<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 21st November 2026

"તમે ૧૦૦ વાર પણ ફરિયાદ કરી શકો છો": જાતીય ગુનાઓના ફરિયાદીઓનો અલગ ડેટાબેઝ બનાવવાની માંગ સુપ્રીમ કોર્ટે ફગાવી

વારંવાર ફરિયાદ કરનારાઓનો રેકોર્ડ રાખવાની જાહેર હિતની અરજી ફગાવતા ચીફ જસ્ટિસ સૂર્યકાંતની બેન્ચની મહત્વપૂર્ણ ટિપ્પણી : પીડિતોની ગોપનીયતા છતી થવાના જોખમ અને હાલની કાયદાકીય પ્રક્રિયાઓ પૂરતી હોવાનું જણાવી અરજી નકારી

નવી દિલ્હી :  સુપ્રીમ કોર્ટે એક અત્યંત મહત્વપૂર્ણ ચુકાદો આપતા જાતીય ગુનાઓની વારંવાર ફરિયાદ કરનારા વ્યક્તિઓનો અલગ ડેટાબેઝ બનાવવાની માંગ કરતી જાહેર હિતની અરજી (PIL) ફગાવી દીધી છે. ચીફ જસ્ટિસ સૂર્યકાંત, જસ્ટિસ જોયમલ્યા બાગચી અને જસ્ટિસ વી. મોહનાની ત્રણ સભ્યોની બેન્ચે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે દરેક નાગરિકને ફરિયાદ દાખલ કરવાનો બંધારણીય અધિકાર છે, ભલે તે વ્યક્તિ ૧૦૦ વાર ફરિયાદ કેમ ન નોંધાવે. શોની કપૂર દ્વારા કેન્દ્ર સરકાર, દિલ્હી સરકાર અને દિલ્હી પોલીસ કમિશનર વિરુદ્ધ દાખલ કરાયેલી આ અરજી પર સુનાવણી કરતા કોર્ટે ઉમેર્યું હતું કે જો કોઈ ફરિયાદ ખોટી સાબિત થાય, તો કાયદા હેઠળ તેની સામે કાર્યવાહી કરવાની જોગવાઈ પહેલેથી જ અસ્તિત્વમાં છે.

સુનાવણી દરમિયાન અરજદારના વકીલે દલીલ કરી હતી કે કેટલાક લોકો વારંવાર ફરિયાદો કરીને કાયદાકીય સિસ્ટમનો દુરુપયોગ કરે છે, તેથી દરેક જિલ્લાના પોલીસ મુખ્યાલયમાં આવા ફરિયાદીઓનો એક વ્યવસ્થિત ડેટાબેઝ તૈયાર થવો જોઈએ. આ અંગે જસ્ટિસ બાગચીએ તીખો સવાલ પૂછ્યો હતો કે શું આ ડેટાબેઝમાં પીડિતોની માહિતી હશે કે આરોપીઓની? વકીલે જ્યારે સ્પષ્ટ કર્યું કે આ ડેટાબેઝ માત્ર ફરિયાદીઓ માટે હશે, ત્યારે કોર્ટે તેની જરૂરિયાત પર પ્રશ્નાર્થ ઉઠાવ્યો હતો. જસ્ટિસ બાગચીએ નોંધ્યું હતું કે જાતીય ગુનાઓની તપાસ માટે તબીબી તપાસ, ડીએનએ પ્રોફાઇલિંગ અને મેજિસ્ટ્રેટ સમક્ષ પીડિતોના નિવેદન નોંધવા જેવી મજબૂત અને સ્થાપિત પ્રક્રિયાઓ પહેલેથી જ અમલમાં છે, જે ફરિયાદની સત્યતા ચકાસવા માટે પૂરતી છે.

સર્વોચ્ચ અદાલતે આ માંગણી નકારવા પાછળ પીડિતોની ગોપનીયતા અને સુરક્ષાને સૌથી મોટું કારણ ગણાવ્યું હતું. બેન્ચે ગંભીર ચિંતા વ્યક્ત કરતા કહ્યું હતું કે જો ફરિયાદીઓનો આવો કોઈ ડેટાબેઝ બનાવવામાં આવે, તો તેનાથી જાતીય ગુનાઓનો ભોગ બનેલા નિર્દોષ પીડિતોની ઓળખ છતી થવાનું મોટું જોખમ ઊભું થઈ શકે છે. કાયદામાં પીડિતોની ઓળખ ગુપ્ત રાખવા માટે કડક સુરક્ષા કવચ આપવામાં આવ્યું છે, ત્યારે તપાસ એજન્સીઓ આ ડેટાબેઝમાં રહેલી સંવેદનશીલ માહિતીનું રક્ષણ કેવી રીતે કરી શકશે તેવો સવાલ ઉઠાવી સુપ્રીમ કોર્ટે આ અરજીનો અંત આણ્યો હતો.

(10:25 AM IST)