્ર કમિશન પેટે જ પ્રતિ સપ્તાહ ₹૭૦ કરોડની કમાણી થઈ રહી હતી, અને જો આ કૌભાંડ સળંગ ત્રણ વર્ષ સુધી ચાલ્યું હોત તો એકલા કમિશનની લૂંટ જ ₹૧૧,૦૦૦ કરોડ આસપાસ પહોંચી જાત.
દિલ્હીના ખાદ્ય અને પુરવઠા મંત્રી મનજિંદર સિંહ સિરસાના વિભાગ તરફથી FCIને પત્ર લખાયો હોવાનો નિર્દેશ આપતા આપ નેતાએ જણાવ્યું કે, કેન્દ્ર સરકારના વિજિલન્સ વિભાગે આ ગંભીર અનિયમિતતા અને કૌભાંડની વિગતો પકડી પાડી હતી. ગરીબોના હકનું રાશન બારોબાર ખાનગી ફર્મોને પધરાવી દઈને અબજો રૂપિયાનો ભ્રષ્ટાચાર આચરવાના આ આરોપો બાદ દિલ્હીના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.
(2:33 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
