<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 28th July 2026

સ્‍કૂલેથી છુટીને આવ્‍યા બાદ ૧૧મા ધોરણની છાત્રા મિતાલીબાનો ફાંસો ખાઇ આપઘાત

દોઢસો રીંગ રોડ નાગરિક બેંક પાછળ સહકાર પાર્કમાં બનાવઃ માતા બહારથી ઘરે આવ્‍યા ત્‍યારે દિકરી લટકતી મળીઃ સારવારમાં દમ તોડતાં પરિવારમાં કલ્‍પાંત

રાજકોટ તા. ૨૮: ગાંધીગ્રામ દોઢસો ફુટ રીંગ રોડ નાગરિક બેંકની પાછળ સહકાર પાર્કમાં એક વિદ્યાર્થીનીએ ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતાં પરિવારમાં અરેરાટી વ્‍યાપી ગઇ છે. સ્‍કૂલેથી છુટીને ઘરે આવ્‍યા બાદ તેણીએ આ પગલુ ભરી લીધુ હતું. તે વખતે જ માતા બહારથી ઘરે આવ્‍યા હોઇ દિકરીને લટકતી જોવા મળી હતી. તેણીને બેભાન હાલતમાં સારવાર માટે ખસેડી હતી. પરંતુ અહિ મૃત્‍યુ થયું હતું.

જાણવા મળ્‍યા મુજબ સહકાર પાર્કમાં રહેતાં મિતાલીબા પૃથ્‍વીરાજસિંહ જાડેજા (ઉ.વ.૧૮) નામના છાત્રાએ સાંજે ઘરે ચુંદડી બાંધી દેહ લટકાવી દેતાં બેભાન હાલતમાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયેલ. પરંતુ અહિ ટુંકી સારવાર બાદ મૃત્‍યુ થતાં પરિવારમાં અરેરાટી વ્‍યાપી ગઇ હતી. બનાવની જાણ હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે યુનિવર્સિટી પોલીસને કરતાં એએસઆઇ જયસિંહ ઝાલાએ જરૂરી કાર્યવાહી કરી હતી.

આપઘાત કરનાર મિતાલીબા બે બહેનમાં નાના હતાં. તેનાથી નાના બહેન મુક-બધીર છે. તેણીના મામાના કહેવા મુજબ મિતાલીબાના પિતા વર્ષોથી અલગ રહે છે. મિતાલીબા અને નાની બહેન માતા સુમિત્રાબેન સાથે રહે છે. માતા પાર્લરનું કામ કરે છે. મિતાલીબા સાધુ વાસવાણી કુંજ હાઇસ્‍કૂલમાં ધોરણ-૧૧માં ભણતાં હતાં. તેણીએ બપોરે શાળાએથી છુટીને ઘરે આવ્‍યા બાદ અકળ કારણોસર આ પગલુ ભરી લીધુ હતું. માતા સુમિત્રાબેન પાર્લરનું કામ કરે છે. તેઓ બપોરે ઘરે આવ્‍યા ત્‍યારે દિકરી લટકતી હાલતમાં મળી હતી. આપઘાતનું કારણ બહાર ન આવતાં પોલીસે તપાસ યથાવત રાખી છે. 

 

(4:09 PM IST)