રૈયા ગામમાંથી ૧૦ વર્ષનો સુરેશ અને તેનો ૮ વર્ષનો ભાઇ દેવરાજ પાળતુ બકરી સાથે ગૂમ
યુનિવર્સિટી પોલીસે અપહરણનો ગુનો નોંધી તપાસ શરૂ કરીઃ બંને ભાઇઓ અને બકરીની ઠેકઠેકાણે શોધખોળ

બંને ભાઇઓ બકરી સાથે નીકળ્યા તેના સીસીટીવી દ્રશ્ય અને બંનેની તસ્વીર જોઇ શકાય છે. કોઇને જોવા મળે તો યુનિવર્સિટી પોલીસને ૬૩૫૯૬ ૨૭૩૩૫, પીઆઇ કે. કે. ગોહિલને૯૩૭૪૨ ૯૨૯૨૯ અથવા પીએસઆઇ આઇ. એ. બેલીમને ૯૯૭૯૫ ૭૩૩૮૬ ઉપર જાણ કરવા જણાવાયું છે
રાજકોટ તા. ૧: રૈયા ગામમાં શંકર ભગવાનના મંદિર પાસે સ્મશાનની સામે રહેતાં દેવીપૂજક પરિવારના બે સગા ભાઇ સુરેશ (ઉ.વ.૧૦) અને દેવરાજ (ઉ.વ.૮) ૨૯મીએ સવારે સાડા સાતેક વાગ્યે ઘરેથી તેની પાંચ છ મહિનાની ઉમરની એક બકરીને લઇને નીકળી ગયા બાદ ગૂમ થઇ જતાં પોલીસને જાણ કરવામાં આવતાં બાળકો ગુમ થવાના કિસ્સામાં નિયમ અનુસાર પોલીસે અપહરણનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
આ બનાવમાં યુનિવર્સ્ટિી પોલીસે રૈયા ગામમાં રહેતાં અને શાકભાજી વેચી પરિવારનું ગુજરાન ચલાવતા રવીભાઈ પરસોત્તમભાઈ વિકાણી (ઉ.વ. ૪૦)ની ફરિયાદ પરથી અપહરણનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. રવિભાઇના જણાવ્યા મુજબ ૨૮/૯ના રોજ રાત્રે તેઓ કામ પરથી ઘરે આવ્યા ત્યારે બંને પુત્રો સુરેશ અને દેવરાજ ઘરે હાજર નહોતા. તે આજુબાજુમાં સગાને ત્યાં હશે તેમ માની લીધુ હતું. બીજી તરફ ઘરમાં તપાસ કરતા માતાજીના પાઠની થેલીમાં રાખેલા આશરે ૩૫૦ રૂપિયા ગાયબ જણાયા હતા અને સામાન વેરવિખેર પડ્યો હતો.
બીજા દિવસે ૨૯મીએ સવારે ે નાનો પુત્ર દેવરાજ ઘરે આવ્યો હતો. તેના મોટા ભાઈ સુરેશ વિશે પૂછતાં તેણે જણાવેલ કે બંને પડોશમાં રહેતા માસીના ઘરે સુતા હતા અને સુરેશ હજુ ત્યાં જ છે. જેથી પિતાએ દેવરાજને પાણી ભરવાનો હાંડો આપી સુરેશને પણ જગાડીને ઘરે લાવવા મોકલ્યો હતો. પણ લાંબો સમય થવા છતાં બંને ભાઈઓ પરત આવ્યા નહોતા. પિતાએ તપાસ કરતાં પાણીનો હાંડો રિક્ષા પાસે પડેલો મળી આવ્યો હતો પરંતુ બંને દિકરા ગાયબ હતા.
પડોશીઓ પાસેથી જાણવા મળ્યું હતું કે બંને બાળકોએ કોઈને ઘઉં પણ વેંચી નાખ્યા હતા. તેમજ વાપરવા માટે પૈસાની જરૂર હોવાથી તેમણે માતાજીના પાઠમાંથી રૂપિયા લીધા હોવાની અને પિતા ખીજાશે તેમજ રખડવા બાબતે બોલશે તેવા ડરથી બંને બાળકો કયાંક ચાલ્યા ગયા હોવાની આશંકા વ્યક્ત કરાઈ છે. પરિવારજનો દ્વારા સગા-સંબંધીઓમાં ભારે શોધખોળ કરવા છતાં બંને બાળકો મળી ન આવતાં આખરે પિતા રવીભાઈ વિકાણીએ યુનિવર્સિટી પોલીસને જાણ કરતાં પીઆઇ કે. કે. ગોહિલની રાહબરીમાં પીએસઆઇ આઇ. એ. બેલીમે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
પિતા રવિભાઇએ જણાવ્યુ઼ હતું કે બંને દિકરાની સાથે એક પાંચેક મહિનાની બકરી પણ છે. આ બકરી જન્મી ત્યારથી બંને ભાઇઓ તેને રમાડતાં હોઇ તેના કારણે બકરી પણ સાથે લેતાં ગયા છે. પોલીસે બંનેને શોધવા તપાસ શરૂ કરી છે. પરિવારજનો પણ બાળકોને શોધી રહ્યા છે. કોઇને બાળકો જોવા મળે તો પોલીસને જાણ કરવા જણાવાયું છે.










