News of Wednesday, 23rd September 2026
"તમારું કાર્ડ અટવાયું છે, હું કૅમેરાથી જોઉં છું...": બોઈસરમાં 'બોલતા' એટીએમ મશીનનો સનસનાટીભર્યો ખેલ, વોકીટોકીથી રૂ.૯૦ હજારની ઠગાઈ કરનાર ભેજાબાજ જેલભેગો
મશીન પાછળ ગુપ્ત વોકીટોકી છુપાવી એટીએમ સેન્ટરમાં ગ્રાહકોને છેતરવાની અનોખી ઠગાઈનો પર્દાફાશ: મહિલાના કિંમતી કાર્ડ અટકાવી પિન નંબર મેળવી લીધા બાદ ખાતું સાફ કરનારો થાણેનો યુવક ઝડપાયો.

બોઈસર : પાલઘર જિલ્લાના બોઈસર પરિસરમાંથી ગુનાખોરીનો એક અત્યંત વિચિત્ર, સનસનાટીભર્યો અને અનોખો કિસ્સો સામે આવ્યો છે. સામાન્ય રીતે એટીએમ મશીનમાંથી માત્ર પૈસા નીકળતા હોય છે, પરંતુ બોઈસરના એક એટીએમ મશીનમાંથી અચાનક 'માણસનો અવાજ' આવવા લાગ્યો હતો! આ 'બોલતા' એટીએમ મશીનની વાતોમાં આવીને એક મહિલા પોતાના ૯૦ હજાર રૂપિયા ગુમાવી બેઠી હતી. જોકે, બોઈસર પોલીસે ટેક્નિકલ સર્વેલન્સના આધારે આ સમગ્ર છેતરપિંડીનો પર્દાફાશ કરી નવીનતમ મોડસ ઓપરેન્ડી અજમાવનાર ભેજાબાજ આરોપીને જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે.
પોલીસે પકડી પાડેલા ચતુર આરોપીની ઓળખ થાણે જિલ્લાના કલવા ખાતે રહેતા ૨૬ વર્ષીય જિતેન્દ્ર રામદેવ પાલ તરીકે થઈ છે. આરોપી પાસેથી પોલીસે બે હાઈટેક વોકીટોકી સેટ અને રૂ. ૬૦ હજારની રોકડ રકમ જપ્ત કરી છે. બનાવની વિગત એવી છે કે, પામ વિસ્તારની વૃંદાવન નગરીમાં રહેતી ૩૭ વર્ષીય સમીરા ખાન ૧૪ સપ્ટેમ્બરે બોઈસરના શિવાજીનગરમાં આવેલા એસબીઆઈના એટીએમ સેન્ટરમાં ગઈ હતી. તેણે રૂ. ૭,૦૦૦ ઉપાડ્યા બાદ તેનું કાર્ડ મશીનની અંદર જ અટવાઈ ગયું હતું. મહિલા કાર્ડ બહાર કાઢવા મથી રહી હતી ત્યારે અચાનક મશીનની પાછળના ભાગમાંથી અવાજ આવ્યો કે, "હું તમને એટીએમ કૅમેરાથી જોઈ રહ્યો છું... જબરદસ્તી કાર્ડ ન ખેંચો, જે સમસ્યા હોય તે જણાવો."
મહિલાએ કાર્ડ અટવાઈ ગયાની વાત કરી એટલે મશીનમાંથી અવાજે સૂચના આપી કે, "ત્રણ વાર પિન નંબર નાખીને કૅન્સલ દબાવો અને પછી એન્ટર આપો." મહિલાએ સૂચના પાળી છતાં કાર્ડ બહાર ન આવ્યું. આખરે અવાજે કહ્યું કે, "તમારો મોબાઈલ નંબર એક કાગળ પર લખીને મશીન પર મૂકી જાવ, કાલે ઓપરેટર આવીને કાર્ડ કાઢી આપશે પછી આવીને લઈ જજો." મહિલા મશીનની અદ્રશ્ય સૂચનાઓને સાચી માનીને ઘરે જતી રહી, પણ થોડી જ વારમાં તેના મોબાઈલ પર ખાતામાંથી રૂ. ૯૦,૦૦૦ ઉપડી ગયાનો મેસેજ આવતા તેના હોશ ઊડી ગયા હતા.
બોઈસર સ્ટેશનના ઈન્સ્પેક્ટર સુનીલ જાધવના જણાવ્યા મુજબ, આરોપીએ પહેલાથી જ મશીન સાથે એવી રીતે ચેડાં કર્યા હતા જેથી કાર્ડ અટવાઈ જાય. જ્યારે મહિલા મશીન પર હતી ત્યારે પાછળ ઊભા રહીને ચાલાકીથી તેનો પિન નંબર જોઈ લીધો હતો. તે પછી દૂર જઈને પોતાના વોકીટોકીથી બોલતો હતો, જેનો અવાજ મશીન પાછળ સંતાડેલા બીજા વોકીટોકીમાંથી આવતો હતો. મહિલાએ તેને મશીનનો સત્તાવાર અવાજ માની લીધો હતો. પોલીસે માત્ર પાંચ દિવસમાં આ અનોખી ઠગાઈનો ભેદ ઉકેલી આરોપીની ધરપકડ કરી છે અને તે અન્ય કયા એટીએમમાં આ જાદુઈ યુક્તિ અજમાવી ચૂક્યો છે તેની તપાસ ચાલુ કરી છે.
(8:16 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
