તા. ૨૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૧ શુક્રવાર
News of Friday, 20th November 2026
કોઠારીયા ધરમનગરમાં ૧ા વર્ષની ફૂલડા જેવી આર્યાનું તાવ અને ઉલ્ટી બાદ મૃત્યુ
વ્યાસ પરિવારે લાડકવાયી દિકરી ગુમાવતાં ગમગીની

રાજકોટ તા. ૨૦: કોઠારીયા રોડ વિસ્તારની સોસાયટીમાં રહેતાં પરિવારની સવા વર્ષની ફુલડા જેવી દિકરીનું તાવ આવ્યા બાદ અને ઉલ્ટી થયા બાદ તબીયત બગડતાં મૃત્યુ થતાં પરિવારમાં અરેરાટી વ્યાપી ગઇ છે.
જાણવા મળ્યા મુજબ કોઠારીયા રોડ રાધામીરા હોટલ પાસે ધરમનગર-૩માં રહેતાં હાર્દિકભાઇ વ્યાસની દિકરી આર્યા (ઉ.વ.૧ા)ને બે દિવસ પહેલા તાવ આવતાં દવા લીધી હતી. આ પછી ગઇકાલે ઉલ્ટી થતાં તબિયત બગડતાં ખાનગી હોસ્પિટલમાં અને ત્યાંથી ઝનાના હોસ્પિટલના બાળકોના વિભાગમાં દાખલ કરવામાં આવી હતી. પરંતુ અહિ સારવાર દરમિયાન મૃત્યુ થતાં હોસ્પિટલ મારફત જાણ થતાં ભક્તિનગરના હેડકોન્સ. તોરલબેન જોષીએ જરૂરી કાર્યવાહી કરી હતી.
મૃત્યુ પામનાર આર્યા એક ભાઇથી નાની હતી. પિતા હાર્દિકભાઇ કેપ્ટન ટ્રેકટર કંપનીમાં ફરજ બજાવે છે. લાડકવાયી દિકરીના મૃત્યુથી વ્યાસ પરિવારમાં શોક છવાઇ ગયો છે. મૃત્યુનું ચોક્કસ કારણ જાણવા પોલીસે મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવ્યું હતું.
(2:41 PM IST)










