<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 20th June 2026

શાપરની અઢી કરોડની લુંટનો ભેદ ઉકેલવા જીલ્લા પોલીસની અલગ-અલગ ૧૦ ટીમો કામે લાગી : રેન્‍જ આઇજી નિર્લિપ્ત રાય

રાત્રે જ લુંટારૂઓનું પગેરૂ દબાવવા નાકાબંધી કરાઇ'તીઃ રૂરલ એસપી વિજયસિંહ ગુર્જરના માર્ગદર્શન હેઠળ તપાસનો ધમધમાટ

રાજકોટ, તા., ર૦: શાપર-વેરાવળ સ્‍થિત ગિરાસદાર પરિવારના મોભી જીતેન્‍દ્રસિંહ અજીતસિંહ જાડેજાને પાંચ બુકાનીધારીઓએ બંધક બનાવી  ર.૪૭ કરોડની રોકડ સહિતની સનસનાટીભરી લુંટની ઘટના બાદ ઘટના સ્‍થળે દોડી ગયેલ રેન્‍જ આઇજી નિર્લિપ્ત રાયે જણાવ્‍યું હતું કે, આ લુંટ-ધાડનો ભેદ ઉકેલવા રૂરલ એસપી વિજયસિંહ ગુર્જરના માર્ગદર્શન હેઠળ જીલ્લા પોલીસની ૧૦ ટીમો કામે લાગી છે. પોલીસ લુંટારૂઓનું પગેરૂ દબાવી રહી છે.

રેન્‍જ આઇજી નિર્લિપ્ત રાયે વધુમાં જણાવ્‍યું હતું કે કરોડોની લુંટની ઘટનાની જાણ થતા જ સ્‍થાનીક પોલીસ ઘટના સ્‍થળે દોડી ગઇ હતી. રૂરલ એસપી  વિજયસિંહ ગુર્જર, ગોંડલ ડીવાયએસપી કે.જી.ઝાલા, રૂરલ એલસીબી તથા એસઓજીનો સ્‍ટાફ ઘટના સ્‍થળે દોડી ગયો હતો. ઘટનાને પગલે રાત્રે જ રાજકોટ જીલ્લામાં અને આજુબાજુના જિલ્લામાં નાકાબંધી કરાઇ હતી. પરંતુ લુંટારૂઓના કોઇ સગડ મળ્‍યા ન હતા.

લુંટની ઘટનામાં ૪ થી પ બુકાનીધારીઓ હોવાનું પ્રાથમીક તપાસમાં ખુલ્‍યું છે. લુંટારૂઓને ઝડપી લેવા હ્યુમન સોર્સ તથા ટેકનીકલ સોર્સથી તપાસ હાથ ધરાઇ છે. રૂરલ એસપી વિજયસિંહ ગુર્જરના નેજા હેઠળ રૂરલ એલસીબી, રૂરલ એસઓજી, ગોંડલ ડીવાયએસપી, સ્‍થાનીક પોલીસ તથા રેન્‍જની અલગ-અલગ ૧૦ ટીમો કાર્યરત કરી લુંટારૂઓનુ પગેરૂ દબાવાઇ રહયું છે.

લુંટની ઘટનામાં કોઇ જાણભેદુ છે કે કેમ? સહિતના તમામ પાસાઓ અંગે વિવિધ દિશામાં તપાસના ચક્રો ગતિમાન કરાયા છે.

(4:03 PM IST)