News of Tuesday, 26th May 2026
રાજકોટમાં મધરાતે ૧.૨૦ કલાકે
ભૂકંપની તીવ્રતા ૩.૦ની નોંધાઇ : લોકો દ્વારા સોશ્યિલ મીડિયા પર અનુભવો પોસ્ટ કરાયા...: શહેરથી ૯ કિ.મી દૂર સાઉથ વેસ્ટ સાઉથમાં કેન્દ્રબિંદુ : વહેલી સવારે અમરેલી પંથકમાં પણ બે આંચકા...

રાજકોટ, તા.૨૬: શહેરમાં ગત રાત્રે ૧:૨૦ વાગ્યે ભૂકંપનો હળવો આંચકો અનુભવાયો હતો. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અને ગાંધીનગર સ્થિત ઇન્સ્ટિટયુટ ઓફ સિસ્મોલોજીકલ રિસર્ચ અનુસાર, આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર ૩.૦ નોંધાઈ છે.ભૂકંપનું કેન્દ્રબિંદુ રાજકોટ શહેરથી ૯ કિલોમીટર દૂર હોવાનું જાહેર થયું છે. આંચકો હળવો હોવાથી શહેર અને આસપાસના વિસ્તારોમાં લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. અનેક નાગરિકોએ સોશિયલ મીડિયા પર આ અનુભવ વિશે પોસ્ટ કર્યા હતા.
સિસ્મોલોજી ડિપાર્ટમેન્ટના જણાવ્યા અનુસાર, મોડી રાતે ૧:૨૦ કલાકે રાજકોટથી ૯ કિમી દૂર ૩ની તીવ્રતાના આંચકાનું કેન્દ્રબિદું સાઉથ વેસ્ટ સાઉથ ખાતે નોંધાયું હતું. ત્યારબાદ સવારે ૩:૪૭ વાગ્યે ભચાઉથી ૯ કિમી દૂર ૧.૫ની તીવ્રતાના ભૂકંપનું કેન્દ્રબિદું વેસ્ટ નોર્થ ખાતે નોંધાયું હતું. વહેલી સવારે ૪:૦૮ વાગ્યે અમરેલીથી ૪૬ કિમી દૂર ૧.૨ની તીવ્રતાના ભૂકંપનું કેન્દ્રબિદું સાઉથ સાઉથ ઇસ્ટ ખાતે નોંધાયું હતું અને સવારે ૭.૩૫ કલાકે અમરેલીથી ૪૫ કિમી દૂર ૧.૮ની તીવ્રતાના ભૂકંપનું કેન્દ્રબિંદુ સાઉથ સાઉથ ઇસ્ટ ખાતે નોંધાયું હતું.
ભૂકંપના આંચકાને કારણે કેટલાક વિસ્તારોમાં લોકો થોડા સમય માટે ઘરો અને ઇમારતોની બહાર નીકળી આવ્યા હતા, પરંતુ અત્યાર સુધી કોઈ જાનહાનિ કે માલમિલકતને નુકસાન થયાની માહિતી મળી નથી.
(2:44 PM IST)










